ફેસબૂકના પૂર્વ અધિકારીઓ જ કહે છે : ફેસબૂકથી દૂર રહો

સૉશિઅલ મીડિયા ખરેખર સૉશિયલ છે કે એન્ટી સૉશિઅલ? આ વિષય ચર્ચાનો રહ્યો છે કારણકે ફેસબુક-વૉટ્સએપ પર પૉસ્ટથી માંડીને કૉમેન્ટમાં અસંયમિત ભાષા અને અભદ્રતા પણ જોવા મળે છે.  લોકો ઝઘડી પડે છે. રાજકારણથી માંડીને ફિલ્મ સુધી લોકો પોતાનાં મંતવ્યો માટે જક્કી બની જાય છે અને પોતે કહે તે જ સાચું, પોતાને ગમતા રાજકારણી, ક્રિકેટર કે કલાકાર સારા તેમ માનીને તેમના સમર્થન માટે પોતાના સગાં, પોતાના મિત્ર કે પોતાના સંબંધી સાથે ઝઘડી પડે છે.

આ વાત ફેસબૂકના પૂર્વ કાર્યકારીએ પણ સ્વીકારી છે. આ કાર્યકારી અધિકારીએ કહ્યું છે કે ફેસબૂક સમાજના તંતુઓને ફાડી રહ્યું છે તે જોઈને તેને અપરાધભાવ અનુભવાઈ રહ્યો છે કે તેણે ફેસબૂક માટે કામ કર્યું. આમ, આ સૉશિઅલ મીડિયાની મહાકાય કંપનીના ટીકાકારોમાં એક વધુ વ્યક્તિ જોડાઈ છે.

ચમથ પલિહપિટીયા ફેસબૂકમાં યુઝર ગ્રૉથ માટેના ઉપાધ્યક્ષ હતા. તેમણે ૨૦૧૧માં કંપની છોડી. તેઓ કહે છે, “અમે બનાવેલાં ટૂંકાગાળાના, ડોપેમાઇન ડ્રિવન લૂપ જે રીતે સમાજ કામ કરે છે તેને તોડી રહ્યાં છે. કોઈ સામાજિક સંવાદ નથી, સહકાર નથી. માત્ર ખોટી માહિતી અને અસત્ય જ છે.” તેમણે ગત નવેમ્બરમાં સ્ટેનફૉર્ડ બિઝનેસ સ્કૂલ ખાતે કરેલી  ટીપ્પણી તાજેતરમાં એક ટૅક્ વેબસાઇટ પર બહાર આવી હતી.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે “આ રશિયન જાહેરખબરોની વાત નથી.” (રશિયાએ અમેરિકાને લક્ષ્ય બનાવીને આપેલી જાહેરાતોથી અમેરિકામાં સામાજિક ખાઈ ઊભી થઈ હતી.) “લોકો કઈ રીતે વર્તન કરે છે અને એકબીજા વચ્ચે કઈ રીતે સંવાદ સાધે છે તેના પાયાને આ હચમચાવી નાખે છે.”

ગયા મહિને ફેસબુકના સ્થાપક પ્રમુખ સીન પાર્કરે પણ ફેસબૂકની ટીકા કરી હતી અને કહ્યું હતું કે સૉશિઅલ વેલિડેશન (સૉશિઅલ વેલિડેશન એક એવી ઘટના છે જેમાં લોકો ગાડરિયા પ્રવાહમાં ચાલે છે) ફીડબેક લૂપ માનવીની માનસિકતામાં રહેલી અતિ સંવેદનશીલતાનું તે શોષણ કરે છે. આ ટીકાના એક દિવસ પછી પલીહપિટીયાની ટીપ્પણી આવી હતી.

પાર્કરે કહ્યું હતું કે તે સૉશિઅલ મીડિયાના વપરાશ સામે સચેત વિરોધકર્તા છે. પલિહપ્ટીયાએ પણ આ જ વલણનો પડઘો પાડ્યો હતો અને કહ્યું હતું કે તેણે ફેસબૂક દ્વારા જે નાણાં બનાવ્યાં તેનો ઉપયોગ હવે તે વિશ્વમાં સત્કાર્યો માટે કરવા માગે છે.

પલિહપ્ટીયાએ કહ્યું હતું કે “હું તેમનું નિયંત્રણ ન કરી શકું, હું મારા નિર્ણયનું નિયંત્રણ કરી શકું અને તે એ છે કે હું તે (ફેસબૂક)નો વપરાશ નહીં કરું. હું મારાં બાળકોના નિર્ણયોનું નિયંત્રણ કરી શકું અને તે એ કે તેમને ફેસબૂક વાપરવાની મંજૂરી નહીં મળે.”

તેમણે દર્શકોને પણ સૉશિયલ મિડિયા સાથેના તેમના સંબંધો અંગે તેમના આત્માને પૂછવા અનુરોધ કર્યો હતો. “તમને ખબર નથી પડતી, પરંતુ તમારા વર્તન…તમારું પ્રૉગ્રામિંગ થઈ રહ્યું હોય છે. એ ઈરાદાવિહીન હોય છે, પરંતુ તમારે નિર્ણય કરવો પડશે કે તમારે કેટલું છોડવું છે, તમારે તમારી બૌદ્ધિક સ્વતંત્રતા કેટલી ગુમાવવી છે?”

ગત વર્ષોમાં સૉશિઅલ મીડિયાની કંપનીઓને વધુ ને વધુ તપાસનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે ટીકાકારો વિશ્વભરમાં વધી રહેલી રાજકીય ખાઈને તેની સાથે જોડી રહ્યા છે. અનેક નિરીક્ષકોએ ૨૦૧૬ની અમેરિકાના પ્રમુખની ચૂંટણી અને બ્રૅક્ઝિટ લોકમતના પરિણામોને ફેસબૂકના આલ્ગૉરિધમે સર્જેલા વૈચારિક પડઘા કક્ષો સાથે જોડ્યાં હતાં તેમ જ ફેસબૂકના ન્યૂઝ ફીડમાં ફેલાવાતા ખોટા સમાચારો, ષડયંત્રોની કથાઓ અને પ્રચાર તેમજ વાસ્તવિક સમાચારો સાથે પણ જોડ્યાં હતાં.

કંપનીએ તાજેતરમાં માન્યું હતું કે તેણે રશિયાના એ સંચાલકોને જાહેરાતો વેચી હતી જેઓ વર્ષ ૨૦૧૬ની ચૂંટણીઓમાં અમેરિકાના મતદારોમાં વિભાજન પેદા કરવા ઈચ્છતા હતાં. ફેસબુકે મ્યાંમારમાં રોહિંગ્યા વિરોધી પ્રચારને વધારવામાં તેની ભૂમિકા માટે પણ નોંધપાત્ર ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

પલિહપીટીયાએ ઝારખંડનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ખોટા વૉટ્સએપ સંદેશના લીધે સાત લોકોને બાળી મારી નખાયા હતાં. સંદેશો અપહરણકારોના જૂથો વિશે ચેતવણી આપતો હતો. ઉલ્લેખનીય છે કે વૉટ્સએપ પણ ફેસબૂકની માલિકીની કંપની જ બની ગઈ છે.