મુંબઈના સસૂન ડોક વિસ્તારની કલાત્મક સજાવટ

દક્ષિણ મુંબઈમાં આવેલી સસૂન ગોદી (સસૂન ડોક) ૧૪૨ વર્ષ જૂની છે. આ વિસ્તારમાં મોટે ભાગે માછીમાર-કોળી સમુદાયના લોકો રહે છે. આ વિસ્તારને કલાત્મક રીતે સજાવવા માટે અને આ વિસ્તાર પ્રતિ સ્થાનિક માછીમારો તેમજ અન્ય શહેરીજનોનો દ્રષ્ટિકોણ બદલવાના પ્રયાસરૂપે કલાક્ષેત્રની જાણીતી સંસ્થા સ્ટાર્ટ ઈન્ડિયાએ અહીં એક અનોખા કલા પ્રદર્શનનું આયોજન કર્યું છે. ‘સસૂન ડોક આર્ટ પ્રોજેક્ટ’ નામનું આ પ્રદર્શન ૧૧ નવેમ્બરના શનિવારથી શરૂ થયું છે અને ૩૦ ડિસેમ્બર સુધી ચાલવાનું છે.

સ્ટાર્ટ ઈન્ડિયા ફાઉન્ડેશન ઉપરાંત મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, એશિયન પેઈન્ટ્સ, સિંગાપોર ટૂરિઝમ બોર્ડ, બોન્જોર ઈન્ડિયા પણ સહભાગી થયાં છે. પ્રાયોજિત આ પ્રદર્શન મફત છે. એ માટે દર ગુરુવારથી રવિવારના દિવસો નક્કી કરાયા છે. આ પ્રદર્શનનો સમય છે – બપોરે ૧૨ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી.

આમ, હવે પછીના બે મહિના સુધી સસૂન ડોક વિસ્તાર એક જાહેર આર્ટ એક્ઝિબિશનમાં ફેરવાઈ જશે.

સસૂન ડોક એટલે મુંબઈની સૌથી જૂની ફિશ માર્કેટનું ઘર. સસૂન ડોકની સ્થાપના યહૂદી વેપારી સર આલ્બર્ટ અબ્દુલ્લા ડેવિડ સસૂને ૧૮૭૫માં કરી હતી.

સ્ટાર્ટ મુંબઈ-2017 અર્બન આર્ટ ફેસ્ટિવલ અંતર્ગત મુંબઈ પોર્ટ ટ્રસ્ટની ઈમારતમાં યોજાયેલા ‘સસૂન ડોક આર્ટ પ્રોજેક્ટ’ પ્રદર્શનની વિશેષતા એ છે કે એમાં દેશ-વિદેશનાં ૩૦ આર્ટિસ્ટ્સ ભાગ લેવાનાં છે. તેઓ એમની કલ્પનાનાં રંગોથી આ વિસ્તારની દીવાલો, ઈમારતોને રંગશે (ભીંતચિત્રો દોરશે), શિલ્પ, કલાકૃતિઓનું પ્રસ્તુત કરશે, વર્કશોપનું આયોજન કરશે, ઓડિયોવિઝ્યુઅલ્સ વાર્તાલાપ કરશે, જે દ્વારા તેઓ શહેરીજનો સાથે કલા અંગે તેમજ પ્રદૂષણની તકલીફો વિશે એમનાં વિચારોની આપ-લે કરશે, આર્ટ વર્ક રજૂ કરશે, ફિલ્મ સ્ક્રીનિંગ અને સ્ટ્રીટ પરફોર્મન્સ પણ કરશે.

સ્ટાર્ટ ઈન્ડિયા સંસ્થાની સ્થાપના ચિત્રકાર/કલાકાર, ડિઝાઈનર, ફોટોગ્રાફર, ફિલ્મનિર્માતાઓની પાંચ-સભ્યોની એક ટીમે કરી હતી. ધીમે ધીમે આ ગ્રુપ વિશાળ બનતું ગયું અને એ અત્યાર સુધીમાં મુંબઈ ઉપરાંત દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ સહિત છ શહેરોમાં આર્ટ એક્ઝિબિશન યોજી ચૂક્યું છે. સ્થાનિક લેન્ડમાર્ક ગણાતા, પરંતુ બહુમતી શહેરીજનો વાકેફ ન હોય એવા શહેરી વિસ્તારો પ્રત્યે લોકોને આકર્ષિત કરવા અને એ વિસ્તારો પ્રતિ લોકોની નજરમાં પરિવર્તન લાવવા માટે વિસ્તારને કળાત્મક સ્વરૂપ આપવા માટે સ્ટાર્ટ ઈન્ડિયા દરેક કાર્યક્રમ વખતે દેશ-વિદેશમાંથી આર્ટિસ્ટ્સને આમંત્રિત કરે છે. સસૂન ડોક આર્ટ પ્રોજેક્ટ માટે પણ ૩૧ આર્ટિસ્ટ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સસૂન ડોક મુંબઈમાં ફિશિંગ તથા ગોદીને લગતી પ્રવૃત્તિઓથી સતત વ્યસ્ત અને ધમધમતી રહેતો ગોદી-વિસ્તાર છે. પરંતુ માછલી ન ખાતા લોકો સસૂન ડોકથી દૂર જ રહે છે. તેઓ ક્યારેય આ વિસ્તારની મુલાકાતે આવતા નથી. એવા ઘણાય લોકો હશે જેમણે આ વિસ્તાર હજી સુધી જોયો પણ નહીં હોય અને તેના વિશે કોઈ પ્રકારની એમને જાણકારી પણ નહીં હોય. આ આર્ટ પ્રોજેક્ટ દ્વારા શહેરીજનોને સસૂન ડોકમાં આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે કળા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

(તસવીરોઃ દીપક ધુરી)