જીવનની પૂર્ણતાના અનુભવ માટે આ જરુરી છે…

રેક મનુષ્ય જીવન દરમ્યાન સારાંનરસા અનુભવોમાંથી પસાર થાય છે, કોઈપણ મનુષ્ય આ ઘટમાળથી બહાર નથી રહી શકતો. જો તમે આ ક્ષણે દુઃખી હોવ તો વિશ્વાસ કરો કે તે બિલકુલ સામાન્ય વાત છે, લાખો લોકોને દરરોજ કોઈને કોઈ કારણે મોટું દુઃખ આવી પડે છે, તમે આજે દુઃખી છો અને કાલે સુખી પણ થશો જ તે પણ નિશ્ચિત જ છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર માત્ર દિવસ છે તેવું નથી રાત્રિ પણ છે. ધ્યાનથી જોશો તો દરેક કાર્યની શરૂઆતમાં અંત છુપાયેલો છે. ફળ વૃક્ષથી છુટું પડે ત્યારે તેની અંદર બીજના સ્વરૂપમાં એક બીજું વૃક્ષ છુપાયેલું હોય છે. આ સમય જ છે જે દરેક ઘટનાને આકાર આપે છે. દુઃખ માનવ જીવનનો આવશ્યક ભાગ છે.greef 1દરેક મનુષ્ય બીજા મનુષ્યથી અલગ છે, તેમ છતાં એક માણસ બધાને પોતાના જેવા કરવા મથે છે અને છેવટે નિષ્ફળ જાય છે, દુઃખી થાય છે. પાંચ પાંડવો પાસે યોગેશ્વર શ્રી કૃષ્ણ ગુરુ હતા છતાં તેઓને દુઃખમાંથી પસાર થવું પડ્યું, માટે જીવનના પૂર્ણ અનુભવ માટે પણ દુઃખ અનિવાર્ય છે. દુઃખ તમને વધુ ઘડે છે, તમે જે છો તેમાંથી વધુ ઉત્તમ બનાવે છે. ભગવાન બુદ્ધે જોયું કે, સંસારમાં દુઃખ છે અને દુઃખ છે તો તેનો ઉપાય પણ છે. ભગવાન બુદ્ધે નિર્વાણની રાત્રિ પહેલા પોતાની પ્રખર બુદ્ધિ વડે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી હું દુઃખનો ખરા અર્થમાં અંત ના લાવું અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ના કરું ત્યાં સુધી હું અહીંથી વિચલિત થઈશ નહિ. ભગવાન બુદ્ધને એ જ રાત્રિમાં સંસારનું સાચું દર્શન થયું, મહાજ્ઞાન પ્રાપ્ત થયું.

પરમેશ્વરે મનુષ્યને દેહ, મન અને આત્મા આપ્યા, આ ત્રણેયના યોગે મનુષ્ય જીવન વ્યવહાર ચલાવે છે. પણ મનુષ્ય જીવનની ખાસિયત તેની બુદ્ધિ છે. મનએ ચંદ્ર શાસિત છે જયારે બુદ્ધિએ બુધ શાસિત છે, મન ચંદ્રની જેમ દિવસે દિવસે બદલાય છે. મારા ગુરુજી અમને જે દિવસે જે શીખ્યા તે તે જ દિવસે કંઠસ્થ કરી લેવા કહેતા, તેઓ કહેતા કે બીજા દિવસે ચંદ્ર નક્ષત્ર બદલશે એટલે તમારા વિચારો પણ બદલાઈ જશે અને પ્રાથમિકતા પણ, માટે આજે જ આજ ચંદ્રની સ્થિતિ નક્ષત્રમાં આજનું કાર્ય કરી લેવું. જયારે જે વિચાર આવે, જે કાર્યની જરૂર જણાય ત્યારે તે જ સમયે એ કાર્ય કરી લેવું, તેમાં જ સાચી સમજદારી છે.

એક સમજવા જેવી વાત છે કે મનની કોઈ નિશ્ચિત દિશા નથી, તમને ગમે ત્યારે ગમે તે વિચાર આવી શકે છે. વિચાર સારો પણ હોઈ શકે અને દુઃખદાયી પણ હોઈ શકે. ઘણા લોકો સકારાત્મક વિચારવું જોઈએ તેમ માને છે, પણ મોટેભાગે કાયમ સકારાત્મક વિચારવું શક્ય નથી હોતું. તો પછી ઉપાય શું? દુઃખી થયા જ કરવાનું? ના. ભગવાન બુદ્ધે તેનો માર્ગ બતાવેલો છે, સત્ય એટલે કે સાચું દર્શન તેનો માર્ગ છે. બુદ્ધિ મનથી સ્વતંત્ર કાર્ય કરે છે. મનમાં આવતા વિચારોને બુદ્ધિ વડે સમજો, દા.ત. તમને પોતાના વ્યવસાયમાં કાયમ ચિંતા રહેતી હોય તો તમે ચિંતાનું ખરું કારણ સમજો, મને પૂર્ણ વિશ્વાસ છે કે તમારી ચિંતાનું કારણ વ્યવસાય સાથે જ જોડાયેલું હોય તેવું ભાગ્યે જ બનશે. વ્યવસાય તો તેની રીતે ચાલ્યા કરે છે અને તમે ભૂલ કરો તો જ નુકસાન થાય છે તે એકદમ સરળ સિદ્ધાંત પર વ્યવસાય ચાલે છે. તમે પોતાની ભૂલોને સાચી રીતે સ્વીકારો તો દુઃખ આપોઆપ ચાલ્યું જશે. તમે આજે મહેનત કારસો તો ભવિષ્યની ચિંતા પણ આજે જ ચાલી જશે. સુખી થવું તમારા અભિગમ પર આધારિત છે, મનના તરંગો પર નહિ. મોટેભાગે તમે ‘જો અને તો’ ની વચ્ચે દુઃખી થતા હશો. જો તમે ભૂતકાળથી દુઃખી છો તો એકવાત સમજી લો કે ભૂતકાળ ચાલ્યો ગયો છે, તેને કોઈ પાછો લાવી શકે તેમ નથી, તેમાંથી જે શીખવાનું હતું તે તમે શીખી લીધું. એક ની એક વાત વારંવાર કહીને તમે પોતાનો સમય બગાડી રહ્યા છો. ભવિષ્ય તમારા આજના કાર્ય પર નિર્ભર કરે છે. તમે આજના કામ આજે નહિ કરો તો ‘કાલ’ એટલે કે ભવિષ્યમાંએ બોજ બનીને આવશે. આમ ‘કાલ’ પણ બગડશે.

