ગાંધીજી આપણા નૈતિક પથદર્શક છે: રાષ્ટ્રપતિ કોવિંદ

ભારત દેશ આવતીકાલે 15 ઓગસ્ટે 72મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આજે આઝાદી દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વિશેષ કરીને યાદ કર્યા અને કહ્યું કે, આ વર્ષનો સ્વતંત્રતા દિવસ એટલા માટે વિશિષ્ટ છે કે 2 ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના સમારોહ પણ શરૂ થઈ જશે. ગાંધીજીએ આપણી આઝાદીની ચળવળનું નેતૃત્ત્વ લીધું હતું એટલું જ નહીં, પણ એ આપણા નૈતિક પથદર્શક પણ હતા અને કાયમ રહેશે.

કોવિંદે વધુમાં કહ્યું કે, આપણે ગાંધીજીના વિચારોને ઊંડાણથી સમજવા પડશે. એમને રાજકારણ અને સ્વતંત્રતાની સીમિત વ્યાખ્યા મંજૂર નહોતી. દેશનાં લોકો ગાંધીજીને મૂર્તિમાન ભારતનાં સ્વરૂપમાં જુએ છે. કોવિંદે ગાંધીજીના સૌથી ઉમદા મંત્ર – અહિંસાની તાકાતની યાદ અપાવતા કહ્યું કે સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી. હિંસા કરતાં અહિંસામાં વધારે શક્તિ રહેલી છે.

કોવિંદે કહ્યું કે, આપણા પૂર્વજો, સેનાનીઓ એવું ભારત બનાવવા માગતા હતા જેના સમાજમાં સમાનતા અને ભાઈચારો હોય. આપણે એમના યોગદાનને હંમેશાં યાદ કરીએ છીએ. આપણા પૂર્વજો, સ્વાતંત્ર્ય સેનાનીઓએ ધાર્યું હોત તો તેઓ સુવિધાપૂર્ણ જીવન જીવી શક્યા હોત, પણ દેશ પ્રત્યે એમની અતૂટ નિષ્ઠાને કારણે એમણે તેવું કર્યું નહોતું.

સંબોધનમાં કોવિંદે વધુમાં કહ્યું કે, આપણા સમાજમાં મહિલાઓની વિશેષ ભૂમિકા રહી છે. અનેક પ્રકારે મહિલાઓની આઝાદીને વ્યાપક બનાવવામાં જ દેશની આઝાદીની સાર્થકતા રહેલી છે. મહિલાઓ પોતાની ક્ષમતાનો ઉપયોગ ઘરની પ્રગતિમાં કરે કે આપણા work force અથવા ઉચ્ચ શિક્ષણસંસ્થાનોમાં યોગદાન આપીને કરે.

સૌને માટે વીજળી પૂરવઠો, ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, તમામ બેરોજગારોને ઘર તથા અત્યંત-ગરીબ અવસ્થાને દૂર કરવાનું લક્ષ્ય હવે આપણી પહોંચમાં આવ્યા છે. આપણા દેશમાં પરિવર્તન અને વિકાસ ઝડપથી થઈ રહ્યા છે અને એની સરાહના પણ કરવામાં આવી રહી છે, એમ કોવિંદે કહ્યું.

આપણા કિસાનો કરોડો દેશવાસીઓ માટે અન્નનું ઉત્પાદન કરે છે. તો આપણા સૈનિકો સરહદો પર, બર્ફિલા પહાડો પર, કાળઝાળ ગરમીમાં દરિયા અને આકાશમાં પૂરી બહાદુરી સાથે ચાંપતી નજર રાખીને દેશની સુરક્ષામાં સમર્પિત રહે છે, એમ કોવિંદે કહ્યું.

કોવિંદે સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે 15 ઓગસ્ટનો દિવસ પ્રત્યેક ભારતીય માટે પવિત્ર હોય છે. આપણો તિરંગો આપણા દેશની અસ્મિતાનું પ્રતિક છે. આપણી આઝાદી આપણા પૂર્વજો, સેનાનીઓના ત્યાગ અને વીરતાનું પરિણામ છે.