જીવનમાં શાંતિ પ્રાપ્તિનો સચોટ માર્ગ: ધ્યાનની પદ્ધતિઓ એક નજરે

ત સપ્તાહે દેશભરની ટીવી ચેનલો પર તમે જોયું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાલયની બરફીલી ધ્યાન ગુફામાં અમુક કલાક ધ્યાનસાધના કરી રહ્યાં હતાં. આખરે એ શું છે જે મનુષ્ય માત્રને ભીતર તરફ લઇ જવા તરફડે છે? જીવન ઘણીવાર એટલું ઝડપી ચાલવા લાગે છે કે વર્ષો ક્યાં પસાર થઇ ગયા તે પણ જો વિચારીએ તો નવાઈ લાગી જાય. આર્થિકઉન્નતિ પાછળ આજના માણસે દોડ લગાવી છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે નાની નાની ચીજોમાં જ જીવન સમાયેલું છે. રોગી મનુષ્ય એક એક દિનની મહોતાજ હોય છે, આપણે જયારે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે ભાગ્યે જ આપણે જીવનનો આભાર માનીએ છીએ, તેને માણવાની કોશિશ કરીએ છીએ, પરંતુ જેવી કોઈ મુસીબત આવી પડે ત્યારે આપણને જીવનનું મહત્વ સમજાય છે. ક્ષણો ભેગી થઈને જ જીવન બને છે.

આ જીવનને શાંતિથી માણવાનો એક સોનેરી ઉપાય છે, તે છે ધ્યાન. ધ્યાન કરશો એટલે મોંઘેરું જીવન આપોઆપ લંબાવા લાગશે.

ધ્યાનની રીતો:

ધ્યાનમાં કોઈ આખરી પડાવ નથી. નીચે જણાવેલ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા તમે ધ્યાનનો અનુભવકરી શકો છો. નીચે જણાવેલ પદ્ધતિઓ ગુરુગમ્ય જ રહી છે, ધ્યાનએ અનુભવની ચીજ છે, જેમ અનુભવ વધારે તેમ પ્રાપ્તિ વધુ.

કુંડલિની: ખૂબ આધાત્મિક એવા આ વિષયમાં સાત ચક્રો પર ધ્યાન ધરવામાં આવે છે.

ત્રાટક: કોઈ એક બિંદુ કે તસવીર પર તમે સતત ધ્યાન આપી રહ્યાં છો, ધ્યાનની આ રીત થોડી વિકટ પરંતુ મનને વશ કરનારી રીત છે. ત્રાટક કરનારની આંખમાં ગજબ શક્તિ હોય છે.

મંત્ર: એક મંત્રનું સતત ઉચ્ચારણ-રટણ કરવું, મંત્રના શબ્દે શબ્દને ધીરેધીરે લંબાવીને તેનો અનુભવ કરવો. મંત્ર ઉપર ધ્યાન ખૂબ જ ઉત્તમ રીત મનાય છે.

પ્રાણાયામ: અલગ અલગ રીતે શ્વાસનો અનુભવ કરીને તેને ગતિબદ્ધ અને લયબદ્ધ કરવો. પ્રાણાયામ ધ્યાન સાથે પણ થઇ શકે. પ્રાણાયામ અને ધ્યાન એકસાથે કરવાથી શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે.

મૌન: કોઈ પણ શબ્દ કે વિચારને શૂન્ય કરવો, માત્ર મૌન કરીને પણ ધ્યાન કરી શકાય.

તાંત્રિક ધ્યાન: તંત્ર છબીઓ ઉપર કે કોઈ દૈવીય શક્તિના સ્વરૂપ ઉપર ધ્યાન કરવું. તંત્રમાં અનેક રીતો છે, જેમ કે, તમારું શરીર નથી તેમ માનીને આંખો બંધ કરવી અને ધ્યાન કરવું.

વિપાસના: દરેકે દરેક ક્ષણે તમે જીવંત છો તેનો અનુભવ કરવાનો છે. તમે વર્તમાનમાં જીવી રહ્યાં છો, તમે કોઈ પણ ચીજ કે ઘટના પ્રત્યે કોઈ અભિપ્રાય નથી આપી રહ્યાં. ધ્યાનની આ રીતે ખૂબ જ લોકપ્રિય છે.

ઝેનપદ્ધતિ: શ્વાસ અને માત્ર શ્વાસ, પર્વતની જેમ તમે બેઠાં છો, દરેક ક્ષણે તમે તમારા શ્વાસને જ બચાવી રહ્યાં છો. કોઈ પણ ચીજ તમારું ધ્યાનભંગ ન કરે તેની માટે તમે જાગ્રત છો.

ચેતના અને ઓળખ: તમે જે કાઈ પણ કરી રહ્યાં હોવ, તેને એક ઓળખ આપો, વિચાર કરી રહ્યાં હોવ તો, હું વિચારી રહ્યો છું, જોઈ રહ્યાં હોવ તો હું જોઈ રહ્યો છું. કોઈ પણ હરકત બાબતે તમે ચેતન હોવા જોઈએ.

નેતિ નેતિ: દરેક ભાવ અને ઓળખને સમાપ્ત કરીને માત્ર આધ્યાત્મિક ચેતનામાં જીવવું. નામ અને સ્વરૂપ ગૌણ સમજવા, માત્ર ચેતના જ સત્ય છે.

હુંકોણ છું: માત્ર અનુભવ કરવાનો છે કે હું કોણ છું? શું હું શરીર છું? મન છું? ચેતના છું? આખરે હું કોણ છું? ધ્યાનની આ પદ્ધતિ તમારી સમજણ અને જીવનના ખરા અર્થમાં ખૂબ ઊંડાણ લાવે છે.

દ્રષ્ટા કે સાક્ષી ભાવ: તમારે ચેતનાનો અનુભવ કરવાનો છે, તમે કોઈ કાર્યના કરનાર નથી, જે થઇ રહ્યું છે તેને માત્ર અવલોકન કરવાનું છે. ધ્યાનની આ પદ્ધતિ તમને શાંતિ અને મનની અવિચારી ગતિથી રાહત આપે છે.

શૂન્યતા: બધું જ મતલબ વિનાનું છે, કોઈ પણ ચીજ કે ઘટના છેલ્લે અસ્તિત્વ ગુમાવે છે. કોઈ પણ પદાર્થ કે માહિતી છેલ્લે અર્થહીન બનીને જ રહે છે. બધું ભૂલી જાઓ, તમને ખ્યાલ આવશે કે ભળવું આસાન નથી. ધ્યાનની આ રીત ખૂબ સરળ પણ અટપટી છે.

હ્રદય પર ધ્યાન: તમારી અંદર ચાલતો અવાજ કે સંકેત તમારે ઓળખવાનો છે. તમે ધીરેધીરે જાણશો કે તમને હ્રદયના ધબકારા સ્પષ્ટ રીતે અનુભવાઈ રહ્યાં છે. આ જ તમે છો.

પ્રેમ અને શબ્દ પર ધ્યાન: તમારા ગુરુ કે ઈશ્વર પ્રત્યે તમે સમર્પિત છો. તમે તેમને દરેક ક્ષણે પ્રેમપૂર્વક યાદ કરી રહ્યાં છો. આ રીતથી જીવનમાં પ્રેમનો સંચાર થાય છે.

નીરવ રંજન