તોડો…જોડો.. ને મોજ કરો !

બાળકોને વિવિધ ઉપકરણોની કામગીરી સમજ સાથે પ્રયોગ કરવાની પણ સુવિધા આપતું ગુજરાતનું પહેલું ઈનોવેશન હબ અમદાવાદમાં શરૂ થયું

સાંજના સાત વાગ્યા છે. કુંતલ ઘરમાં બૅગ મૂકીને ફ્રેશ થાય છે. ટીવી ચાલુ કરે છે, પણ ટીવી ચાલુ થતું નથી. તોફાની દીકરા સાહિલે ટીવી બગાડી નાંખ્યું હશે એવું અનુમાન લગાવી એ ચિલ્ડ્રન રૂમમાં ધસી જાય છે. લેસન કરતા સાહિલને લાફો ચોડી દઈ ગુસ્સાથી એ કહે છેઃ તને ના પાડી હતી તોય ટીવી કેમ ચાલુ કર્યું હતું ? ટીવી બંધ થઈ ગયું તારા લીધે…

બીજા દિવસે ટેક્નિશિયન ટીવી રિપેર કરી જાય છે. એ પછી સાહિલને કડક સૂચના મળે છેઃ હવેથી ટીવી, કમ્પ્યુટર, લૅપટૉપ, મોબાઈલને હાથ અડાડીશ તો તારી ખેર નથી !

એથી વિપરીત દ્રશ્ય જુઓ., અમદાવાદની એક સંસ્થાએ બાળકો માટે એક ખંડમાં ટીવી, રિમોટ, માઉસ, કમ્પ્યુટર, પ્રિન્ટર રેડિયો, ઈસ્ત્રી, ટેલિસ્કોપ, માઈસ્ક્રોપ, વગેરે ઉપકરણ મૂક્યાં છે, જેને બાળકો પોતાની જાતે ખોલીને જોઈ શકે છે અને પછી રિપેર કરી કે જોડી શકે છે, છતાંય અહીં એમને કોઈ ટોકતું કે વઢતું નથી. જાણીને નવાઈ લાગશે કે આ વિભાગનું નામ પણ મજેદાર છે તોડ ફોડ જોડ કૉર્નર. જુઓ વિડિયો…
 

 
આ તોડ ફોડ જોડ કૉર્નર છે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામે અમદાવાદની ગુફાની પડખે વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર (વીએએસસીએસસી)માં 1966માં જગવિખ્યાત અવકાશવિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈએ આ સેન્ટર સ્થાપ્યું હતું. અંદાજે પોણો એકરમાં પથરાયેલા આ સેન્ટરમાં બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગણિત તથા વિજ્ઞાન વિષય મૌલિક પદ્ધતિથી સરળ રીતે શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ સ્વમેળે પ્રયોગો કરી શકે છે એથી એનામાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે ઊંડી સમજ કેળવાય છે. નિરીક્ષણ અને સંશોધનશક્તિ વિકસે છે. હવે અહીં ગુજરાતનું પ્રથમ ઈનોવેશન હબ બન્યું છે.

સાયન્સ સેન્ટરના નિયામક દિલીપ સૂરકરઃ અહીં ‘કબાડ સે જુગાડ તક’થી માંડી અનેક નવા નોખા થીમ આધારિત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

