100 વર્ષ જૂની યોગ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત…

છેલ્લાં હજાર વરસમાં યોગનો જેટલો પ્રચાર થયો નથી એટલો 21મી સદીમાં થઈ રહ્યો છે. 21 જૂન એટલે કે આજે ગુરુવારે  ભારત સહિત દુનિયાભરમાં સવાથી દોઢ લાખ સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે. અલબત્ત, યોગ એ એક-બે કે દર વરસે ઉજવણી કરવાની ઘટના નથી. બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થાથી લઈને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કરવાના સંસ્કાર છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિનો એક ભાગ છે, પણ હકીકત એ છે કે યોગને પાછલાં હજારો વરસોમાં સ્વીકૃતિ મળી નથી એટલો જબ્બર સ્વીકાર 21મી સદીમાં થઈ રહ્યો છે.

આજની તારીખે દરરોજ સવારે આશરે સાતથી આઠ કરોડ ભારતીયો યોગ કરે છે એનો યશ રામદેવ બાબાને જાય છે. યોગને માત્ર દોઢ દાયકામાં ભારત અને વિશ્વમાં લોકપ્રિય બનાવવામાં રામદેવ બાબાનો સિંહ ફાળો રહ્યો છે અને તેમણે યોગનો પ્રચાર પ્રસાર વધુ કર્યો છે. એ સાચી વાત, પણ આપણા દેશમાં અને વિશ્વમાં સૌથી જૂની યોગ સંસ્થા એટલે મુંબઈના પરા સાંતાક્રુઝ પૂર્વમાં આવેલી યોગ ઈન્સ્ટિટ્યૂટ. 1918માં યોગગુરુ યોગેન્દ્રજીએ સ્થાપેલી આ સંસ્થાએ તાજેતરમાં 100 વરસ પૂરાં કર્યાં છે.

આ યોગેન્દ્રજી એટલે મૂળ વલસાડના અનાવિલ પરિવારમાં જન્મેલા મણિભાઈ દેસાઈ. મુંબઈની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતા હતા ત્યાં એમનો ભેટો પરમહંસ માધવદાસજી સાથે થયો અને અભ્યાસ પડતો મુકીને માત્ર 17 વરસની વયે યોગને જીવન સમર્પિત કરી દીધું હતું. યોગેન્દ્રજી 92 વરસ જીવ્યા. એમના પુત્ર ડૉ. જયદેવ 86 વરસે તાજેતરમાં અવસાન પામ્યા. ડૉ. જયદેવજીનાં પત્ની હંસાબહેન અને એમનો પુત્ર ઋષિ હવે સમગ્ર યોગ ઈન્સ્ટિટ્યૂટનું સંચાલન કરે છે. અહીં દરરોજ એક હજાર વ્યક્તિ યોગ શીખવા આવે છે. આજની તારીખે અહીં બાવીસ દેશના યુવાન-યુવતીઓ યોગની તાલીમ લઈ રહ્યા છે. યોગ-દિવસ નિમિત્તે યોગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલક હંસાબહેન અને ઋષિ જયેન્દ્રની ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈએ વિશેષ મુલાકાત લીધી છે તો જોઈએ આ મુલાકાત.