ધનતેરસઃ માતા લક્ષ્મીને રીઝવો આ રીતે

દીવો એ દીવાળીના પર્વ સાથે જોડાયેલું તત્વ છે. દીવાળીમાં દીપ પ્રગટાવવાનું ખુબ મહત્વ છે. અને એટલા માટે જ દીવાળીને દીપોત્સવી તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘબારસ બાદ આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે. ત્યારે આજે chitralekha.com પર જાણીશું ધનતેરસના પર્વનું મહત્વ અને જાણીશું કે કેવી રીતે કરવી ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પૂજા.

ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શ્રી સુક્તમના પાઠથી શ્રીયંત્ર પર કુમકુમનો અભિષેક કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવા, અને ઘરમાં રાખેલા ધનની પૂજા કરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરવી જોઈએ. ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવા માટે લક્ષ્મીકમલા મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. લક્ષ્મીકમલા મંત્ર  લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને તેની સાધનાથી આર્થિક લાભની સાથે નોકરી અને વ્યવસાયમાં પણ ઉન્નતી થાય છે. આ ઉપરાંત દરિદ્રતા નિવારણ માટે લક્ષ્મીદશાક્ષર, ઇન્દ્રદેવે કરેલી સિદ્ધ લક્ષ્મીમંત્ર પ્રયોગ સાધના, અને ચતુર લક્ષ્મી બીજ મંત્રનો પ્રયોગ કરવો જોઇએ. આ ઉપરાંત કુબેર યંત્રની પ્રતિષ્ઠા કરવાથી પણ ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભારતમાં કુબેર દેવના મંદિર કે પૂજાસ્થાન ઓછા હોવાથી કુબેરદેવની પૂજાનો અવસર ખાસ મળતો નથી. આ વખતે ધનતેરસના શુભ દિવસે લક્ષ્મી પૂજન સાથે કુબેર યંત્રની પ્રતિષ્ઠા અને પૂજન-અર્ચન ખાસ કરવું જોઇએ. કુબેરયંત્રની પ્રતિષ્ઠા-નિયમિત પૂજનથી કુબેર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી જીવન ધાન્યથી સમૃદ્ધ બને છે અને વેપાર-ધંધામાં સફળતા મળે છે તો આ સિવાય નોકરીયાત વર્ગને પણ પ્રગતીની પ્રાપ્તિ થાય છે.

ધન શબ્દ સમૃદ્ધી સાથે જોડાયેલો શબ્દ છે અને તેરસનો અર્થ થાય તેરમો દિવસ. ધનતેરસના દિવસે માતાજીના પગના ચિન્હો ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને સંધ્યા સમયે તેર દીપક પ્રગટાવી તમની પૂજા કરવામાં આવે છે. લોકવાયકા અનુસાર આ પ્રકારે દીપક પ્રજ્વલીત કરીને પૂજા કરવાથી અકાળ મૃત્યુના ભયથી પરિવારને મુક્તિ મળે છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં કિસાન ધનતેરસના દિવસે ગાયો અને પશુઓનું પૂજન કરવામાં આવે છે કારણકે તેમના માટે પોતાની સમૃદ્ધીનું માધ્યમ પોતાના પશુઓ છે. તો ધનતેરસા દિવસે યમુના સ્નાન કરવાની પણ વિશેષ પરંપરા છે. ધનતેરસના દિવસે સવારે સ્નાન આદિ નિત્યક્રમ બાદ આસન ગ્રહણ કરીને ઇષ્ટદેવની જમણી બાજુએ ઘીનો દીવો અને ડાબી બાજુએ તેલનો દીવો પ્રજ્વલીત કરીને પૂજા કરવી. આ દિવસે માં મહાકાળી, માં મહાસરસ્વતી, અને માં મહાલક્ષ્મીનો મંત્રજાપ કરવો અને આ સાથે જ મૃત્યુંજય મહામંત્રના જપ, હનુમાન ચાલીસાના પાઠ, ગણપતિની સ્તુતિ, ઠાકોરજીની સ્તુતિ, જય મંગલાના પાઠ, નવકાર મંત્ર અને પ્રાર્થના કરવાથી આરોગ્ય, આયુષ્ય, સંપત્તિ અને સૌભાગ્ય સુખમાં વધારો થાય છે.

