સુખનો માર્ગ સરળ છે: આ દસ વાતો હમેશા યાદ રાખો

સુખ શોધવાથી નથી મળતું. કારણ કે, સુખ તો આપણી અંદર જ રહેલું છે. દુઃખ દરેક જગ્યાએ મળશે જો અજ્ઞાન અને તૃષ્ણા હશે તો. ચીજો જેવી દેખાય છે, તેવી હોતી નથી. ઈતિહાસ કહે છે કે, ચક્રવર્તી રાજાઓ રાજપાટ છોડીને શાંતિની શોધમાં ચાલ્યા ગયા.સુખએ સાપેક્ષ વસ્તુ છે, છતાં તમારી પાસે જે છે, જો તમારે એ જ જોઈતું હોય તો તમે સુખી છો. અથવા તમારી પાસે જે નથી તે જ તમારે જોઈતું હોય તો તમે દુઃખી છો.

ઉદાર બનો, જીવનમાં તમે બીજી વ્યક્તિઓને સાચા હ્રદયે મદદ કરો. કોઈનાથી અપરાધ કે ભૂલ થાય તો તેને માફ કરો. ઉચ્ચ વિચારો અને બહુ ઊંચા માપદંડ સાથે જીવવું મુશ્કેલ છે. માટે જીવન સરળ બનાવો. સરળ વ્યક્તિ બનો.દરેકના જીવનનો એક દિવસ અંત આવવાનો છે, તે ક્યારેય ભૂલવું નહીં. બહુ સકારાત્મક કે બહુ નકારાત્મક બનવું નહીં. લોકો સકારાત્મકની પ્રશંસા કરે છે, પણ ખરેખર તો વાસ્તવિક જીવન જ મહત્વનું છે. ખોટા સુખની કલ્પનાઓ પણ મનુષ્યને દુઃખી કરી મુકે છે. વાસ્તવિક જીવન જીવો.

એકવાર એક જ્ઞાની, ભગવાન બુદ્ધ પાસે પહોંચી ગયા, તેમણે ભગવાન બુદ્ધને પરલોક અને આવનાર જન્મ વિષે સવાલો કર્યા. ભગવાન બુદ્ધએ શાંતિથી સાંભળ્યા, ભગવાન બુદ્ધએ કહ્યું, જ્યારે કોઈ મનુષ્ય તીરથી ઘાયલ છે અને તેનું મૃત્યુ તેને પોકારી રહ્યું છે, ત્યારે ત્યાં વૈધ દોડતો આવે છે. પેલો ઘાયલ વૈધને કહે છે કે ઉભા રહો, મારો ઈલાજ કરતા પહેલા મને કહો, આ તીર લોઢાનું છે કે તાંબાનું? તીર ક્યાંથી અને કેટલા વેગે આવ્યું છે? તીરની દિશા કઈ હતી? તીર કેટલા વાગ્યે આવ્યું? તમારી પાસે કોઈ પ્રમાણ છે? મોટા મોટા પ્રશ્નો લઈને ચાલતા આપણી પરિસ્થિતિ પણ કદાચ આવી જ છે?ચીજ-વસ્તુઓની પાછળ દોડશો નહીં, પણ જરૂરિયાતો તરફ ધ્યાન આપો. આ દુનિયામાં કેટલાય લોકો પાસે બધી ચીજો હોતી નથી, છતાં તેઓ જીવે છે.તકલીફોથી નિરાશ ના થાઓ, દરેક સાધુ આત્મા કેટલાય પ્રયત્નો અને તકલીફોને વેઠીને પોતાના મનને જીતે છે. સતત પ્રયત્ન કરો, પોતાના મનને જીતતા શીખો. લોકો પાસે અપેક્ષાઓ ના રાખો. તમે લોકોને જીતી નથી શકતા, સમ્રાટ અશોકને ચક્રવર્તી રાજા બનવું હતું, છતાં તે લોકોના હ્રદય ના જીતી શક્યો.

તમે બધાને પોતાના જેવા બનાવી ના શકો, પણ પોતે સુખેથી પોતાના સાચા વિચારોમાં જીવી શકશો. પૃથ્વી પર ગરમી પડે છે, ત્યારે ગરમીથી બચવા આપણે પગમાં ચપ્પલ પહેરીએ છીએ. આખી જમીનને ચપ્પલોથી નથી ઢાંકતા. પોતાની રક્ષા પોતે જ કરવી પડે છે.

મન કાબુમાં રહે એ બહુ મોટી શક્તિ છે, જેઓએ મનને કાબુમાં કર્યું તેમણે દુનિયાને કાબુમાં કરી લીધી. મનનો મૂળ સ્વભાવ શાંતિ અને સ્પષ્ટતા છે, એકવાર એક ગરીબ માણસ એક ઝુંપડામાં રહેતો હતો, તેને રોજ એક ટાઈમ ભોજન માટે પણ ઘણી વેઠ કરવી પડતી હતી. ચમત્કાર એ હતો કે એ ઝુંપડાની નીચે જ ધનનો ચરુ દટાયેલો હતો.પણ માણસ પોતાની અજ્ઞાનતાને લીધે તેને જાણી નહોતો શક્યો. આપણી પાસે પણ બુદ્ધિ છે, તેના દ્વારા ખોટા વિચારોને આપણે હટાવવા પડશે.

નીરવ રંજન