આઠમા નોરતે પૂજો મા મહાગૌરી, દુઃખથી મળશે મુક્તિ

અહેવાલ- હાર્દિક વ્યાસ

જે નવરાત્રિનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે. આજના દિવસે મા જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યુંં હતું. “માં” શબ્દ જ એવો છે કે તેને બોલતાં જ મોં ભરાઈ જાય અને અનન્ય આનંદની અનુભૂતિ થાય છે. અને “માં” નો મહિમા અને મમતા પણ એવી છે કે હૃદયના સાચા ભાવથી જો તેમની ઉપાસના કરવામાં આવે તો “માં” ચોક્કસ રીઝે અને અણધાર્યા કામ પાર પાડે. સ્વપ્નમાં પણ જે ન વિચાર્યા હોય તેવા કામો પાર પાડે અને મોટા ડુંગર જેવી અતુટ તકલીફોનો પળવારમાં ભાંગીને ભૂક્કો કરી નાંખે એનુ નામ “માં”. આજે આઠમા નોરતે જાણીએ “માં મહાગૌરીનો” મહિમા.

મા જગદંબાએ આઠમા નોરતે મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાજીનો વર્ણ ગોરો હોવાથી માને મહગૌરીના નામથી ઓળખવામાં આવે છે. આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઇ છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવી છે. અષ્ટ વર્ષા ભવેદ્ ગૌરી. માતાજીના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો શ્વેત રંગના છે. માતાજીને ચાર ભૂજાઓ છે, અને તેમનું વાહન વૃષભ છે. માતાજીનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો ડાબો હાથ વરમુદ્રામાં છે. માતાજીની મુદ્રા અત્યંત શાંત છે.

પોતાના પાર્વતી સ્વરૂપમાં માતાજીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું. તેમની પ્રતિજ્ઞા હતી કે વ્રિયેડહં વરદં શંભું નાન્યં દેવં મહેશ્વરાત્. ગોસ્વામી તુલસીદાસજી અનુસાર તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો.

પોતાના પાર્વતી રૂપમાં માતાજીએ ભગવાન શિવને પતિરૂપે પામવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું.

જન્મ કોટિ લગિ રગર હમારી |

બરઉ સંભુ ન ત રહઉં કુઁઆરી ||

આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન થઇને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી ધોયું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત  કાન્તિમાન-ગૌર થઇ ઉઠ્યાં, ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.

નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજા કરવાનું અનન્ય મહત્વ રહેલું છે. માતાજીની શક્તિ અમોઘ અને તરત ફળ આપનારી છે. મા મહાગૌરીની ઉપાસના કરવાથી ભક્તોના પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે અને સાથે જ ભવિષ્યમાં પાપ-સંતાપ કે દુઃખ સહિતની વસ્તુઓ ક્યારેય જીવનમાં આવતી નથી. મા મહાગૌરીની ઉપાસના કરનારો ભક્ત સર્વપ્રકારે પવિત્ર બની અક્ષણ પુણ્યનો અધિકારી બની જાય છે.

મા મહાગૌરીની પૂજા-આરાધના અને ઉપાસના ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે. માતાજીની કૃપા જે ભક્ત પર વરસે તેને અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી ભક્ત જો તેમના પાદારવિંદોનું ધ્યાન ધરે તો તે ભક્તના તમામ કષ્ટો અવશ્ય મા મહાગૌરી દૂર કરે છે. મા મહાગૌરીની ઉપાસનાથી આર્તજનોના મુશ્કેલમાં મુશ્કેલ અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે. પુરાણમાં માતાજીના મહિમાનો ખૂબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મા મહાગૌરી મનુષ્યની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને તેના જીવનમાંથી અસત્યનો વિનાશ કરે છે.

મહાગૌરી માતાની ઉપાસના માટેનો મંત્ર

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||