ભગવાન ધનવન્તરિની પૂજાનું વિશેષ મહત્વ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ભગવાન ધન્વંતરિ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. વેદો અને પૂરાણોમાં ભગવાન ધન્વંતરિ આયુર્વેદના ભગવાન અને દેવતાઓના વૈદ્ય તરીકે ઉપસ્થિત છે.  આસો મહિનાની તેરસના દિવસે ધનતેરસનો દિવસ આવે છે. હિંદુ સંસ્કૃતી અનુસાર ધનતેરસના દિવસે ઘરની બહાર લોટમાંથી બનાવેલ દિવો પ્રગટાવવાનું મહત્વ છે.

શ્રીમદ ભાગવત પુરાણના એક પ્રસંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ સમુદ્ર મંથન મનદાર પર્વતને મથનીના રૂપમાં અને વાસુકી નાગને દોરીના રૂપમાં પ્રયુક્ત કરીને કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથનમાંથી અનેક રત્નો નિકળ્યા, અને આ રત્નોની સાથે આરોગ્યના દેવતા ધન્વંતરિનું પ્રાગટ્ય થયું હતું. અને એટલા માટે જ ધનતેરસના દિવસને ધન્વંતરિ તેરસ અથવા તો ધન્વંતરિ પણ કહેવામાં આવે છે. મહાભારત, અગ્નિપુરાણ, વિષ્ણુપુરાણ, હરિવંશપુરાણ, અને બ્રહ્મવૈવર્તપુરાણ સહિતના પુરાણોમાં આનું વિશેષ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે.

ભગવાન ધન્વંતરિને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેમની ચાર ભુજાઓ છે. તેમની ઉપરની બે ભુજામાં શંખ અને ચક્ર છે અને બીજી બે ભુજાઓ પૈકી એક ભુજામાં જલુકા અને ઔષધ તેમજ બીજા હાથમાં અમૃત કળશ છે. ભગવાન ધન્વંતરિએ પૃથ્વિવાસીઓ માટે ચિકિત્સા શાસ્ત્રના જ્ઞાનનો પ્રસાર કરીને તેમના માટે ઓજસ્વી બની રહેવાનો માર્ગ બનાવ્યો છે. ભગવાન ધન્વંતરિને પિત્તળની ધાતુ અતિપ્રિય છે. અને એટલા માટે જ ધનતેરસના દિવસે પિત્તળની વસ્તુની ખરીદી કરવાની પણ પ્રાચિન અને વિશેષ પરંપરા છે. તો ચાંદીને કુબેરની ધાતુ માનવામાં આવે છે અને ચંદ્રમાનું પ્રતિક ચાંદી જીવનમાં શીતળતા પ્રદાન કરે છે.

યમરાજાનુ વરદાનઃ દીપદાન કરવાથી થશે આયુષ્યની પ્રાપ્તિ

એક પૌરાણીક કથા અનુસાર યમરાજાએ એકવાર પોતાના યમદુતને સવાલ કર્યો, કે યમદુત હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વિલોકમાં મોકલું છું, શું તને ક્યારેય કોઈના પ્રાણ હરતા દુઃખ નથી થતું? યમદુતે યમરાજાને જવાબ આપ્યો કે પ્રભુ એકવખતે મને એક વ્યક્તિના પ્રાણ હરતા ખુબ થયેલું પણ શું કરૂં પ્રાણ કરવા એ મારૂં કર્મ છે અને તે મારાથી ચૂકાય નહી.

યમરાજાએ યમદુતને કહ્યું કે યમદુત, એ પ્રસંગ મને જણાવો. યમદુતે યમરાજાને કહ્યું કે પ્રભુ, એકવાર એક યુવાનના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધનતેરના દિવસે મારે તેના પ્રાણ હરવા પડ્યા હતા. અને હસતા ખેલતા પરિવારનો દીપક જ્યારે તે દિવસે મારે ઓલવવો પડ્યો ત્યારે મને ખુબ જ દુઃખ થયું હતું. યમદુતની વાત સાંભળતા જ યમરાજાએ મનુષ્યોને વરદાન આપ્યું હતું કે જે મનુષ્ય ધનતેરના દિવસે દીપદાન કરશે અને દીપક પ્રગટાવશે તેના જીવનનો દીપક ઓલવાશે નહી. આમ આજના દિવસે દીપમાલા પ્રગટાવનાર લોકોને યમરાજાએ ખુબ મોટું વરદાન આપ્યું છે.