મને એક વાર એક વિદ્વાન વ્યક્તિએ  ખુબ સરસ વાત કહેલી, તેમના મત અનુસાર કોઈ પણ પ્રશ્નને સાત વાર બુદ્ધિપૂર્વક ‘કારણ’ પૂછવાથી તમને તેનું સાચું નિરાકરણ મળી જ જશે. તેમના મતે ચોથા કારણે તમને પ્રશ્નનું મૂળ સમાધાન મળશે અને પાંચથી સાતમુ કારણ તમારી સાથે જ જોડાયેલું મળશે, તમે પોતાના ખોટા નિર્ણયને જાતે જ પોતાની બુદ્ધિથી સરળતાથી જાણી લેશો. સાચી વાત સ્વીકારો અને હકીકત સાથે જીવો દુઃખ આપોઆપ ઓછું થઇ જશે.

એક વાત આપણે સમજવી પડશે કે દરેક ચીજને બુદ્ધિથી સમજવામાં જ ખરો આનંદ છે, લાગણીવશ કે માત્ર મન મનાવવા ખાતર કરાતા નિર્ણયો હમેશા દુઃખ લાવે છે. તમે જયારે સુઈ રહ્યા હોવ ત્યારે માત્ર ઊંઘ અને આરામનો જ વિચાર કરો, જયારે કામ કરી રહ્યા હોવ ત્યારે માત્ર કામનો જ વિચાર કરો. જયારે જમી રહ્યા હોવ ત્યારે માત્ર આહાર પર જ ધ્યાન કેન્દ્રિત કરો, તમે જોશો કે જીવન કેટલું સુંદર છે. તમે પોતાના નાના બાળક સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે એનો હાથ પકડીને એને અનુભવો તેના અવાજને શાંતિથી સાંભળો, ધીરજથી તેને જુઓ, તમે જોશો કે એકવાર સમય પણ રોકાઈ જશે તમને અદ્ભુત આનંદ આપવા. સંસારમાં શાંતિ અને સુખ તમારા અભિગમથી આવે છે, મનને જ્યાં ત્યાં દોડાવાથી નહિ. મનની કોઈ નિશ્ચિત ગતિ નથી માટે મનને અવગણો અને વર્તમાનમાં બુદ્ધિથી જીવો.

વિચાર પુષ્પ: દરેક મનુષ્યને બીજાને સલાહ આપવી ગમે છે અને તકલીફએ છે કે દરેક મનુષ્યને સલાહ સાંભળવી ગમતી પણ નથી. બધાની ભૂલ બતાવવા કરતા આપણે આપણી ભૂલ શોધી નાખીએ તો બીજા આપણી પાસે ભૂલો નહિ કરે. એકવાર એક મ્યુઝિક બેન્ડમાં બે સંગીત વગાડનારા વાતો કરી રહ્યા હતા, એક ભાઈએ બીજાને કહ્યું તમે જયારે સંગીત વગાડતા હોવ ત્યારે તમારે મારી સામે જોતા રહેવું જેથી કરીને કોઈ ભૂલ થતી હોય તો તો હું ઈશારો કરી દઈશ. પણ પેલા ભાઈ વધુ હોશિયાર હતા તેમણે તેને કહ્યું કે, આપણે એકબીજા સામે જોવાની જરૂર ત્યારે જ પડશે જયારે આપણે આપણું પોતપોતાનું વાજિંત્ર બરાબર ના વગાડી રહ્યા હોઈએ. એટલે મારા મતે આપણે બંનેએ આપણું પોતપોતાનું વાજિંત્ર બરાબર વગાડવું જોઈએ અને તેની પર જ ધ્યાન આપવું જોઈએ, જેથી આપણને એકબીજાની ભૂલ બતાવવાની જરૂર નહિ રહે. સાવ સરળ લાગતી આ વાતમાં કદાચ મનુષ્ય વ્યવહારનો સાચો સાર છુપાયેલો છે.

અહેવાલ- નીરવ રંજન