સૉશિઅલ મીડિયા: વ્યક્તિના મૃત્યુ પછી કોનું?

સૉશિઅલ મીડિયા અનિવાર્ય અનિષ્ટ છે. તે અનિવાર્ય બની ગયું છે અને ફેસબુક દ્વારા કેમ્બ્રિજ એનાલિટિકાને ડેટા લીક બાદ તે હવે અનિષ્ટ પણ બની ગયું છે. પરંતુ પ્રશ્ન એ થાય કે કોઈ વપરાશકારનું મૃત્યુ થાય તે પછી તેના સૉશિઅલ મીડિયા એકાઉન્ટનું શું? તેમાં રહેલી માહિતી કોણ જોઈ શકે? મેળવી શકે?આ પ્રશ્ને ઑસ્ટ્રેલિયામાં કાનૂની રીતે ચર્ચા જગાવી છે અને તે મુદ્દે સઘન સમીક્ષા થઈ રહી છે. એટર્ની જનરલ માર્ક સ્પીકમેને વિલ અને સંપત્તિ તથા પ્રાઇવસી કાયદામાં જંગી ફેરફાર કરવા માટે માગણી કરી છે. ટ્વિટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સૉશિઅલ મીડિયા ખાતાં તેમના માલિકોનાં મૃત્યુ પછી પણ જીવિત રહે છે, ચાલુ રહે છે. પરંતુ વ્યક્તિના મૃત્યુ પછી તેના ખાતાની માલિકી, તેમાં રહેલી સામગ્રી કોણ જોઈ શકે તે અંગેના કાયદાઓ જટિલ છે.

ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર, ન્યૂ સાઉથ વેલ્સ (એનએસડબ્લ્યુ) સરકારે સૉશિઅલ મીડિયા અને ડિજિટલ ખાતાંઓની પહોંચ તેના માલિકના મૃત્યુ પછી કોને મળવી જોઈએ તે અંગેની સમીક્ષાનું કામ હાથ ધર્યું છે. સ્પીકમેને એનએસડબ્લ્યુ કાયદા સુધારા પંચને પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરવા અનુરોધ કર્યો છે જેમાં અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં આ અંગે થયેલા ફેરફારોની સાથે તુલનાનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે ઑનલાઇન હવે અભૂતપૂર્વ કામ અને સામાજિકરણ થઈ રહ્યું છે પરંતુ જ્યારે આપણું મૃત્યુ થાય કે આપણે નિર્ણય લેવા સક્ષમ ન હોઈએ તે પછી આપણી ડિજિટલ અસ્ક્યામતોનું શું, તેનો વિચાર આપણામાંના બહુ ઓછા લોકો કરે છે. તેનાથી ગૂંચવણ પેદા થાય છે અને જટિલતા સર્જાય છે કારણકે પરિવાર, મિત્રો અને વકીલો ડિજિટલ અસ્ક્યામતોની માલિકીના મુદ્દે અસંમજસમાં મૂકાયા છે, કેમ કે જે કાયદાઓ છે તે ઇ-મેઇલ, બ્લૉગ, સૉશિઅલ મીડિયા વગેરે આવ્યા તે પહેલાંના બનેલા છે. સ્પીકમેને કહ્યું કે 21મી સદીની આ સમસ્યાઓ માટે આપણે સ્પષ્ટ અને ન્યાયી કાયદાઓની જરૂર છે.

કાયદા સુધારા પંચ કૉપીરાઇટ, પ્રાઇવસી, અપરાધ, અસ્ક્યામત વહીવટ, વિલ સહિતના કાયદાઓની તપાસ કરશે અને સૉશિઅલ મીડિયા કંપનીઓની સેવા કરારોની નીતિઓ અને શરતોની પણ સમીક્ષા કરવામાં આવશે. તે જૂનના અંત સુધીમાં પરામર્શ પત્ર જાહેર કરે તેવી શક્યતા છે. સ્પીકમેને કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિએ તેના સૉશિઅલ મીડિયા કે તેના અંગત ઇ-મેઇલની પહોંચ કોને મળવી જોઈએ તેની વ્યવસ્થા કરી ન હોય તેવી પરિસ્થિતિમાં વધારાની પ્રાઇવસી સુરક્ષા હોવી જોઈએ કે નહીં તે મુદ્દે પણ વિચારણા કરાશે.

કર્ટિન યુનિવર્સિટીમાં ઇન્ટરનેટ અભ્યાસ પર એસોસિએટ પ્રૉફેસર ટામા લીવરે કહ્યું, “આ કાયદાનો એવો વિસ્તાર છે જેને (સુધારાની) ખૂબ જ જરૂર છે અને એ સાંભળીને આનંદ થાય છે કે ઑસ્ટ્રેલિયામાં ક્યાંક તો આ થાય છે. આ ઘણા સમયથી જરૂરી હતું.” ડૉ.  લીવરે કહ્યું કે ફેસબૂક, ગૂગલ અને ટ્વિટર જેવાં પ્રમાણમાં મોટાં સૉશિઅલ મીડિયા પ્લેટફૉર્મની નીતિ હતી કે વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેના ખાતાનું શું થવું જોઈએ પરંતુ પ્રમાણમાં નાના સૉશિઅલ મીડિયા પ્લેટફૉર્મ પાસે આવી નીતિ નથી. ફેસબુક પાસે મેમોરિયલાઇઝેશન જેવું કંઈક છે જેમાં તે તમા ખાતાને મોટા ભાગના હિસ્સા માટે રીડ ઑન્લી મૉડ માટે જ રાખે છે. આ ફંક્શન વ્યક્તિના પ્રૉફાઇલ પેજ પર સ્મૃતિ સંદેશ મૂકવાની છૂટ આપે છે અને કોઈ પણ વ્યક્તિ તેના મૃત્યુ પહેલાં તેના વારસદાર એવા સંપર્કને નીમી શકે છે જે તેના પ્રૉફાઇલ અને કવર ફૉટાનું નિયંત્રણ મેળવી શકે. પરંતુ ડૉ. લીવરના કહેવા પ્રમાણે, વપરાશકારો આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. હજુ પણ મોટા ભાગના લોકો તેમનો પાસવર્ડ તેમને જેમના પર ભરોસો હોય તેમને આપી રાખે છે, જોકે એ વપરાશની શરતોનું ઉલ્લંઘન છે.