સોનાની ખરીદીનું વિશેષ મહત્વ

શાસ્ત્રોમાં કહેવાયું છે કે સોનામાં માં મહાલક્ષ્મીજીનો વાસ છે. શ્રી સુક્તમમાં એક શ્લોક છે

“ॐ हिरण्य-वर्णां हरिणीं, सुवर्ण-रजत-स्त्रजाम्।
चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं, जातवेदो म आवह।।

શ્રી સુક્તમના આ શ્લોકમાં લક્ષ્મીજીને સુવર્ણમયી કહેવામાં આવ્યા છે. ધનતેરસના દિવસે ખરીદી માટે કોઈ મૂહૂર્ત જોવાની જરૂર નથી કારણ કે આજનો દિવસ સ્વયં શુભાતીશુભ અને પવિત્ર દિવસ છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ધાર્મિકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કે અનીતિ અને દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે અને તે લાંબો સમય સુધી ટકતી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.
ધનતેરસ એટલે ધેનુ તેરસ

ભારતવર્ષનાં વૈદિકકાળમાં વ્યક્તિની સંપતિનું મૂલ્ય ત્રણ પ્રકારે થતું હતું. એક જ્ઞાન, બીજો ધર્મ અને ત્રીજી ભૌતિક સંપતિમાં ગાય. વર્તમાન સમયમાં જેટલું કાગળની નોટનું મહત્વ છે એટલું જ મહત્વ વૈદિક કાળમાં અને પ્રાચીન સમયમાં ધેનુ અર્થાત ગાયનું હતું.સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન થાય કે ગાય માતાને સંપતિના મૂલ્યમાં શાં માટે આંકવામાં આવે છે ? તો તેના બે સામાન્ય કારણો છે. સામાન્ય રીતે બધાને એ વાતની તો ખબર જ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનધારી શા માટે કહેવાય છે. ઈન્દ્રનાં અભિમાનનું ખંડન કરવા માટે શ્રી કૃષ્ણએ લીલા કરી. બારેય મેઘખાંગા થતાં ગાયો અને ગૌપાલકોને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. ગાયોના રક્ષણ કરવા બદલ શ્રી કૃષ્ણને ગૌલોકના ઈન્દ્રનું પદ આપવામાં આવ્યું. પહેલાના સમયમાં ગાયોની નિત્ય પૂજા કરવાની વિશેષ પરંપરા હતી. આજે એ પરંપરા વિસરાઈ ગઈ છે. ધેનુ તેરસના દિવસે ગાય માતાનું પૂજન પણ ખૂબ મહાત્મ્ય ધરાવે છે. ગાય માતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે અને એટલે જ ગૌ પૂજનનું વિશેષ મહત્વ ભારતીય સંસ્કૃતિમાં રહેલું છે. ગૌ સેવા એ સર્વ ઐશ્વર્યદાતા છે.ધેનુ તેરસના દિવસે ગાય માતાની સાચી પૂજા કરવા માટે સંકલ્પ કરવો જોઈએ. એક તો પ્લાસ્ટિકનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. જેથી ગાય એને આરોગે નહી. બીજુ, ગૌ માતાની રક્ષા માટે સદા તત્પર રહેવું. ગાયને કતલખાને જતા રોકવા માટે દરેક ગૌપ્રેમીઓએે પ્રયત્નો કરવા જોઈએ. જો આટલું કરવામાંઆવે તો પણ નિત્ય લક્ષ્મીપૂજન સમાન છે. ગૌમુત્ર શ્રેષ્ઠઆયુર્વેદિક ઔષધિ છે. ગાયનું છાણ ખાતર તરીકે ખૂબજ ઉપયોગી થાય છે અને આ ખાતરના પ્રયોગથી ખેતીમાં શ્રેષ્ઠપરિણામો પણ મળ્યા છે. પંચગવ્ય એટલે કે ગાયનું દૂઘ, ધી, દહી, મૂત્ર અને છાણના પૂજાપાઠ સમયે સેવનથી તમામ પાપો નાશ પામે છે. અખાદ્ય પદાર્થ ખવાઈ ગયો હોય તો એ પાપમાંથી પણ મુક્તિ મળે છે.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)