વીએએસસીએસસીના નિયામક દિલીપ સૂરકર ચિત્રલેખાને કહે છે કે હાલનું પ્રાથમિક શિક્ષણ અને પરીક્ષાપદ્ધતિ તેજસ્વી ને સામાન્ય એમ બધા વિદ્યાર્થીઓ માટે સમાન છે એથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાતી નથી. આપણે ત્યાં રિયુઝ-રિસાઈકલની મોટી મોટી વાતો થાય છે, પરંતુ બાળકોને જૂની, બિનઉપયોગી કે નવી સામગ્રીની કાર્યપદ્ધતિથી અજાણ કે દૂર રાખવામાં આવે છે, વળી, ઘણી શાળામાં તો પ્રયોગશાળાની સુવિધા સુદ્ધાં હોતી નથી એથી અમે નજીવા દરે પ્રયોગ કે પ્રોજેક્ટ કરવાની સગવડ આપીએ છીએ.ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષય શીખવા માટે ડિઝાઈન બેઝ્ડ લર્નિંગ પ્રોગ્રામ અસરકારક રહ્યા છે. વિદ્યાર્થીઓ ચાર્ટ, રમકડાં, મોડેલ, પ્રોજેક્ટ, વગેરે જાણી-શીખી શકે છે.આ સંજોગોમાં વિદ્યાર્થીના વિચારને પ્રોત્સાહિત કરવા અને જિજ્ઞાસા સંતોષવા માટે અમે ચારેક વર્ષ પહેલાં કેન્દ્રના વિજ્ઞાન અને પ્રાગૌદ્યોગિકરણ તથા સંસ્કૃતિ મંત્રાલયને રજૂઆત કરી હતી. ગુજરાતમાં જિલ્લાકક્ષાનાં વીસેક લોકવિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદનાં વીએએસસીએસસી, સાયન્સ સિટી સહિત ઘણાં સરકારી અને ખાનગી વિજ્ઞાન કેન્દ્રો છે. એમાં વિદ્યાર્થીઓના વિચારો અને જિજ્ઞાસા પોષાય એવી પ્રવૃત્તિ શરૂ કરવાનો અમારો વિચાર હતો.

એના પરિણામે સરકારે સ્કીમ ફૉર પ્રમોશન ઑફ કલ્ચર ઍન્ડ સાયન્સને વિધિવત્ આકાર આપ્યો, જે અંતર્ગત સરકારી અને ખાનગી સાયન્સ સેન્ટરોમાં ઇનોવેશન હબ ખોલવાનું નક્કી થયું. એના ભાગ રૂપે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદના સહયોગથી ગુજરાતની ખાનગી સંસ્થાનું પ્રથમ ઈનોવેશન હબ અમદાવાદના વીએએસસીએસસીમાં આ સપ્તાહની શરૂઆતમાં જ ખુલ્લું મૂકવામાં આવ્યું.

આ ઈનોવેશન હબ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતની જાણકારી તથા પ્રાયોગિક સમજ આપવા ઉપરાંત સંશોધનને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. એ માટે દોઢેક વર્ષની જહેમતથી અહીં વિવિધ મોડેલ, ગેઝેટ, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ્સ, ઈન્સ્ટ્રૂમેન્ટ્સ વગેરે મૂકવામાં આવ્યાં. હબમાં મુખય ચાર વિભાગ છે આઈડિયા લૅબ, હોલ ઑફ ફેમ, ડિઝાઈન સ્ટુડિયો અને ડિસ્કવરી હૉલ.આઈડિયા લૅબ નવતર વિચાર સાકાર કરતી પ્રયોગશાળા છે. એમાં મોડેલ બનાવવાની અને પ્રયોગ કરવાની સુવિધા છે. એના ત્રણ વિભાગનાં નામ અચરજ પમાડે કે ફિલ્મી ટાઈટલ જેવાં છેઃ તોડ ફોડ જોડ કોર્નર, કબાડ સે જુગાડ અને આઈડિયા બૉક્સ.

તોડ ફોડ જોડ કૉર્નરની તો ઓળખ જ સ્વયંસ્પષ્ટ છે. અમુક વસ્તુ (ઉપકરણ) તોડો (અથવા પાર્ટસ-પુરજા ખોલો) અને એને ફરીથી જોડી-સાંધી દો અર્થાત્ મૂળ સ્થિતિમાં પાછું લાવી દો. એ દ્વારા વિદ્યાર્થી જે-તે ઉપકરણ કે સાધનનાં પાર્ટ, કાર્યપ્રણાલી-સિદ્ધાંત જાણી શકે. વિદ્યાર્થીઓ રોજિંદા વપરાશમાં લેવામાં આવતી ઈલેક્ટ્રોનિકવસ્તુના દેખાવ અને કામગીરીથી પરિચિત હોય છે, પણ એની ટેક્નિકલ સમજ અને કાર્યપ્રણાલી-સિદ્ધાંતથી અજાણ હોય છે. એ જિજ્ઞાસા પૂરી થાય છે તોડ ફોડ જોડ કૉર્નરમાં. એ કામમાં વિદ્યાર્થીને મુશ્કેલી પડે તો પ્રોગ્રામ ઑફિસર કે સ્વયંસેવકો ઉત્સાહભેર માર્ગદર્શન આપે છે. અહીં ઈસ્ત્રી, સાઈકલ, ગ્રામોફોન પ્લેયર, કૅમેરા, ફોટો ડેવલપર વગેર મૂક્યાં છે. અમુક ચાલુ હાલતમાં છે.

