ઈંગ્લેન્ડવાળા લાવી રહ્યા છે નવી, 100-બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ

ઈંગ્લેન્ડમાં 8-ટીમવાળી નવી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ 2020માં શરૂ થશે. એ સ્પર્ધા પરંપરાગત T20 ફોર્મેટ અનુસાર નહીં રમાય, પણ એમાં બંને ટીમ 100-100 બોલનો એક-એક દાવ રમશે. આ સ્પર્ધાની વિશેષતા એ છે કે એની પાછળનું ભેજું એક ગુજરાતી છે – સંજય પટેલ.

નવી ટુર્નામેન્ટને નવી ટાઈપની T20 સ્પર્ધા તરીકે ગણવામાં આવે છે. લોર્ડ્સ ખાતે હાલમાં યોજાઈ ગયેલી બેઠકમાં તમામ 18 કાઉન્ટી ક્લબોના ચેરમેન અને ચીફ એક્ઝિક્યૂટિવ્સે નવી સ્પર્ધાની તરફેણમાં અને સર્વાનુમતે મત આપ્યો હતો.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)નું કહેવું છે કે નવી સ્પર્ધા 6-બોલની એક, એવી 15 ઓવરવાળી હશે અને છેલ્લે 10-બોલની એક એક્સ્ટ્રા ઓવર ઉમેરવામાં આવશે.

એક્સ્ટ્રા બોલનો સમાવેશ ફોર્મેટમાં કઈ રીતે કરવામાં આવશે એ હજી નક્કી થયું નથી, પરંતુ મોટે ભાગે 10-બોલની એ છેલ્લી ઓવર હશે.

T20 સ્પર્ધાએ દુનિયાભરનાં ક્રિકેટરસિયાઓમાં ઘેલું લગાડ્યું છે ત્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટ સત્તાધિશોને હવે એના જેવી જ એક નવી ફોર્મેટ શરૂ કરવાનો તુક્કો સૂઝ્યો છે.

નવી ફોર્મેટ ઈન્ડિયન પ્રીમિયર લીગ અને બિગ બેશ જેવી T20 ક્રિકેટ સ્પર્ધાઓની હરીફાઈમાં સફળ થશે કે કેમ એ વિશે સવાલ જાગ્યો છે. જોકે બ્રોડકાસ્ટરોએ નવા આઈડિયાને પસંદ કર્યો છે, એમ નવી સ્પર્ધાના મેનેજિંગ ડાયરેક્ટર સંજય પટેલનું કહેવું છે.

સંજય પટેલ – ઈસીબીના COO

સંજય પટેલ ઈસીબીના ચીફ કમર્શિયલ ઓફિસર છે. એમનું કહેવું છે કે આ આઈડિયા છેલ્લા છ મહિનાથી અમારા મનમાં ઘૂમી રહ્યો છે. નવી સ્પર્ધા શરૂ કરવા પાછળનો હેતુ યુવા લોકો, મહિલાઓ અને બ્રિટનમાં વસતા દક્ષિણ એશિયાઈ દેશોનાં લોકોને આકર્ષિત કરવાનો છે.

નવી 100-બોલ ટુર્નામેન્ટ સ્ટાન્ડર્ડ T20 સ્પર્ધા કરતાં આશરે 40 મિનિટ ઓછા સમયની રહેશે. સ્પર્ધામાં 38 દિવસોમાં 36 મેચો રમાડવાનો વિચાર છે.

ટૂંકમાં, આ ક્રિકેટના લિબાસમાં માર્કેટિંગ કોન્સેપ્ટ સજ્જ થઈ રહ્યો છે.