વાઘ બારસઃ આજના દિવસે ગૌપૂજનનું મહત્વ…

દીવાળીનો તહેવાર આંગણે આવીને ઉભો રહ્યો છે. દીવાળી એટલે હર્ષ, હેત, અને સ્નેહની ઉજવણીનું પર્વ. દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસથી થાય છે. આજે વાઘ બારસ અર્થાત દીવાળીના પર્વની શરૂઆત છે. આજે chitralekha.com પર વાત કરીશું વાઘ બારસના પર્વની અને જાણીશું તેનું મહત્વ અને ધાર્મિક મહાત્મ્ય…

ગુજરાતમાં દીવાળીનો શુભઆરંભ વાઘ બારસના દિવસથી થાય છે. વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો આજે ગાય અને વાછરડાની પૂજા કરી તેમને અડદના વડા ખવડાવે છે અને એટલા માટે જ વાઘ બારસને ગોવત્સ એકાદશી પણ કહેવામાં આવે છે. સ્ત્રીઓ આજના દિવસે ઘરના ઉંબરાની પૂજા કરીને સુંદર રંગોળી બનાવે છે.

તો આ સીવાય વર્ષ દરમિયાન કોઈની સાથે કોઈપણ આર્થિક લેવડદેવડ હોય તો તેને આજના દિવસે પૂર્ણ કરવામાં આવે છે. આજના દિવસે વેપારીઓ પોતાના જુના ચોપડાના હિસાબોને પૂર્ણ કરીને નવા ચોપડાનું શારદાપુજન કરે છે. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારની લેવડદેવડ નથી થતી. અને ત્યાર બાદ નવા વર્ષે નવા ચોપડા ખરીદીને નાણીની લેવડદેવડ ચાલુ કરે છે.

આસો વદ બારસ વાઘ બારસ, વસુ બારસ, અને પોડા બારસના નામથી પણ ઓળખાય છે. ગુજરાત રાજ્યમાં પૂર્વ વિસ્તારના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આજના દિવસે કરતા હોય છે.

આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ “વસુ બારસ” છે, ‘વસુ’ એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે ગૌ માતા ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતાં.

અહેવાલ- હાર્દિક વ્યાસ