હાલની ગરમી વિશે પુરાણોએ કરી હતી ભવિષ્યવાણી

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ વર્ષે માર્ચથી જ ગરમીએ પોતાનો મિજાજ બતાવ્યો છે, પરંતુ અત્યારે જે ગરમી વધી રહી છે તેની વાત તો વર્ષો પહેલા પુરાણોએ કરી છે. આવો જાણીએ અત્યારે વધી રહેલી ગરમી વિશે પુરાણોએ લાખો વર્ષ પહેલા શું કહ્યું છે…

ભગવાન વેદવ્યાસ રચિત 18 પુરાણો પૈકીનું એક પુરાણ એવા વિષ્ણુ પુરાણમાં કળીયુગનું વર્ણન કરવામાં આવ્યું છે. કળીયુગના આ વર્ણનમાં અત્યારે જે ગરમી પડી રહી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, કળિયુગ જેમ જેમ અંત તરફ આગળ વધશે, સૃષ્ટિ પ્રલય તરફ વધતી જશે. જળપ્રલય પહેલા ગરમી સૃષ્ટિને વિનાશ તરફ લઈ જશે. ભગવાન વિષ્ણુ સૂર્યના સતરંગી કિરણોમાં સમાઈ જશે, જેનાથી ગરમી એટલી બધી વધી જશે કે ભયાનક અકાળની સ્થિતિ ઊભી થશે. આકાશમાંથી વરસાદનાં એક એક ટીપાં માટે લોકો તરસશે, પરંતુ આકાશમાંથી જળ નહિ વરસે અને અનાવૃષ્ટિથી ખેતીનો નાશ થઈ જશે.

વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરાયો છે કે એક એવો સમય આવશે કે નદીઓ, તળાવો, જળાશયો બધું જ સુકાઈ જશે. જળ વિના ધરતી ફાટવા લાગશે અને લોકો પાણીના એકએક ટીપા માટે તરસશે. પરંતુ અત્યારના સમયની કરૂણતાએ છે કે આપણે આપણા વડવાઓ દ્વારા કહેવાયેલું અથવા તો પુરાણોમાં કહેવાયેલી વાતોને માનતા નથી અને પરિણામે ખરાબ સ્થિતીનું નિર્માણ આપણે જાતે જ કરીએ છીએ.

વિષ્ણુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે પણ ત્રણેય લોક ગરમીથી તપવા લાગે છે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના મુખથી ઝડપથી શ્વાસ લે છે અને સંવર્તક નામનો મેઘ ઉત્પન્ન થાય છે અને આ સંવર્તક નામનો મેઘ 100 વર્ષ સુધી સતત વરસતો રહે છે, જેનાથી જળપ્રલય આવી જાય છે અને સમગ્ર સૃષ્ટિ જળમગ્ન થઈ જાય છે. આ રીતે સૃષ્ટિનો અંત થઈ જાય છે.

અત્યારનો મનુષ્ય એટલો હઠાગ્રહી બની ગયો છે કે તે કોઈની વાત માનવા તૈયાર નથી, શાસ્ત્રોએ કહેલી વાત હોય, પુરાણોએ કહેલી વાત હોય કે આપણા વડવાઓ કહીને ગયા હોય, આ કોઈ વાત આપણે લોકો માનતા નથી અને આપણું નુકસાન આપણે જાતે જ કરીએ છીએ અને દોષ અન્ય કોઈને આપીએ છીએ.

હજી સમય છે… અત્યારે જાગવાની જરૂર છે ભાગવાની નહી. અને જો અત્યારે ન જાગ્યા તો ચોક્કસ આપણે આપણી આવનારી પેઢીઓ માટે એક ખરાબ ભવિષ્યનું નિર્માણ કરીને જઈશું.

વિષ્ણુપુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે પાણી બચાવો, તો પાણી તમને બચાવશે…

અહેવાલ- હાર્દિક વ્યાસ