૨૦૧૭માં સોશિઅલ મીડિયામાં કયા વિવાદ જોવા મળ્યાં?

સોશિઅલ મીડિયા એ વિવાદનું કારણ બની જતું હોય છે. વર્ષ 2017માં સોશિઅલ મીડિયા પર કયા કયા વિવાદ થયાં તે જોઈએ.

સોનુ નિગમનો વિવાદ. ગાયક સોનુ નિગમે અઝાનના ઘોંઘાટ અંગે વિવાદ જગાવતું ટ્વીટ કર્યું તેના પગલે વિવાદ સર્જાયો હતો. સોનુએ કહ્યું હતું કે બીજા પર આ પોતાનો પંથ થોપવાનો પ્રયાસ છે. સોનુ નિગમે કહ્યું હતું કે તે મુસ્લિમ નથી. તેણે સવારમાં અઝાનના અવાજથી ઊઠી જવું પડે છે. તેણે કહ્યું હતું કે મંદિર અને મસ્જિદમાં લાઉડ સ્પીકર દ્વારા આ રીતે ઘોંઘાટ કરાય છે તે ગુંડાગીરી જ છે. તેણે એમ પણ દલીલ કરી હતી કે જ્યારે મોહમ્મદ સાહેબ હતા ત્યારે તો વીજળી નહોતી તો પછી અત્યારે તેનો ઉપયોગ કરીને ઘોંઘાટ કેમ કરાય છે? સોનુ નિગમના સમર્થનમાં ગાયક શાન, અભિજિત, મીત બ્રધર્સ, કૈલાસ ખેર, સોના મહાપાત્રા વગેરે આગળ આવ્યાં હતાં. બધાએ એક સૂરે કહ્યું હતું કે કોઈએ પોતાનો ધર્મ બીજા પર થોપવો ન જોઈએ.

આની સામે પશ્ચિમ બંગાળની માઇનોરિટી યુનાઇટેડ કાઉન્સિલના ઉપાધ્યક્ષ સૈયદ શાહ આતેફ અલીએ સોનુ નિગમનું માથું મુંડનાર માટે રૂ. ૧૦ લાખનું ઈનામ રાખ્યું હતું. પરંતુ સોનુ નિગમે એક મુસ્લિમ હેર ડિઝાઇનર પાસે પોતે જ માથું મુંડાવી લોકોને ચોંકાવી દીધા હતા.

આ જ રીતે ગાયક અભિજીતનો પણ ટ્વિટર પર વિવાદ થયો હતો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની એક્ટિવિસ્ટ શેહલા રસીદે ભાજપ વિરુદ્ધ ટ્વીટ કરતાં અભિજીતે શેહલા રસીદ વિરુદ્ધ અણછાજતી કોમેન્ટવાળું ટ્વીટ કર્યું હતું. તેના પગલે ટ્વિટરે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. આના પગલે અભિજીતનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતું. તેના સમર્થનમાં ગાયક સોનુ નિગમે ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

અમેરિકાના ફિલ્મોદ્યોગ હૉલિવૂડના નિર્માતા હાર્વે વેઇનસ્ટેઇન પર અનેક હિરોઇનોએ બળાત્કાર અને છેડતીની ફરિયાદો કરી હતી. તેમાં એક અભિનેત્રી રૉઝ મૅકગૉવનનો પણ સમાવેશ થાય છે પરંતુ ટ્વિટરે રૉઝ મૅકગૉવને તેની નીતિનું ઉલ્લંઘન કર્યું હોવાના નામે એકાઉન્ટ સસ્પેન્ડ કરતાં અનેક મહિલાઓએ
‘#WomenBoycottTwitter’ ‘ ટ્રેન્ડ સાથે એક દિવસ ટ્વિટરનો બહિષ્કાર કરવાની ઘોષણા કરતાં ટ્વિટરને પીછેહટ કરવી પડી હતી.

ક્રિકેટર ઈરફાન પઠાણ અને મોહમ્મદ શમીએ તેમની પત્નીઓની તસવીર ટ્વિટર પર મૂકતાં કેટલાક કટ્ટરવાદી મુસ્લિમોને તે પસંદ પડ્યું નહોતું. ઈરફાન પઠાણે તેની પત્નીના રંગાયેલા નખ અને હાથ સાથેની તસવીર મૂકી હતી તો મોહમ્મદ શમીએ તેની પત્નીની ગાઉન પહેરેલી તસવીર મૂકી હતી. આ બંને તસવીરો કટ્ટરવાદી મુસ્લિમોને પસંદ પડી નહોતી.

ગુજરાતમાં ચૂંટણી સમયે યૂથ કૉંગ્રેસે ટ્વિટર પર નરેન્દ્ર મોદીના અંગ્રેજીની મજાક ઉડાવતું કાર્ટૂન મૂક્યું હતું જેમાં બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે નરેન્દ્ર મોદીને એમ કહેતાં દેખાડાયાં હતાં કે ‘તુ જા કે ચાય બેચ.’ આના જવાબમાં ભાજપના સાંસદ અને જાણીતા અભિનેતા પરેશ રાવલે પણ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જોકે અંતે બંને પક્ષે વિવાદાસ્પદ ટ્વીટ રદ્દ કરાયાં હતાં.

કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ અને મનીષ તિવારીએ પણ નરેન્દ્ર મોદીને નિશાન બનાવતાં બે ટ્વીટ કર્યાં તે ખૂબ જ ટીકાપાત્ર બન્યાં હતાં. દિગ્વિજયે લખેલું, “મેરે દો એચિવમેન્ટ્સ. ૧. ભક્તોં કો સી બનાયા અને ૨. સી કો ભક્ત બનાયા. ટ્વિટરવાસીઓએ આ ટ્વીટની ખૂબ જ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી અને આ બંને નેતાઓની ટીકા કરી હતી.

અભિનેત્રી કંગના રાણાવતે કરણ જોહર પર સગાવાદનો આક્ષેપ કરીને ટ્વિટર પર અને ટ્વિટરની બહારની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. તેણે કરણ જોહરને સગાવાદના ઝંડાધારક તરીકે ઉપમા આપી હતી. તેણે કહ્યું હતું કે મુંબઈનો ફિલ્મોદ્યોગ એ કરણને તેના પિતાજીએ વારસામાં આપેલો સ્ટુડિયો નથી. આ પછી હિન્દી ફિલ્મોદ્યોગ બે ભાગમાં વહેંચાઈ ગયેલો જોવા મળ્યો હતો.