ફેસબુક ભારતમાં પાંચ લાખ લોકોને ડિજિટલ સ્કિલ્સની તાલીમ આપશે

સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક ૨૦૨૦ની સાલ સુધીમાં ભારતમાં ડિજિટલ સ્કિલ્સમાં પાંચ લાખ લોકોને તાલીમ આપવાની છે. એ માટે તેણે બે કાર્યક્રમોની જાહેરાત કરી છે. એક છે, વ્યક્તિઓ માટે અને બીજો સ્ટાર્ટઅપ્સ માટે.

આ બે કાર્યક્રમના નામ છે – ફેસબુક ડિજિટલ ટ્રેઈનિંગ તથા ફેસબુક સ્ટાર્ટઅપ ટ્રેઈનિંગ હબ્સ.

આ બે કાર્યક્રમને ફેસબુક કંપની દુનિયામાં પહેલી જ વાર ભારતમાં શરૂ કરવાની છે.

ફેસબુકના ભારત તથા સાઉથ એશિયા વિસ્તાર માટેના વડા રિતેશ મહેતાએ કહ્યું છે કે ભારતના ડિજિટલ અર્થતંત્રનું કદ ૨૦૨૨ સુધીમાં ૧ ટ્રિલિયન યૂએસ ડોલર થવાની ધારણા છે. અમારું માનવું છે કે એ માટે ભારતને સુસજ્જ કરવાની જરૂર છે અને એનો શ્રેષ્ઠ માર્ગ લોકોને આવશ્યક સાધનો, જ્ઞાન તથા કૌશલ્ય પૂરાં પાડવાનો છે.

આ સાધનોની મદદથી ભારતનાં લોકો ડિજિટલ સ્કિલ્સ શીખશે તેમજ ઉદ્યોગસાહસીઓ તથા લઘુ તેમજ મધ્યમ કદના ઉદ્યોગોને એમનાં બિઝનેસને ડિજિટલાઈઝ કરવામાં સહાયતા મળશે.

આ બે કાર્યક્રમની શરૂઆત કરવા ઉપરાંત ફેસબુકે ઓફ્ફલાઈન ટ્રેઈનિંગ પ્રોગ્રામ્સ પણ ચલાવે છે.

૨૦૨૦ની સાલ સુધીમાં આ તમામ પ્રોજેક્ટો અંતર્ગત ભારતમાં પાંચ લાખ લોકોને તાલીમબદ્ધ કરી શકવાની ફેસબુકને આશા છે.

Boost અને SheMeansBusiness પ્રોગ્રામ્સ દ્વારા ફેસબુકે ભારતમાં ૫૧,૭૦૦ લઘુ-મધ્યમ ઉદ્યોગસાહસીઓને તાલીમ આપી છે. આમાં ૧૨ હજાર તો મહિલા ઉદ્યોગસાહસીઓ છે.

ફેસબુક કંપનીએ આ માટે ભારતમાં ડિજિટલ વિદ્યા, EDII, DharmaLife અને StartupIndia સાથે સહયોગ કર્યો છે.

ફેસબુક ભારતને અમેરિકા બાદ દુનિયામાં તેનું સૌથી મોટું યુઝરબેઝ તરીકે ગણે છે. ભારતમાં તેના ૨૧ કરોડ ૭૦ લાખ યૂઝર્સ છે. આ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર આશરે ૪૦ લાખ જેટલા સ્મોલ બિઝનેસીસ એમનું પેજ ધરાવે છે.

ડિજિટલ ટ્રેઈનિંગ દ્વારા અમેરિકા સ્થિત ફેસબુક કંપની ભારતમાં જે લોકો એમનું ડિજિટલ જ્ઞાન તથા કૌશલ્યનો વિકાસ કરવા માગતા હશે એમને મફત સોશિયલ તથા કન્ટેન્ટ માર્કેટિંગની ટ્રેઈનિંગ આપશે, જે માત્ર ફેસબુક પૂરતી સીમિત નહીં હોય.