ફેસબૂકને લપડાક પછી ઇન્સ્ટાગ્રામને બુદ્ધિ આવી!

સૉશિઅલ મીડિયા ચર્ચામાં છે. અહીં આપણે ફેસબૂકની વાત નથી કરતા જે વિશ્વભરમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે વિવાદમાં છે, પરંતુ તે સિવાય પણ આ સૉશિઅલ મીડિયા વપરાશકારોને જે જોઈએ છે તે નહીં, પરંતુ તેમને જે આપવું છે તે જ આપે છે; જેમ કે ફેસબુક પર ન્યૂઝફીડમાં તમે જેમની પૉસ્ટ સૌથી વધુ જોતા હો તેવી વ્યક્તિની પૉસ્ટ જ તમને દેખાયા કરે છે. સર્ચ કરતા ખબર પડે છે કે ન્યૂઝ ફીડમાં બે વિકલ્પ છે, સૌથી તાજેતરની પૉસ્ટ (જે તમને દેખાતી નથી) અને સૌથી લોકપ્રિય પૉસ્ટ (જે તમને દેખાયા જ કરે છે.) આ સૌથી તાજેતરની પૉસ્ટ એવી વ્યક્તિની હોઈ શકે છે જે તમારા ફેસબૂક ફ્રેન્ડ લિસ્ટમાં છે, પરંતુ તમે તેમની પૉસ્ટ વારંવાર જોતાં નથી કારણકે તમને દેખાતી નથી. આના પરિણામે આવી વ્યક્તિ તમારાથી દુઃખી થઈ શકે છે.ફેસબૂકની જ ઍપ હોવાથી ઇન્સ્ટાગ્રામ પર પણ આવું જ હતું. હતું એટલા માટે કે કદાચ હવે આવું નહીં રહે. થોડાં સપ્તાહ પહેલાં સાઉથ બાય સાઉથ વેસ્ટ (અમેરિકામાં મિડિયા, ફિલ્મ, સંગીત ઉત્સવ, અને પરિષદનો વાર્ષિક મેળાવડો છે જે દર વર્ષે માર્ચની મધ્યમાં થાય છે.) ઉત્સવમાં એવી અફવા ચાલી હતી કે ઇન્સ્ટાગ્રામ એક નવો વિકલ્પ લાવી રહી છે જેનાથી વપરાશકારો તારીખ, વર્ષ મુજબ ફીડ જોઈ શકશે (જોકે આમાં પણ તેમની મરજી હોય તો જ). ઇન્સ્ટાગ્રામે આ અહેવાલ નકારી કાઢ્યો હતો, પરંતુ હવે એવું લાગે છે કે તે તેને કદાચ સ્વીકારશે, કારણકે આ સપ્તાહે તેણે બે નવાં ટૂલ જાહેર કર્યા છે જે વપરાશકારોને સૌથી તાજેતરની સામગ્રી સાથે જોડશે.

ઇન્સ્ટાગ્રામે કરેલી જાહેરાત આ પ્રમાણે છે: “અમે સાંભળ્યું છે કે જ્યારે તમારી ફીડ રીફ્રેશ થાય અને સ્વયંભૂ તમને ટૉપ પર લઈ જાય તે અણધાર્યું છે. આથી આજે અમે એક ‘ન્યૂ પૉસ્ટ્સ’ બટનનું પરીક્ષણ કરી રહ્યા છીએ જે તમને પસંદગી આપશે કે જો તમે રીફ્રેશ કરવા માગતા હશો તો જ રીફ્રેશ થશે, સ્વયંભૂ નહીં થાય. આ બટનને સ્પર્શ કરો અને તમને ફીડની ટોચે નવી પૉસ્ટ તરફ લઈ જશે. જો તમે સ્પર્શ નહીં કરો તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો. અમને આશા છે કે આનાથી ઇન્સ્ટાગ્રામમાં જોવું તમને વધુ આનંદદાયક બનશે.”

આ પ્રક્રિયા એવી જ છે જેવી લિન્ક્ડઇન અને ટ્વિટર જેવી અન્ય સૉશિયલ ઍપ પર ફીડ પ્રક્રિયા કામ કરે છે. તેનાથી વપરાશકારો નવી સામગ્રી પર રહી શકશે અને નહીં કે ઇન્સ્ટાગ્રામ નક્કી કરે કે તમારે શું જોવું જોઈએ.

વપરાશકારોએ ઇન્સ્ટાગ્રામના આલ્ગૉરિધમિક ફીડની બહુ ટીકા કરી છે કારણકે તે બહુ જૂની સામગ્રી જ લાવ્યા કરે છે. જોકે આ નવા આલ્ગૉરિધમ છતાં તેના વપરાશકારો ઘટ્યા નથી, પરંતુ ૩૦ કરોડ નવા જોડાયા છે. ઇન્સ્ટાગ્રામનો વપરાશ પણ વધ્યો છે. ઇન્સ્ટાગ્રામ માટે તેની ફીડ એ તેની કરોડરજ્જૂ સમાન છે. જોકે ઇનસ્ટાગ્રામે બીજું બધું ઘણું વિકસાવ્યું છે.

નવી પૉસ્ટને વધુ સારી રીતે ઝળકાવવાના નવા વિકલ્પ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ તેના આલ્ગૉરિધમમાં ફેરફાર કરી તાજેતરની ચીજો જોવા મળે તેના પર વધુ ભાર મૂકી રહી છે.

“તમારા પ્રતિભાવના આધારે, અમે એ પણ ફેરફાર કરી રહ્યા છે કે તમને ફીડમાં પ્રથમ નવીનતમ પૉસ્ટ વધુ દેખાય. આ ફેરફારો સાથે, તમારી ફીડ વધુ તાજી લાગશે અને તમે તમને જેની પરવા છે તે ક્ષણો ચૂકી નહીં જાવ. આથી, જો તમારો શ્રેષ્ઠ મિત્ર કે બહેનપણી મુંબઈ કે ઊટીથી તેના વેકેશનની સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર મૂકશે તો તમે જ્યારે જાગશો ત્યારે તે તમારી રાહ જોતી હશે.” તેમ ઇન્સ્ટાગ્રામે કહ્યું હતું.