વટસાવિત્રી વ્રતઃ નારીનું અનન્ય તેજ સાવિત્રી

0
3784

આજથી શરુ થતાં વટસાવિત્રીના વ્રતના મહિમા વિશે વાત કરવી છે. પરીણિત સ્ત્રીઓ વટસાવિત્રીનું વ્રત કરે છે. કારણ કે આ વ્રત કરવાથી પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે પુત્રનું સુખ પ્રાપ્ત થાય છે અને સાથે જ ધન ધાન્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.  તો આવો આજે જાણીએ વટસાવિત્રીના વ્રતની કથા અને તેના મહત્વ વિશે.

જેઠ સુદ પુનમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીવ્રત કરે છે. પતિને દીર્ઘાયુ મળે તથા પુત્ર પૌત્રાદિકનું સુખ પ્રાપ્ત થાય તેમજ ધન ધાન્ય અને ઐશ્ર્વર્યની પ્રાપ્તિ માટે બહેનો આ વ્રત કરે છે. આ દિવસે સવારે સ્નાનાદિથી પવિત્ર થઈને નમો વડાય એટલે વડને નમસ્કાર, નમો સાવિત્ર્યે એટલે કે સાવિત્રીને નમસ્કાર, તેમજ વૈવસ્વતાય એટલે કે સૂર્ય પુત્ર યમરાજને નમસ્કાર જેવા મંત્રોચ્ચાર સાથે વડ, સાવિત્રી અને યમરાજની પૂજા ઉપાસના કરવામાં આવે છે.

વટ સાવિત્રીના વ્રતની કથા જોઈએ તો. રાજા અશ્ર્વપતિએ પત્ની સાથે સાવિત્રીદેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્ર્વપતિના ઘરે ક્ધયાના રૂપમાં જન્મ લીધો.

સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ધણો મુશ્કેલ હતો. આથી સાવિત્રી યોગ્ય વરની શોધ કરવા માટે દેશ ભ્રમણ માટે મોકલી દેવામાં આવી, સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો, નારદજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહો જોતા કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આમ છતાં સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. મારા નસીબની વાત છે. પણ હું કોઈ અન્યને મારા હ્રદયમાં સ્થાન નહીં આપું.

સાવિત્રી અને સત્યવાનનાં લગ્ન થઈ ગયાં. સાવિત્રી પોતાનાં સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી સમય, આવતા સત્યવાનનું આયુષ્ય પૂરુ થઈ ગયું. એક દિવસ જ્યારે સત્યવાન લાકડાં કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ તેની સાથે ગઈ. સત્યવાને મીઠાં મીઠાં ફળ લાવીને સાવિત્રીને આપ્યાં અને પોતે લાકડાં કાપવા ઝાડ પર ચઢી ગયો. થોડી જ વારમાં તેનું માથું સખત દુ:ખવા માંડ્યું, સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે.? એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યું હતું. પણ મનમાં તેણે કશું વિચારી લીધુ હતું. આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચહેરા પર દેખાતી હતી. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યા. સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવા કહ્યું.

પરંતુ સાવિત્રીએ યમરાજાને જવાબ આપ્યો કે યમરાજ પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય અને હું પણ એ જ કરી રહી છું. યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કોઇ પણ માગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ-સસરાની આંખની રોશની તથા દીર્ધાયુ માગી લીધાં. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રીએ ફરી પાછળ ચાલવા માડી. યમરાજે તેને રોકતા સાવિત્રીએ કહ્યું કે ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધૂરું છે. પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ. સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માગી લીધુ. યમરાજ ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા. સાવિત્રી ફરી તેમની પાછળ ચાલવા માંડી.

યમરાજે ફરી સાવિત્રીને કહ્યું ભદ્રે! હજું પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માગીશ તે મળશે. સાવિત્રી બોલી, હે જીવનદાતા ! તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય, અને મને તમારા દિલથી કાંઈ આપવા માગતા હોય તો મને સો પુત્રોની મા બનવાનું વરદાન આપો. યમરાજે તથાસ્તુ કહીને આગળ વધ્યા. સાવિત્રીએ પીછો કરતા. યમરાજે કહ્યું કે હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે. ?

સાવિત્રીએ કહ્યું તમે મને સો પુત્રોની મા બનવાનું વરદાન તો આપ્યું, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું છું? સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિ વ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા.

સાવિત્રીએ વટ વૃક્ષને પ્રણામ કરીને જેવી વટની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો.સાવિત્રીએ વટ વૃક્ષને પ્રણામ કરીને જેવી વટની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરાને આંખની રોશની પાછી મળી ફરી રાજ સિંહાસન મળ્યું. મહારાજ અશ્ર્વપતિ સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની.

આમ પુત્રપ્રાપ્તિ માટે, પતિના દીર્ઘાયુષ્ય માટે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ સદૈવ વિદ્યમાન રહે તે માટે વટસાવિત્રીનું વ્રત મહિલાઓ કરે છે.

(લેખન- હાર્દિક વ્યાસ )