મહાદેવની ઉપાસના માટે શ્રેષ્ઠ પ્રદોષ કાળ

0
3677

ગવાન સદાશિવ એ ભોળાનાથ છે. ભોળાનાથની કૃપા અનન્ય છે, તેઓ ભક્તોને ક્ષણભરમાં મુક્તિ આપનાર છે. જે ભક્ત પર ભગવાન ભોળાનાથની દ્રષ્ટિ પડી ગઈ તેનો બેડોપાર થયો સમજો. નવગ્રહો અને નભોમંડળ મહાદેવને આધીન છે. તેઓ પોતેજ સમય હોવાથી તેઓ ‘મહાકાલ’ કહેવાયા છે. બધી ગુપ્ત વિદ્યાઓ અને જ્ઞાનના સ્વામી જગતગુરુ મહાદેવ છે. બધું મહાદેવને આધીન હોવા છતાં ત્રણેય લોકના નાથ મહાદેવ સ્મશાન નિવાસી છે.ત્રિશૂલ, નાગ, ખપ્પર, ડમરું અને વ્યાઘ્ર ચર્મ તેમનો સમાન છે અને રાખ લગાડીને સમાધિમાં રહે છે, મહાદેવની લીલા ન્યારી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુની ઉપાસના માટે અગિયારસનું વ્રત ઉત્તમ મનાય છે. દરેક કૃષ્ણભક્ત અગિયારસના દિવસે ઉપવાસ રાખીને ભગવાન કૃષ્ણના ગુણો ગાઈને કૃષ્ણની કૃપા મેળવે છે. જેમ અગિયારસ કૃષ્ણ ભગવાનની ઉપાસના માટે છે તેમ મહાદેવની ઉપાસના માટે તેરસ છે. દરેક મહિનાની સુદ અને વદ બંને પક્ષની તેરસ તિથિએ પ્રદોષ કાળ હોય છે. એ ભગવાન શિવને રીઝવવાનો ઉત્તમ સમય હોય છે.મહાદેવના જે ભક્તો પ્રદોષકાળમાં ઉપાસના કરવા માગતાં હોય તેમણે દરેક મહિનાની તેરસ તિથિએ આ ઉપાસના કરવાની હોય છે. સૂર્યાસ્ત પછીનો પ્રથમ પ્રહર, આશરે સવા બે કલાક પ્રદોષ કાળ કહેવાય છે. શિવ ભક્તોમાં એવી માન્યતા છે કે પ્રદોષ કાળમાં મહાદેવ થોડા સમય માટે સમાધિમાંથી બહાર આવે છે. તે દરમ્યાન તેઓ પોતાના પ્રિય ભક્તોને સંભાળવા આતુર હોય છે અને તેઓ જલદીથી તેમના ભક્તોને ઇચ્છિત ફળ તત્કાળ આપે છે.

ચંદ્ર દેવને જયારે દક્ષ રાજાએ શ્રાપ આપ્યો હતો, ત્યારે શ્રાપને લીધે ચંદ્રનું શરીર ક્ષીણ થવા લાગ્યું હતું. ચંદ્રદેવ જયારે તેજહીન બન્યા ત્યારે તેમણે શ્રાપમાંથી મુક્તિ માટે મહાદેવની આરાધના કરી હતી. પૌરાણિક કાળમાં હાલનું જ્યાં સોમનાથ તીર્થ છે ત્યાં શિવલિંગ સમક્ષ ચંદ્રદેવે મહાદેવની આરાધના કરી હતી. ક્ષતિ પામેલ ચંદ્રને મહાદેવે પોતાના મસ્તક પર ધારણ કર્યો અને તેને શ્રાપથી મુક્તિ આપી. કહેવાય છે કે ચંદ્રને મહાદેવે પ્રદોષ કાળમાં જ વરદાન આપ્યું હતું.જે શિવ ભક્તો પ્રદોષ કાળમાં આરાધના કરવા માગતા હોય તેમણે તેરસની તિથિએ સવારમાં સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરીને આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ, દિવસ દરમિયાન શિવ મંદિરમાં દર્શન અને જપતપ કરવા જોઈએ. સંધ્યા સમયે પ્રદોષ કાળ પહેલા ફરીથી સ્નાનાદીથી શુદ્ધ થઈને ડમરાનું પુષ્પ, ધતુરો અને દૂધ લઈને મહાદેવને અભિષેક કરવો. દીવો ધૂપ પ્રગટાવીને શંકર ભગવાનને પ્રિય સ્તવન એકચિત્તે ગાવું જોઈએ. શિવમહિમ્ન સ્રોતના પાઠ કરવા જોઈએ. આ રીતે આરાધના કરીને પ્રસાદ વહેંચી અને પ્રદોષકાળ બાદ ઉપવાસ છોડવા જોઈએ. પ્રદોષકાળ પછી દિવસ દરમિયાન એકવાર આહાર લઇ શકાય. પરંતુ તેરસ દરમિયાન દિવસે પ્રદોષ પહેલાં ફળ અને દૂધ ખાઈને ઉપવાસ કરવા જોઈએ. આખા દિવસ દરમ્યાન મન મહાદેવની આરાધનામાં લાગેલું હોવું જોઈએ. દિવસ દરમ્યાન ‘ઓમ નમઃ શિવાય’ના જાપ કરતા રહેવું જોઈએ.જયારે સોમવાર હોય અને પ્રદોષ આવે તેને સોમપ્રદોષ કહે છે. સોમપ્રદોષ મનની ચિંતાઓ હરનાર અને ધનધાન્યથી સમૃદ્ધ કરનાર હોય છે. જયારે મંગળવાર હોય અને પ્રદોષ આવે ત્યારે ભોમપ્રદોષ કહેવાય છે, ભોમપ્રદોષ શરીરની વ્યાધિ હરનાર અને શત્રુઓ પર જીત આપનાર હોય છે. બુધવારે આવતો પ્રદોષ વિદ્યા, વાણી અને ભક્તિમાં ઉન્નતિ આપનાર હોય છે. ગુરુવારે આવતો પ્રદોષ જ્ઞાન અને સૌભાગ્યમાં વૃદ્ધિ આપનાર હોય છે. વૈભવ અને લક્ષ્મી વધારવા શુક્રવારે આવતો પ્રદોષ ઉત્તમ છે. નોકરી અને ધંધામાં શાંતિ માટે શનિ પ્રદોષ ઉત્તમ છે. રવિવારે આવતો પ્રદોષ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને કીર્તિ બક્ષનાર હોય છે. પ્રદોષએ શિવજીની કૃપા મેળવવા માટે ઉત્તમકાળ છે. મહાદેવની કૃપાએ બાણાસુર અને રાવણને ત્રણે લોકના શાસન મળ્યાં હતાં. ભગવાન વિષ્ણુને મહાદેવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને સુદર્શન ચક્ર આપ્યું હતું. દેવાધિદેવ મહાદેવને કૃપા ન્યારી છે.અહેવાલઃ નીરવ રંજન