ક્રિકેટરોની સાથે વિદેશ પ્રવાસે જઈ શકશે પત્નીઓ-પ્રેયસીઓ…

ભારતીય ક્રિકેટ ટીમ વિદેશ પ્રવાસે જાય ત્યારે ખેલાડીઓ સાથે એમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને પણ જવા દેવાની કેપ્ટન વિરાટ કોહલીએ કરેલી વિનંતીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સ્વીકારી લીધી છે, પણ એક શરત સાથે.

આ શરત એવી છે કે ક્રિકેટરો સાથે એમની પત્નીઓ અને પ્રેમિકાઓ સ્પર્ધા શરૂ થયાના 10 દિવસ બાદ જ જોડાઈ શકશે. એ પછી તેઓ પ્રવાસના બાકીના દિવસોમાં સાથે રહી શકશે.

કોહલીએ તો આખા પ્રવાસમાં પત્નીઓ/ગર્લફ્રેન્ડ્સને સાથે રહેવા દેવાની વિનંતી કરી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધિકારીએ કોહલીના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે નિમેલી વહીવટદારોની સમિતિને સુપરત કરી હતી.

અગાઉ એવો નિયમ હતો કે ક્રિકેટરોની પત્નીઓ અને પ્રેમિકાઓ વિદેશ પ્રવાસ વખતે માત્ર બે જ અઠવાડિયા સુધી એમની સાથે રહી શકે, પણ કોહલીએ આ નિયમને હળવો બનાવવા ક્રિકેટ બોર્ડને સમજાવી લીધું છે.

વિદેશ પ્રવાસ વખતે ટીમના ખેલાડીઓ સાથે એમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને પણ જવા દેવા અંગે ઘણા દેશોમાં નિયંત્રણો છે, પણ ત્યાંના ખેલાડીઓ નારાજ છે.