ફેસબૂકઃ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું…

ફેસબૂક વગર આજની ‘સ્માર્ટ’ફોનની ‘સ્માર્ટ’ દુનિયા અધૂરી ગણાય, ખરું કે નહીં? પરંતુ આ માધ્યમનો ઉપયોગ કેટલાક ‘સ્માર્ટ’ લોકો અથવા દેશો કરીને કહેવાતાં ‘સ્માર્ટ’ લોકોને ઉલ્લુ બનાવી જાય તો ?અમેરિકાની ચૂંટણીમાં આવો જ કિસ્સો બહાર આવ્યો છે. અમેરિકાની ચૂંટણી જે ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યાં છે તેને પ્રભાવિત કરવા રશિયાએ ફેસબૂક પર ઘણી બધી જાહેરખબરો મૂકી હતી. આ વાત ફેસબૂકે પોતે સ્વીકારી છે. અમેરિકાનું નીચલું ગૃહ જે કૉંગ્રેસ તરીકે ઓળખાય છે તે આ બાબતે તપાસ ચલાવી રહ્યું છે. તેને ફેસબૂકે ૩,૦૦૦ જાહેરખબરો સોંપી છે. આ જાહેરખબરો રશિયાની એક કંપનીએ ખરીદી હતી જેથી અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરી શકાય. ચોંકાવનારી વાત તો એ છે કે અમેરિકામાં જે વંશીય ભેદભાવ અને સામાજિક ખાઈ છે તેનું બરાબર દોહન કરી લેવાનો ઉદ્દેશ્ય આ જાહેરખબરોમાં હતો. આ જાહેરખબરો ગે-લેસ્બિયનો સાથે થતાં વ્યવહારો, વંશ, બંદૂક અંગેના અધિકારો, સ્થળાંતર (ઇમિગ્રેશન) અંગેની હતી. હવે ફેસબૂકના પ્રવક્તા એવું કહે છે કે “અમને આ જાહેરખબરો ખૂબ જ વાંધાજનક લાગી.”

કેટલીક જાહેરખબરો રશિયાના ચલણમાં ખરીદવામાં આવી હતી. જ્યારે જાહેરખબરો મળી ત્યારે ફેસબૂકે હસતાંહસતાં સ્વીકારી લીધી. મિડિયાના કેટલાક વર્ગમાં આવું થતું હોય છે. જાહેરખબર એ કમાણીનું અને કર્મચારીના પગારનું સાધન ચોક્કસ છે પરંતુ ગમે તે જાહેરખબર સ્વીકારી લેવી તે નૈતિક રીતે યોગ્ય તો ન જ કહેવાય.

અંદાજે ૧ કરોડ લોકોએ આ જાહેરખબરો જોઈ હતી. અમેરિકાની વસતી ૩૨ કરોડ છે. તેમાંથી ૧ કરોડ લોકોએ આ જાહેરખબર જોઈ. તેમાંથી ૪૪ ટકાએ ચૂંટણી પહેલાં જોઈ અને 56 ટકાએ ચૂંટણી પછી. આમ જોવામાં આવે તો નાનકડાં વર્ગને આ જાહેરખબરોએ પ્રભાવિત કર્યા હશે તો કર્યા હશે. પરંતુ વિશ્વ માટે આ ચોંકાવનારી વાત જરૂર છે.આ બધું બહાર આવ્યું એટલે ફેસબૂક (એમ સમજોને કે માર્ક ઝૂકરબર્ગ) ડાહીડાહી વાતો કરવા લાગ્યું છે. તે કહે છે કે આ જાહેરખબરો તેના વિશ્વને જોડવાના અને તેનાં બીજાં મૂલ્યોની વિરુદ્ધ છે. કોઈએ માર્કભાઈને પૂછવું જોઈએ કે જાહેરખબરો લેતી વખતે આ ડહાપણ કેમ ન સૂજ્યું ? ત્યારે પગ નીચે રેલો નહોતો આવ્યો એટલે ?

જેઓ સારી નોકરી શોધતા હોય તેમના માટે આનંદના સમાચાર એ છે કે ફેસબૂક હવે માણસોને નોકરીએ રાખવાનું છે. આ માણસોનું કામ જાહેરખબરોની સમીક્ષા કરવાનું રહેશે. જોકે એક ટીમ તો પહેલેથી છે જ પરંતુ તેની સંખ્યા ઓછી પડતી હશે એટલે તેમાં ૧,000 માણસોને વધુ જોડવામાં આવશે.

આ ઉપરાંત ફેસબૂકે તેની જાહેરખબર અંગેની નીતિમાં કેટલાક ફેરફારો પણ જાહેર કર્યા છે. તે મુજબ, જાહેરખબરોને વધુ પારદર્શક બનાવવામાં આવશે. જો તમે હવે જાહેરખબર જોશો તો આ જાહેરખબર કોણે આપી છે તે જોવા મળશે. આ જાહેરખબર આપનાર વ્યક્તિ કે કંપનીએ બીજી કઈ કઈ જાહેરખબરો આપી છે તે પણ તમે જોઈ શકશો. ફેસબૂકના આ પગલાંના લીધે જાહેરખબર આપનાર વ્યક્તિ કે કંપની વધુ જવાબદાર બનશે તેમ મનાય છે. ફેસબૂક સીધી ધમકી, શસ્ત્રના વેચાણ કે વપરાશ, આઘાતજનક સામગ્રી વગેરે પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ પણ કરશે. જાહેરખબર આપતી વ્યક્તિ કે કંપનીએ વધુ વિગતો આપીને પોતાની અસલિયત છતી કરવાની રહેશે.

ફેસબૂક હવે પછીથી માત્ર જાહેરખબરની સામગ્રી જ નહીં જુએ પરંતુ સાથે સાથે તે કયા સંદર્ભમાં આપવામાં આવી છે અને કયા દર્શકવર્ગને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે તે પણ જોશે. પરંતુ ફેસબૂકે એ ચોખવટ કરી છે કે દરેક પૉસ્ટ કે જાહેરખબરનું નિરીક્ષણ શક્ય નથી. એટલે કેટલીક તો વાંધાજનક જાહેરખબરો અને પૉસ્ટ તો જોવા મળશે જ. કદાચ આ આવક મેળવવાની છટકબારી હોઈ શકે અથવા ફેસબૂકની વાત વાસ્તવિક (જેન્યુઇન) પણ હોઈ શકે કારણ કે આખી દુનિયાના કરોડો-અબજો લોકો જ્યારે દિવસમાં દર પાંચ મિનિટે કંઈ ને કંઈ પૉસ્ટ કરતા હોય ત્યારે એ બધાનું નિરીક્ષણ કરવું સહેલું નથી.