શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા

જીવન દરમ્યાન મનુષ્યને આધ્યાત્મિક ખોજ રહે છે, આધ્યાત્મિક તૃપ્તિ વગર મનુષ્યને શાંતિ મળતી નથી. ઘણીવાર આપણે આધ્યાત્મિક જીવનમાં ધીરેધીરે ખૂબ આગળ પણ વધી જઈએ છીએ, પરંતુ જાણતાં અજાણતાં આપણને આ બાબતનો ખ્યાલ રહેતો નથી. આધ્યાત્મિક પ્રગતિ થાય છે ત્યારે મનુષ્યની પ્રાણ શક્તિ આપોઆપ વધવા લાગે છે. પ્રાણશક્તિ અને ઊર્જામાં થોડો ફેર છે, પ્રાણ શક્તિ ઉત્સાહ સમાન છે, જયારે શરીરની ઊર્જાએ કાર્ય કરવાની શક્તિ છે. પ્રાણ શક્તિ એ આધ્યાત્મિક શક્તિ બરાબર છે, જયારે મનુષ્યની અંદર પ્રાણ શક્તિ વધવા લાગે છે ત્યારે તેનામાં અસાધારણ ચેતનાનો વિકાસ થાય છે. તેને જીવનમાં ઉત્સાહ અને આનંદ વધુ પ્રમાણમાં મળવા લાગે છે. આધ્યાત્મિક પ્રગતિથી પ્રાણ શક્તિનો સંચાર થાય છે.આધ્યાત્મિક પ્રગતિ જીવનમાં શાંતિ અને સાચા સુખ માટે પરમ આવશ્યક છે.

જયારે તમે આધ્યાત્મિક પ્રગતિ કરી ચૂક્યાં હોવ છો ત્યારે નીચેના અનુભવો થાય છે:

  • તમે પોતાના જીવન અને બીજાના જીવનમાં એકરૂપતા જુઓ છો. બીજા લોકોને તમે વધુ સારી રીતે સમજવા લાગો છો. અન્ય લોકોના દુઃખથી પણ તમે બેચેન બની જાઓ છો.
  • તમને ભૌતિક વસ્તુઓમાં વધુ રુચિ રહેતી નથી. નામ અને રૂપ મિથ્યા લાગે છે. દુઃખ અને આર્થિક સમસ્યાઓને તમે ગણકારતાં નથી.
  • તમે ખોટી વાતોને આસાનીથી સમજી શકો છો, ભ્રમ અને માયા જાણી લો છો.
  • સાચો પ્રેમ ઈચ્છો છો, નકલી પ્રેમ કે વાતો તમને સંતોષ નથી આપી શકતી. સંસારિક કષ્ટ આવી પડે છે, પણ ઈશ્વરમાં રુચિ વધ્યાં કરે છે.
  • તમે એકલતા અનુભવો છો, તમને ભીડ અને ખોટી શો-બાજી ગમતી નથી.
  • તમે અર્થપૂર્ણ અને સાચું જીવન ઈચ્છો છો, દુઃખ પડે તો પણ સત્યને જ ચાહો છો.
  • તમે જીવનમાં સત્ય અને ઉદ્દેશ માટે તત્પર રહો છો, જ્ઞાન અને ગુરુની સતત ખોજ રહે છે.
  • તમે ખરા દિલથી બોલવા ઈચ્છો છો.

ઉપર જણાવેલ બાબતો ઘણા આધ્યાત્મિક વ્યક્તિઓના જીવનમાં લગભગ સમાન જ રહી છે.આધ્યાત્મિક રૂચિ હોવી એ એક શક્તિ છે,આધ્યાત્મિક વ્યક્તિઓમાં બીજાના જીવનમાં પ્રાણ પુરવાની શક્તિ હોય છે. માટે જ આપણે ત્યાં સંતો અને મહાત્માઓના આશીર્વાદ લેવાનો રીવાજ છે. જેમ જેમ મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કરે છે ત્યારે તે પોતે અને અન્ય લોકોના જીવનમાં સંતોષ અને શાંતિ આપવા લાગે છે.

આધ્યાત્મિક પ્રગતિ માટે આ શબ્દો હંમેશા યાદ રાખશો:

“હું એક પવિત્ર આત્મા છું. હું શરીર નથી. હું ઊર્મીઓનો અતિરેક નથી. હું વિચારોનું વમળ નથી. હું અનિયંત્રિત મન નથી. હું મારા મનનો માલિક છું, હું આત્મા છું. હું પરમ પવિત્ર ઈશ્વરનું આધ્યાત્મિક બાળક છું. હું પવિત્ર ચેતનામય, પવિત્ર પ્રેમ અને પવિત્ર ઉર્જાનો અનુભવ છું. હું હંમેશા ઈશ્વરની સાથે છું અને ઈશ્વર હંમેશા મારી સાથે છે. આ મારો દ્રઢ વિશ્વાસ અને પવિત્ર શ્રદ્ધા છે. એ હું જ છું.”

હિન્દુ ધર્મનું ફલક વિશાળ છે, હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક વિકાસ માટે શું નિર્દેશ છે? હિંદુ ધર્મ મુજબ આધ્યાત્મિક વિકાસ માટે તમારે રોજ કોઈ મોટી ઉપાસના કે પૂજામાં બેસવાની જરૂર નથી. હિંદુધર્મના બધા ગ્રંથોના સારરૂપ અને આધ્યાત્મિક વિકાસ માટે સરળ સૂત્ર રજૂ કર્યા છે, તમે રોજ આ સૂત્રોને યાદ કરીને તમારી આધ્યાત્મિક ચેતનાને ઓર બળવાન કરી શકશો. આ સુત્રો પર સતત મનન કરશો તો તમને શાંતિનો અનુભવ થશે જ. હિન્દુત્વનો આધાર નીચેના વિચાર અને માન્યતાઓ પર રહેલો છે:

  • દરેક જીવને મદદ કરવી.
  • કર્મ અને કર્મના સિદ્ધાંતમાં પૂર્ણ શ્રદ્ધા હોવી.
  • ધર્મનું અનુસરણ કરવું. (સાચું આચરણ કરવું)
  • સમય અનુસાર જીવન ચાલે છે અને કર્મો અનુસાર જન્મ મરણ થાય છે, પુનઃજન્મ અને પુનઃમૃત્યુના સિદ્ધાંતમાં પૂર્ણ શ્રદ્ધા.
  • વેદ, ઉપનિષદ, પુરાણ, શ્રીમદભગવદ્ ગીતા વગેરેમાં પૂર્ણ શ્રદ્ધા હોવી.
  • સત્યની શક્તિ અને પોતાના આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા હોવી.

 

નીરવ રંજન