નોકરી વિશે કેવી છે ભારતીયોની લાગણી?

એક સર્વેક્ષણના તારણ અનુસાર, ભારતમાં દર ચાર કર્મચારીમાંથી એક જણ તક આપવામાં આવે તો પોતાની વર્તમાન નોકરી બદલવા માટે ઈચ્છુક હોય છે.

ભારતમાં ઉલ્લેખનીય ટકાવારીના કર્મચારીઓ એમના કામમાં રચ્યાપચ્ચા રહેવાનું પસંદ કરે છે અને પોતાની ઓફિસ કે કામકાજના સ્થળ માટે ગર્વની લાગણી રાખે છે.

જોકે દર ચાર કર્મચારીમાંથી એક જણ એવું ઈચ્છે છે કે જો પોતાને કોઈ સારી તક આપવામાં આવે તો હાલની નોકરી બદલી પણ દે.

મર્સર્સ એમ્પ્લોઈ એન્ગેજમેન્ટ ઈન્ડેક્સ રિપોર્ટ અનુસાર, જેમનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો એમાંના 80 ટકા કર્મચારીઓ પોતપોતાના કામકાજથી ખુશ છે અને એમાં પરોવાયેલા રહેવાનું પસંદ કરે છે. દર 10માંથી 9 કર્મચારી પોતે જે કામ કરે છે એ માટે પોતાની કંપની માટે ગર્વની લાગણી રાખે છે.

પોતાની કંપની પ્રત્યે આટલો બધો આદરભાવ રાખવા અને અન્યોને પોતાની કંપનીમાં જોડાવાની ભલામણ કરવાની ઈચ્છા રાખનાર બહુમતી લોકો હોવા છતાં દર ચારમાંનો એક કર્મચારીનું કહેવું છે કે જો એને પોતાની કાબેલિયતને ચમકાવવાનો અવસર મળે તો એ હાલની કંપની કે સંસ્થાને છોડી દેવા જરૂર વિચારે.

ઘણાય લોકો વધારે સારું વેતન મળે એ માટે, વળતરને પરફોર્મન્સ સાથે લિન્ક કરવામાં આવે એવી ઈચ્છા ધરાવતા તેમજ કારકિર્દીમાં પ્રગતિ કરવા ઈચ્છુક પણ જોવા મળ્યા,

સર્વેક્ષણના અહેવાલમાં જણાવાયું છે કે અમને ભારતમાં ઘણા કર્મચારીઓએ જણાવ્યું કે એમનું હાલનું કામકાજ તથા કંપની ઉત્સાહપ્રેરિત છે. મોટા ભાગના કર્મચારીઓ એવું માનતા નથી કે તેઓ જે કામ કરે છે એની સામે એમને પર્યાપ્ત વળતર આપવામાં આવતું નથી.

70 ટકા કર્મચારીઓ એવું માને છે કે તેઓ જે કામ કરે છે માટે એમની કંપનીમાં પ્રશંસા કરવામાં આવે છે. જ્યારે દર ચારમાંથી એક કર્મચારી એવું માને છે કે એમના કૌશલ્ય અનુસાર એમનો પૂરતો ઉપયોગ કરવામાં આવતો નથી.

આ સર્વેક્ષણમાં, ભારતમાં 116 કંપનીઓને આવરી લેવામાં આવી હતી. આ કંપનીઓમાં કન્સલ્ટિંગ અને પ્રોફેશનલ સર્વિસીસ, કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, એનર્જી ઓઈલ એન્ડ ગેસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, હાઈ ટેક હોસ્પિટેલિટી લાઈફ, સાયન્સ મેન્યૂફેક્ચરિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય એવી આંતરરાષ્ટ્રીય સ્તરની અને સ્થાનિક સ્તરની મલ્ટિનેશનલ કંપનીઓનો સમાવેશ થાય છે.