ફેસબૂક દ્વારા પ્રાઇવસીના ભંગ સામે જર્મની લાલઘૂમ

ર્મનીના એક ગ્રાહક અધિકાર જૂથે ૧૩ ફેબ્રુઆરીએ કહ્યું હતું કે ફેસબૂક અંગત માહિતીનો જે રીતે ઉપયોગ કરે છે તે કૉર્ટને ગેરકાયદે જણાય છે કારણ કે અમેરિકાનો સૉશિઅલ મીડિયા મંચ (ફેસબૂક) તેના વપરાશકારોને માહિતી આપીને તેમની પૂરતી સંમતિ મેળવતું નથી. બર્લિનના પ્રાદેશિક ન્યાયાલયનો આ ચૂકાદો ફેસબૂક માટે મોટા ઝટકારૂપ છે. ફેસબૂક જે રીતે સંવેદનશીલ અંગત માહિતીનો (દૂર)ઉપયોગ કરે છે અને તેનાથી સૂક્ષ્મ લક્ષિત ઓનલાઇન જાહેરખબર શક્ય બને છે તે જોતાં ફેસબૂક સામે જર્મનીમાં તેની સામે ધોંસ સતત વધી રહી છે.ફૅડરેશન ઑફ જર્મન કન્ઝ્યૂમર ઑર્ગેનાઇઝેશન્સ (vzvb) એ કહ્યું હતું કે ફેસબૂકના ડિફૉલ્ટ સેટિંગ અને તેની સેવાના કેટલાક નિયમો ગ્રાહકોને લગતા કાયદાનો ભંગ છે અને ન્યાયાલયને માહિતીના વપરાશની સંમતિના ભાગો ગેરકાયદે જણાય છે. વીઝેડવીબીના લિટિગેશન પૉલિસીના હૈકો ડ્યુએન્કેલે કહ્યું હતું કે “ફેસબૂક ડિફૉલ્ટ સેટિંગ સંતાડી રાખે છે અને આ સેટિંગ તેના પ્રાઇવસી સેન્ટરમાં પ્રાઇવસી ફ્રેન્ડલી નથી. જ્યારે ગ્રાહક નોંધણી કરે છે ત્યારે તે અંગે તે પૂરતી માહિતી પૂરી પાડતી નથી. માહિતીપ્રદ સંમતિ માટેની જરૂરિયાત ફેસબૂક પૂરી કરતી નથી.” વીઝેડવીબીએ તેના ચૂકાદાની એક નકલ તેની વેબસાઇટ પર પણ મૂકી છે. ન્યાયાલયના પ્રવક્તાએ એ વાતની પુષ્ટિ કરી હતી કે ચૂકાદાને આપી દેવામાં આવ્યો છે. જોકે તેણે વધુ ટીપ્પણી કરવા નકાર્યું હતું.

આની પ્રતિક્રિયામાં ફેસબૂકે કહ્યું હતું કે ન્યાયાલયના ચૂકાદાના અનેક પાસાં તેની તરફેણમાં છે તેમ છતાં તે આની સામે અપીલ કરશે. એક નિવેદનમાં તેણે કહ્યું હતું કે તેણે ૨૦૧૫માં જ્યારે કેસ પહેલી વાર કરાયો ત્યારથી આજ સુધીમાં તેની સેવાના નિયમો અને માહિતી સુરક્ષા માર્ગદર્શિકામાં મહત્ત્વના સુધારા કર્યા છે. ફેસબુકે કહ્યું હતું કે “અમે અમારી માર્ગદર્શિકા ખૂબ જ સ્પષ્ટ અને સમજવામાં સરળ હોય અને ફેસબુક દ્વારા અપાતી સેવાઓ કાયદાને પૂરી રીતે સંગત હોય.” દરમિયાનમાં ફેસબૂક હજુ પણ તેની માહિતી સુરક્ષા માર્ગદર્શિકા અને તેની સેવાના નિયમોને અપડેટ કરાશે જેથી નવા યુરોપીય સંઘના નિયમોનું પાલન થાય. આ નિયમો આવતા જૂનમાં કાર્યાન્વિત બનશે.

ફેસબૂકના વિશ્વભરમાં ૨ અબજ કરતાં વધુ વપરાશકારો છે. ફેસબૂક સામે અત્યારે વિશ્વભરમાં પ્રશાસકો ઝીણી નજરે જોઈ રહ્યાં છે. અમેરિકાની ચૂંટણીને રશિયાએ ફેસબૂકમાં જાહેરખબરો આપીને પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો. આની સામે અમેરિકામાં અત્યારે તપાસ ચાલી રહી છે. જર્મની સહિત અનેક દેશો હવે ફેસબૂકને શંકાની નજરે જોઈ રહ્યાં છે. જર્મનીમાં ફેડરલ કાર્ટેલ ઑફિસે ફેસબૂક અંગેની તપાસમાં એક વચગાળાના અપડેટમાં ગત ડિસેમ્બરમાં કહ્યું હતું કે જ્યારે ફેસબૂકનું ખાતું ખુલે છે ત્યારે ફેસબૂક જે રીતે ત્રાહિત માહિતીની માહિતી મેળવે છે તેની સામે તેને વાંધો છે. આમાં ફેસબૂકના વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ઉત્પાદનોમાંથી માહિતી અંગેની પણ વાત છે. વપરાશકારો કઈ વેબસાઇટ જુએ છે તેની ત્રણેય એપ નોંધ રાખે છે.

ગ્રાહક અધિકાર જૂથે એક ચિંતા એ પણ ઊઠાવી હતી કે ફેસબૂકની ઍપ જે પ્રિએક્ટિવેટેડ હતી તેણે વપરાશકારનું સ્થળ તે જે વ્યક્તિ સાથે ચેટિંગ કરી રહી હતી તેને જાહેર કરી દીધું હતું. પ્રાઇવસી સેટિંગમાં પણ પહેલેથી અમુક ખાનામાં ટિક હતી જેનાથી સર્ચ એન્જિન વપરાશકારોની ટાઇમલાઇન સાથે લિંક આપોઆપ થઈ જતાં હતાં. તેનો અર્થ એ થાય કે કોઈ પણ વ્યક્તિ વપરાશકારની પ્રૉફાઇલ ઝડપથી અને સરળતાથી મેળવી શકે છે.

ગ્રાહક અધિકારજૂથે એક નિવેદનમાં કહ્યું હતું કે ન્યાયાધીશોએ ઠરાવ્યું છે કે ફેસબૂકના ડિફૉલ્ટ સેટિંગમાંનાં તમામ પાંચ સેટિંગ, જેના વિશે વીઝેડવીબીએ ફરિયાદ કરી છે તે ગેરકાયદે છે. ફેસબૂકના વપરાશના અનેક બીજા નિયમો પણ ગેરકાયદે છે.