કબાડ સે જુગાડ તક એ વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું અને એને પ્રદર્શિત કરવાનું પ્લૅટફૉર્મ છે. અમુક જણ કાગળ, પૂઠું, પ્લાસ્ટિક, થર્મોકોલ, ઈલેક્ટ્રોનિક્સ, વગેરે નકામી વસ્તુમાંથી નવી ઉપયોગી કે ડેકોરેટિવ આઈટમ બનાવે છે. અહીં છાપામાંથી રમકડાં, સ્ટ્રૉમાંથી ડીએનએ પૅટર્ન, કોરુગેટેડ બૉક્સમાંથી જેસીબી મશી અને એટીએમની પ્રતિકૃતિ, પ્લાસ્ટિક બૉટલના તળિયાના ભાગમાંથી લાઈટ સિરીઝ, વગેરે મૂક્યાં છે. માનવ હાડપિંજરના ખોપરી કરોડરજ્જુ, વગેરે ભાગ છૂટા મૂક્યા છે.આઈડિયા બૉક્સમાં વિદ્યાર્થીના નવા-આગવા વિચારો પ્રોત્સાહિત થશે. મૌલિક આઈડિયાની બૅન્ક બનાવી શ્રેષ્ઠ વિચાર આધારે પ્રયોગ કરવાનું, એનાં મોડેલ અને પ્રોજેક્ટ બનાવવાનું આયોજન છે.

હોલ ઑફ ફેમમાં જોવા મળે છે વિશ્વના મહાન વિજ્ઞાનીઓ અને સંશોધકોનાં નામ-કામની રસપ્રદ સચિત્ર જાણકારી. ડિઝાઈન સ્ટુડિયોમાં યુવાનો વિચારો અને બૌદ્ધિક કૌશલ્યને ટેક્નોલૉજીથી સાકાર કરશે.

ઈનોવેશન હબના પ્રોજેક્ટ ઑફિસર રૂપુલ બોરાએ નૅનો ટેકનોલૉજીમાં પીએચ.ડી. મેળવી છે. એ કહે છે કે ડિઝાઈન સ્ટુડિયો આઠથી બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે ટેકનોલૉજી આસિસ્ટેડ સોલ્યુશન પૂરું પાડશે. એમાં બાળકો મોડેલ ડિઝાઈન તેમ જ રોબોટ, રોકેટ વગેરે બનાવતાં શીખશે.

દિલીપ સૂરકર કહે છે કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને અહીં ઇમર્જિંગ (ભાવિ) ટેકનોલૉજી અને આઇઓટી (ઈન્ટનેટ ઑફ થિંગ્સ)ની ઝલક જોવા મળશે.

ડિસ્કવરી હૉલમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સમજ આપતાં તેમ જ વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં અભિરુચિ કેળવાય, તર્કશક્તિ વિકસે એવાં ઈન્ટરેક્ટિવ મોડેલ્સ મૂક્યાં છે તો ઈનોવેશન હબમાં પ્રદર્શિત થયા છે. જૂના કૅમેરા, કૅમેરા એન્લાર્જર, રેડિયો, ગ્રામોફોન રેકૉર્ડ પ્લેયર,ટેલિફોન, માઈક્રોસ્કોપ, ટેલિસ્કોપ, કમ્પ્યુટર, એરોબેટિક, ઍરક્રાફ્ટનું થ્રી-ડી મોડેલ, મૅગ્નેટિક કમ્પાસ, વૅક્યુમ ક્લીનર, વગેરે.

