શિવમહાપુરાણઃ ભસ્મ તીલકનો અનન્ય મહિમા

0
3385

જે વાત કરવી છે ભસ્મની. ભસ્મ શબ્દ આમ આપણને સામાન્ય લાગે પરંતુ તેનો મહિમા અપરંપાર છે. શિવમહાપુરાણમાં ભસ્મનો અનન્ય અને દિવ્ય મહિમા વર્ણવવામાં આવ્યો છે. શિવમહાપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે જે વ્યક્તિ નિત્ય ભસ્મનું ત્રિપુંડ અથવા તો તીલક કરે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ કે શું છે ભસ્મનું મહત્વ અને સાથે જ જાણીએ ભસ્મ સાથે જોડાયેલો શિવમહાપુરાણનો એક પ્રસંગ.

શિવમહાપુરાણમાં વિશ્વેશ્વરસંહિતાના 23માં અધ્યાયમાં સૂતજી કહે છે…

शरीरे च त्रयं यस्य तत्फलं चैकतः स्थितम्
एकतो वेणिकायाश्च स्नानजंतुफलं बुधैः

અર્થાતઃ જેના અંગ પર શિવનામ, રૂદ્રાક્ષ અને ત્રિપુંડ હોય છે,

          તે મનુષ્યને રોજ પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે

શિવમહાપુરાણમાં વિશ્વેશ્વર સંહિતાના 23માં અધ્યાયમાં ભગવાન સૂતજીએ શિવનામ, રૂદ્રાક્ષ અને ભસ્મના ત્રીપુંડ અથવા તીલકનું મહત્વ સમજાવ્યું છે. જેના શરીર પર રૂદ્રાક્ષ અને ભસ્મનું તીલક અથવા ત્રીપુંડ હોય, અને જેના મુખમાં શિવનું નામ હોય તેવા વ્યક્તિને નિત્ય પ્રયાગ તીર્થ એટલે કે ત્રીવેણીમાં સ્નાન કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શિવમહાપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું કે જેના ભાલમાં ભસ્મનું ત્રીપુંડ હોય, તે વ્યક્તિનું ક્યારેય અમંગલ થતું નથી. ભગવાન શિવે કહ્યું કે દરેક માણસે પોતાના શરીર પર 32 સ્થાન પર ભસ્મના ત્રીપુંડ કરવા જોઈએ અને જે વ્યક્તિના શરીર પર 32 સ્થાનો પર ભસ્મના ત્રીપુંડ હોય છે તે વ્યક્તિને સાક્ષાત રૂદ્રનું સ્વરૂપ સમજવું. પરંતુ જો આપણાથી શરીરના 32 સ્થાન પર ભસ્મનું ત્રીપુંડ ન થઈ શકે તો કપાળ પર ભસ્મનું ત્રીપુંડ અથવા તો તીલક કરવું.

ભસ્મના તીલકથી પાપી માણસ શિવલોકમાં ગતિ પામ્યો

શિવમહાપુરાણમાં એક પ્રસંગ છે. એક કોઈ અનહદ પાપી મનુષ્ય કે જેણે આખા જીવનમાં ખૂબ પાપો કર્યા છે તેવો જીવાત્મા કૈલાસમાં ગતી પામ્યો. આ જોઈને યમરાજા મહાદેવજી પાસે ગયા અને કહ્યું કે, હે ભગવાન શિવ આ મનુષ્ય તો ખૂબ પાપી માણસ છે આને શાં માટે આને તમે કૈલાસમાં લઈ આવ્યા?  ત્યારે ભગવાન શિવે યમરાજાને કહ્યું, કે યમરાજા આ મનુષ્યના ભાલમાં ભસ્મનું તીલક હતું અને એટલા માટે તેને શિવલોકની પ્રાપ્તી થઈ છે.

