શું સોશિયલ મીડિયા સ્થાપિત હિતોનું રમકડું છે?

પણે તાજેતરમાં એક લેખમાં જોયું હતું કે કઈ રીતે ટ્વિટર પર #WomenBoycottTwitter ચાલ્યો હતો. ટ્વિટર, ફેસબુક કે ગૂગલ જેવા સોશિયલ મિડિયા કે લોકોપયોગી મનાતાં માધ્યમોની નીતિઓ સામે વધુ ને વધુ પ્રશ્નાર્થો સર્જાઈ રહ્યા છે.

‘સેક્સ લાઇઝ એન્ડ ટેપ્સ’ના નિર્માતા હાર્વે વેઇનસ્ટેઇન દ્વારા જાતીય શોષણના આરોપો સાથે કેટલીક મહિલાઓ બહાર આવી ત્યારે અભિનેત્રી રોઝ મેકગૉવને તેમને સમર્થન આપ્યું હતું અને હૉલિવૂડના બીજા કેટલાક આવા પુરુષોને ખુલ્લાં પાડવા ટ્વીટ કર્યાં હતાં. પરંતુ ટ્વિટરે તટસ્થ રહેવાના બદલે જાણે કે વેઇનસ્ટેઇનનો પક્ષ લેતું હોય તેમ અભિનેત્રી રોઝ મેકગૉવનનું ટ્વિટર ખાતું સસ્પેન્ડ કરી દીધું હતું. આના વિરોધમાં ટ્વિટર પર લોકો રોઝ મેકગૉવનના સમર્થનમાં આગળ આવ્યાં હતાં અને લોકોએ મહિલાઓને ટ્વિટર છોડી દેવાનો ટ્રેન્ડ ચલાવ્યો હતો. આ ટ્રેન્ડનું નામ #WomenBoycottTwitter રાખવામાં આવ્યું હતું.

જોકે લોકોના આ અભિયાનના કારણે ટ્વિટરને રોઝ મેકગૉવનનું ખાતું પુનઃ ચાલુ કરવું પડ્યું હતું. ટ્વિટરે માફી માગવી પડી હતી અને ટ્વિટરના મુખ્ય કાર્યકારી જેક ડૉર્સીએ કહ્યું હતું કે ટ્વિટરે વધુ પારદર્શી થવાની જરૂર છે.

આ પહેલાંના એક લેખમાં આપણે એ પણ જોઈ ગયાં છીએ કે ફેસબૂક સામે અમેરિકાની ચૂંટણીને ચોક્કસ વળાંક આપતી જાહેરખબરો સામે પ્રશ્નાર્થ ઉઠ્યા હતાં. અમેરિકાની ચૂંટણી વખતે વંશીય ભેદભાવ તથા તણાવ વધે તે પ્રકારની જાહેરખબરો રશિયા દ્વારા આપવામાં આવી હતી તેવી વાતો બહાર આવી હતી. તે પછી ફેસબૂકના સ્થાપક માર્ક ઝૂકરબર્ગે કહ્યું હતું કે ફેસબૂક તેના મંચ પર રાજકીય જાહેરખબરો ખરીદનાર અંગે વધુ માહિતી જાહેર કરશે.

તો ગૂગલ સામે તેના જાહેરખબર પ્રદાતાઓ દ્વારા આક્ષેપો કરાયા હતાં કે તેના આલ્ગૉરિધમના લીધે તેમની જાહેરખબરો યૂ ટ્યૂબ પર ત્રાસવાદ અને નફરત ફેલાવનારાં ભાષણોની બાજુમાં મૂકવામાં આવી હતી. આ ફરિયાદ પછી ગૂગલે પણ પારદર્શિતાની વાતો કરી હતી.

આમાં સૌથી સામાન્ય વાત હોય તો એ છે કે સોશિયલ મિડિયાની બદમાશી ચાલુ જ રહેત, જો લોકોએ વિરોધ ન કર્યો હોત. મુખ્ય પ્રવાહના મિડિયા (છાપાં, ટીવી ચેનલ, વેબસાઇટ) વગેરે પક્ષપાતી હતાં એટલે જ લોકો સોશિયલ મિડિયા તરફ વળ્યાં હતાં. સોશિયલ મિડિયા મુક્ત અને નિષ્પક્ષી હતું. તેના પર એ સમાચારો પણ મળી રહેતા હતાં જે મુખ્ય પ્રવાહનું મિડિયા છાપતું નહોતું. મુખ્ય પ્રવાહના મિડિયાના વપરાશકારો (છાપાંની બાબતમાં વાચક અને ટીવી ચેનલની બાબતમાં દર્શક)ને પોતાની પ્રતિક્રિયા આપવાની તક પણ મળતી નહોતી. છાપાંઓ વાચકોના પત્રો માટે ઓછી જગ્યા ફાળવવા લાગ્યાં હતાં, કેટલાકે તો બંધ જ કરી દીધાં હતાં, તો ટીવી ચેનલો પર તો દર્શકોની પ્રતિક્રિયા માટે કોઈ જગ્યા જ નહોતી, હા, વેબસાઇટ પર વાચકો જરૂર પોતાની પ્રતિક્રિયા આપી શકતાં હતાં. પરંતુ ટ્વિટર, ફેસબુક પર લોકો પોતાની પ્રતિક્રિયા મુક્તમને આપવા લાગ્યાં.

જોકે સ્થાપિત હિતોના પેટમાં આના લીધે દુઃખવા લાગ્યું. એટલે તેમણે ટ્વિટર અને ફેસબૂકે સ્થાપિત હિતોના ઈશારે લોકોનો અવાજ દબાવવાનું શરૂ કરી દીધું. ભારતમાં રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા લોકો ગાયક અભિજીત, અભિનેતા અને સાંસદ પરેશ રાવલ અને સોનુ નિગમને કાં તો પોતાના ટ્વીટ પાછા ખેંચવા ફરજ પડી અથવા તો ટ્વિટરે તેમનું ખાતું સસ્પેન્ડ કરી દીધું જ્યારે ભારત વિરોધી વિચારો વ્યક્ત કરનારાઓ સામે કોઈ આવાં પગલાં ન લીધાં. તો અમેરિકામાં પણ જાતીય શોષણકાર હાર્વે વેઇનસ્ટેઇન સામે અને અન્ય જાતીય શોષણકારો સામે અવાજ ઉઠાવનાર અભિનેત્રી રોઝ મેકગૉવનનો અવાજ બંધ કરવા તેનું ખાતું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. પરંતુ ત્યાં લોકો વધુ જાગૃત નીકળ્યાં અને ત્યાં લોકોએ ટ્વિટરને ફરજ પાડી કે તે મેકગૉવનનું ખાતું ફરીથી ચાલુ કરે.