મુંબઈમાં મહિલા ટ્રેન પ્રવાસીઓની સુરક્ષા માટે વોટ્સએપ ગ્રુપ ‘સખી’

0
470

મુંબઈમાં, પશ્ચિમ રેલવે પોલીસ દળે મહિલાઓની સલામતી માટે ખાસ વોટ્સએપ ગ્રુપ્સ બનાવ્યા છે જેનું નામ છે ‘સખી’.

પશ્ચિમ રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ મહિલાઓ રેલવે પ્રવાસીઓની સલામતી માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેનું એણે નામ રાખ્યું છે ‘સખી’.

એક અહેવાલ મુજબ, મહિલા પ્રવાસીઓ 9004449698 નંબર પર કોલ કરીને આ ગ્રુપની સભ્ય બની શકે છે.

ચર્ચગેટ અને વિરાર વચ્ચે ‘સખી’ના કુલ આઠ ગ્રુપ બનાવવામાં આવ્યા છે.

આ ગ્રુપની રચના કરવા પાછળનો હેતુ તાકીદની પરિસ્થિતિમાં મહિલા પ્રવાસીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની મહિલા ઓફિસરો વચ્ચે સંદેશવ્યવહાર જાળવવાનો છે.

પશ્ચિમ રેલવે RPF દળે 2016માં ‘RPF સખી’ નામે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી હતી જેથી વધુ ને વધુ મહિલાઓને કનેક્ટ કરી શકાય. આ એપ ઈન્સ્ટોલ કરીને મહિલા પ્રવાસીઓ પ્લેટફોર્મ પર કે ટ્રેનોમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા ગેરવર્તન કરનાર અથવા અન્ય પ્રવાસીઓને તકલીફ પહોંચાડનાર વ્યક્તિનો ફોટો પોસ્ટ કરી શકે છે. એવો ફોટો આ ગ્રુપમાં પોસ્ટ થાય કે તરત જ ગ્રુપ પરની મહિલા આરપીએફ ઈન્સ્પેક્ટર સંબંધિત સ્ટેશનની આરપીએફ ચોકીને એ જાણ કરે છે જેથી તત્કાળ પગલું ભરી શકાય.

હવે મહિલાઓને વધારે સરળતા પડે એ માટે રેલવે પોલીસ તંત્રએ અલગ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે.