વ્યંગચિત્રો ભેટમાં આપીને રાજ ઠાકરેએ ઉજવ્યો બિગ બીનો જન્મદિવસ

બોલીવૂડના મહાનાયક આજે એમનો ૭૫મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અને મહારાષ્ટ્રના રાજકારણના વગદાર નેતા રાજ ઠાકરેએ અમિતાભને સોશિયલ મિડિયા પર અનોખી રીતે બર્થડે વિશ કર્યું છે.

રાજ ઠાકરેએ ૧૯૭૦થી લઈને ૨૦૧૭ સુધીના વર્ષો દરમિયાન અમિતાભ બચ્ચનની ફિલ્મી સફરને તાદ્દશ કરતા ૬ વ્યંગચિત્રો દોર્યાં છે અને આ ચિત્રો એમણે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને મેગાસ્ટારને જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ તરીકે પ્રસ્તુત કર્યા છે.

રાજ ઠાકરેનું માનવું છે કે અમિતાભ બચ્ચને એમની આગવી સ્ટાઈલ અને ખૂબી-ખાસિયત દ્વારા હિન્દી સિનેમાને નવી પરિભાષા આપી છે. એમણે અભિનય, કથાવસ્તૂ, સંગીત એમ, બધી જ રીતે હિન્દી ચલચિત્ર જગતમાં આમૂલ પરિવર્તન લાવી દીધું હતું.

રાજે એમની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે વીતી ગયેલા દાયકાઓમાં સિનેમામાં ઘણા અભિનેતાઓ પોતપોતાની રીતે એક આગવી છાપ ઊભી કરી હતી અને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી, પરંતુ સમયનાં વહેણમાં એમની એ છાપ ઝાંખી પડતી ગઈ. તે છતાં, અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા આજે પણ કાયમ રહી છે.

૫૦ વર્ષો સુધી પથરાયેલી સુદીર્ઘ કારકિર્દીમાં અમિતાભ બચ્ચને રૂપેરી પડદા પર અનેક પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે અને એમાંના ઘણાં આજે પણ દર્શકોનાં મન પર અંકિત થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે અચ્છા કાર્ટૂનિસ્ટ પણ છે. આ કળા એમણે એમના સ્વર્ગીય કાકા અને શિવસેના પાર્ટીના સ્થાપક બાલ ઠાકરે પાસેથી પ્રાપ્ત કરી હતી.