યમરાજાએ ભગવાન શિવને કહ્યું કે હે ભગવાન શિવ, આ મનુષ્યને તો ભસ્મ શું છે તેની ખબર જ નથી. ભગવાન શિવે યમરાજાને કહ્યું કે જોવો યમરાજા આના ભાલમાં ભસ્મનું તીલક છે, અને યમરાજાએ જોયું તે મનુષ્યના ભાલમાં ભસ્મનું તીલક હતું. યમરાજાએ પેલા જીવાત્માને પૂછ્યું તો તેણે પણ કહ્યું કે ના મને તો ખબર જ નથી. ત્યારબાદ ભગવાન શિવે ધ્યાન કરીને જોયું તો ખ્યાલ આવ્યો કે આ જીવાત્મા ચૂલામાં ક્યાંક રસોઈ બનાવતો હતો તે સમયે ચૂલાની ભસ્મ તેના લલાટ પર લાગી હતી. અને ત્યારબાદ યમરાજાએ કહ્યું કે આ મનુષ્યના લલાટ પર તો અજાણતા ચુલાની ભસ્મ લાગી હતી, ઉપાડો આને નરકમાં.

ત્યારે ભગવાન શિવે યમરાજાને રોક્યા અને કહ્યું કે યમરાજા, જાણીજોઈને તો ઠીક પરંતુ જે મનુષ્ય અજાણતા પણ પોતાના કપાળમાં ભસ્મની બિંદી અથવા તો તીલક લગાવે છે તેને પણ શિવલોકની પ્રાપ્તી થાય છે. આમ અજાણતા એક પાપી મનુષ્યના કપાળમાં ભસ્મનું તીલક થયું હતું અને તે મનુષ્ય પાપીમાં પાપી મનુષ્ય હતો છતા પણ ભસ્મના એક તીલકના કારણે તેને શિવલોકની પ્રાપ્તિ થઈ અને ભસ્મના સહારે તે જીવન તરી ગયો અને શિવલોકને પામ્યો. એટલા માટે જ શિવમહાપુરાણમાં આ પ્રસંગથી ભસ્મના મહત્વનું ગાન કરવામાં આવ્યું છે. એટલે આપણે પણ નિત્ય લલાટમાં ભસ્મનું તીલક કરવું જોઈએ.
મહાદેવજીએ શા માટે લગાવી સ્મશાનની ભસ્મ ?

સ્મશાનની ભસ્મ લગાવી ભગવાન શિવે મનુષ્યને સંદેશો આપ્યો છે કે હે માનવ બ્રહ્મ સત્ય છે જગત મીથ્યા છે. ભગવાન શિવે સંદેશ આપ્યો કે મનુષ્ય, તારૂ આ સુંદર શરીર પણ એક સમયે ભસ્મમાં વિલીન થઈ જવાનું છે. પરંતુ અત્યારે મનુષ્યના જીવનની કરૂણતા છે, કે આપણે દેહ પર ધ્યાન આપીએ છીએ પરંતુ દેવ પર ધ્યાન આપતા નથી. પણ ઝાઝો સમય દેવને અપાય દેહને ન અપાય. દેહનું જતન કરવું અને તેને સાચવવો તે આપણું કર્તવ્ય અને જરૂરીયાત બંન્ને છે પરંતુ માત્રને માત્ર તેમાં જ ન રહેવું જોઈએ. શરીર એક મંદિર છે એટલે તેને પવિત્ર અને સ્વચ્છ તેમજ નિર્મળ રાખવું જ જોઈએ પરંતુ સાથે જ તે મંદિરમાં અર્થાત આપણા હ્યદયમાં ઈશ્વરની પધરામણી પણ કરવી જોઈએ.

અને એમાં પણ ભસ્મની વાત આવે ત્યારે એક વાત ચોક્કસ કહેવી પડે કે તમે કુમકુમ કે ચંદન લેવા જાવ તો તેના પૈસા આપવા પડે છે પરંતુ ભસ્મ તો સાવ ફ્રીમાં મળી રહે છે. કોઈ જગ્યાએ કોઈ બ્રાહ્મણ દેવો યજ્ઞ કરતા હોય અને ત્યાં જઈને તે યજ્ઞકુંડમાં રહેલી ભસ્મ ઘરે લાવી અને તેને ચાયણીમાં ચાળી અને પછી એક પાત્રમાં તેને ભરી લેવી જોઈએ અને પછી નીત્ય તે ભસ્મનું તીલક કરવું જોઈએ આમ કરવાથી જીવન મંગલમય બને છે.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)