AB બાદનું SA: ડી વિલિયર્સની ખોટ કોણ પૂરશે?

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ 12 જુલાઈએ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. ત્યાં ગોલમાં પહેલી ટેસ્ટ રમશે. એબી ડી વિલિયર્સ વિનાની એ તેની પહેલી મેચ હશે. એબીડી તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રીલંકામાં બે ટેસ્ટ, પાંચ વન-ડે ઈન્ટરનેશનલ અને એકમાત્ર T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમશે.

ત્યારબાદ ઘરઆંગણે ઓક્ટોબરમાં ઝિમ્બાબ્વે સામે 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચો રમશે. નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા જશે અને ત્યાં ત્રણ ODI અને ત્રણ T20 મેચોની શ્રેણીઓ રમશે. આ બધી શ્રેણીઓમાં ટીમને ડી વિલિયર્સની ખોટનું ભાન થઈ જશે.

દક્ષિણ આફ્રિકા પાસે અમુક યુવા ખેલાડીઓ છે, જેમ કે, ટ્યૂનિસ ડી બ્રાઈન અને એડન મારક્રામ. આ ઉપરાંત એની પાસે જેપી ડુમિની અને ફરહાન બેહરડીન. જોકે એમાંનો એકેય ડી વિલિયર્સની કક્ષાએ પહોંચી શકે એવો નથી.

ક્રિકેટની દુનિયામાં પોતાની અનોખી ઓળખ ઊભી કરનાર એબી ડી વિલિયર્સ સૌથી ફેવરિટ ખેલાડીઓમાંનો એક ગણાય છે. દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને તેની બેટિંગ દ્વારા દુનિયાભરમાં કરોડો લોકોને દીવાના બનાવ્યા છે. દરેક બેટ્સમેન એબીની જેમ મેદાનમાં ચારેબાજુ ફટકા મારવાની ક્ષમતાનો આનંદ ઉઠાવે છે.

એબી ડી વિલિયર્સ એટલે ક્રિકેટનો સુપરમેન કહો, સુપર હીરો કહો, મિસ્ટર 360 ડિગ્રી. તે આવા અનેક ઉપનામોથી જાણીતો થયો છે. મેદાનમાં બધી બાજુએ ફટકા મારવાની ક્ષમતાને કારણે એ પોતાને અન્યોથી અલગ સાબિત કરી શક્યો છે.

એબીડીને નાનપણથી જ બેટિંગનો શોખ હતો. એ બહુ જ આક્રમક અને ઝડપી હતો. એના માતાપિતા તો એને બધી જ રમતો માટે પ્રોત્સાહિત કરતા હતા. એ ભણવામાં પણ હોંશિયાર હતો, પણ ગરીબી તથા બીજી તકલીફોને કારણે એબીડીએ સ્કૂલ છોડી દેવાનો નિર્ણય લીધો હતો અને બધું ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું હતું.

એબી ડી વિલિયર્સનું પૂરું નામ છે – અબ્રાહમ બેન્જામિન ડી વિલિયર્સ.

એણે જ્યારે ભણવાનું છોડીને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે એ હોકી, બેડમિન્ટન, રગ્બી, ફૂટબોલની મેચો પણ રમતો હતો. આ રમતોમાં એ દેશની નેશનલ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો હતો, પરંતુ પૈસાની તંગીને કારણે એને સ્પોર્ટ્સ છોડીને થોડોક સમય નોકરી કરવી પડી હતી.

એવામાં એક દિવસ એના સગાંએ એને ક્રિકેટ કોચિંગની વાત કરી. ડી વિલિયર્સ પાસે એ માટે પૈસા નહોતા એટલે એણે ના પાડી દીધી, પણ એ સગા ડી વિલિયર્સને કોચિંગ અપાવવા મક્કમ હતા અને એનો બધો ખર્ચ એમણે ઉપાડી લીધો. બસ, એ તક ડી વિલિયર્સે ઝડપી લીધી અને બની ગયો દુનિયાનો અવ્વલ દરજ્જાનો બેટ્સમેન.

એવું કહેવાય છે કે, ડી વિલિયર્સ સ્વિમિંગમાં પણ ખૂબ પાવરધો છે. એણે અનેક રમતોમાં ઘણા એવોર્ડ્સ જીત્યા છે.