ખતરનાક છે ‘કિકી ચેલેન્જ’, એનાથી દૂર રહેજો…

0
5179

પહેલા ‘આઈસ બકેટ ચેલેન્જ’ આવી, પછી ‘મેનીક્વીન’ આવી અને હવે ઈન્ટરનેટ પર એક નવી ચેલેન્જે ત્રાસ ફેલાવ્યો છે. આ છે ‘કિકી ડાન્સ ચેલેન્જ’. યુવાનોને આ ચેલેન્જે ઘેલું લગાડ્યું છે. એમાં યુવક કે યુવતી એની ધીમી ગતિએ ચાલતી કારમાંથી બહાર કૂદી પડે છે અને કેનેડિયન રેપર ડ્રેકના લેટેસ્ટ ગીત ‘કિકી ડુ યૂ લવ મી’ની ધૂન પર ડાન્સ કરે છે.

બોલીવૂડ અભિનેત્રીઓ અદા શર્મા અને કરિશ્મા શર્મા સહિત અનેક સેલિબ્રિટી વ્યક્તિઓએ આ પ્રકારનો પોતાનો વીડિયો એમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે જેની હવે ઘણા સામાન્ય યુવક-યુવતીઓ પણ નકલ કરવા માંડ્યા છે.

આ ચેલેન્જથી દૂનિયાભરના શહેરોની પોલીસો ત્રાસી ગઈ છે અને એમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, જયપુર પોલીસોનો પણ સમાવેશ થાય છે. પોલીસોએ ચેતવણી આપી છે કે આ ડાન્સ ફ્લોર નથી, પણ રોડ છે.

કિકી ચેલેન્જમાં પરફોર્મ કરતી વખતે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. મુંબઈ પોલીસે પોસ્ટ કરેલો એક વીડિયો અહીં નીચે આપ્યો જ છેઃ

મુંબઈ પોલીસે એના ટ્વિટર હેન્ડલ પર લોકોને ચેતવણી આપી છે અને સાથોસાથ વિનંતી કરી છે કે તેઓ આવી દૂષણ સમાન ચેલેન્જમાં ભાગ ન લે એમાં પરફોર્મ કરવાની ઘેલછાને ટાળે, નહીં તો એમની સામે પગલાં લેવામાં આવશે. ‘આ ચેલેન્જમાં ભાગ લઈને તમે સ્વયંને જોખમમાં મૂકો છો એટલું જ નહીં, પણ તમારી હરકતને કારણે બીજા કોઈનો જાન પણ જોખમમાં મૂકી શકો એમ છો. આવા જાહેર દૂષણમાં પડવાથી દૂર રહો નહીં તો કાર્યવાહીનો સામનો કરવો પડશે.’

ઉત્તર પ્રદેશ પોલીસે એના ટ્વિટર એકાઉન્ટ પર માતા-પિતા, વાલીઓ જોગ એક વિનંતી મૂકી છે કે, ‘તમે પ્લીઝ તમારા બાળકોનાં જીવનની બધી ચેલેન્જ (પડકારો) વખતે એમની પડખે ઊભાં રહો, પણ કિકી ચેલેન્જમાં નહીં. આ કિકી ચેલેન્જમાં ફન-મજા જેવું કંઈ નથી. રસ્તાઓને બધાય માટે સુરક્ષિત રાખો.’

કેટલીક સેલિબ્રિટી વ્યક્તિઓએ એમના સોશિયલ મીડિયા પર ‘કિકી ચેલેન્જ’ પરફોર્મ કરતા વીડિયો અપલોડ કર્યા છે. જે નીચે મુજબ છેઃ

આ ત્રાસદાયક ‘કિકી ચેલેન્જ’ની શરૂઆત થઈ કોમેડિયન શિગ્ગીથી, જેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં એ ડ્રેકના લેટેસ્ટ ગીતની ધૂન પર નાચે છે. આ વીડિયો વાયરલ થયો અને શરૂ થઈ-જામી પડી ડાન્સ ચેલેન્જ.