અહીં સેટેલાઈટ તેમ જ રોબેટનાં વર્કિંગ મોડેલ ઉપરાંત માનવહૃદય, પશુના કોષ, પ્લાન્ટ સેલના વિવિધ ભાગોની જાણકારી આપતાં બોર્ડ છે. એનર્જી એફિશિયન્સી હાઉસનાં બે મોડેલ પણ છે. આધુનિક સુવિધા ધરાવતા આ ઘરમાં નજરે પડે સોલાર, પૅનલ, રેઈન વૉટર હાર્વેસ્ટિંગ, ક્રૉસ વેન્ટિલેશન, સેન્સર્ડ બેઝ્ડ ટેકનોલોજી અને સિક્યોરિટી સિસ્ટમ, વગેરે સુવિધા.

બારણા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અહીં જુદા જુદા વિભાગ-પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે, જાતે પ્રયોગ કરી શકે છે તેમ જ પોતાના નવા વિચારો (આઈડિયા) જણાવી શકે છે. એ પૂર્વે એમની વય, અભ્યાસ, રસ-રુચિ, પ્રવૃત્તિ, વગેરે જાણીને કાઉન્સેલર એને ચોક્કસ વિભાગ-પ્રવૃત્તિ માટે માર્ગદર્શન આપે છે, જેથી એ સારી જાણકારી મેળવી શકે. ઈનોવેશન હબ જોવા કે પ્રયોગ કરવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

પ્રોગ્રામ, ઑફિસર રૂપુલ અને અંકિતા કહે છે કે વિદ્યાર્થીઓ પોતે અનુભવેલી કે જોયેલી સમસ્યાનો ટેકનોલૃજીની મદદથી ઉપાય શોધશે. એ ઉકેલ ક્રાફ્ટ, ઑટોમેટેડ, ડિજિટલ, રોબોટ, ઈલેક્ટ્રોનિક ગેઝેટ, વગેરે રૂપે સમાજને મળશે. દિલીપભાઈ સૂરકર કહે છે કે ભવિષ્યમાં ઈનેવોશન હબનું જોડાણ ભારત સરકારના અટલટિકરિંગ લૅબ, રાષ્ટ્રીય આવિષ્કાર ઝુંબેશ જેવા પ્રોજેક્ટ વગેરે સાથે કરવામાં આવશે.

સ્થાપનાની સુવર્ણજયંતી ઊજવી ચૂકેલા આ સેન્ટરની વિશેષ ઓળખ છે. સાયન્સ એક્સપ્રેસ ટ્રેન અર્થાત્ પાટા પર ફરતું વિજ્ઞાન પ્રદર્શન. જે રેલવેના 16 કોચમાં તૈયાર થયું છે. પ્રદર્શનનો થીમ બદલાતો રહે છે. સાયન્સ એક્સપ્રેસના નવ પ્રદર્શનમાં 525 જેટલાં સ્ટેશન આવરી લેવામાં આવ્યાં. એક કરોડ 82 લાખ લોકોએ પ્રદર્શન જોયું. આ ટ્રેનના નામ 12 રેકોર્ડ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં નોંધાયા છે.

સેન્ટરના પૂર્વ વહીવટી અધિકારી ભાસ્કરભાઈ શુકલ ચિત્રલેખાને કહે છે કે અમે વિદ્યાર્થીઓ ને શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષયને લગતી વક્તૃત્વ સ્પર્ધા, વાર્તાલાપ, નાટિકા, ચિત્રકળા, નિદર્શન, પ્રદર્શન, પ્રશ્નોત્તરી, રમતો, ફોટોગ્રાફી યોજી ઉપરાંત મોડેલ રોક્ટેરી કાર્યશાળા કરી, જેને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.

હવે ઈનોવેશન હબના પ્રારંભ સાથે આ સેન્ટરે વધુ એક યશકલગી ઉમેરી છે.

અહેવાલ- મહેશ શાહ, વિડિયો અને તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