કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, દ્વારકાધિશના મંદિરે દર્શન કરવા જશે

0
1790

અમદાવાદ – કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં રાજકીય રીતે મહત્વ ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસ માટે આજે આવી રહ્યા છે. તેઓ આજે દ્વારકાથી આ પ્રવાસ શરૂ કરવાના છે. ત્યાં તેઓ જગપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં દર્શન કરવા જશે.

ત્રણ દિવસના રોકાણ દરમિયાન રાહુલ સૌરાષ્ટ્રમાં અનેક જાહેર સભાઓ યોજશે, રોડશો કરશે અને ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે વિચારવિમર્શ કરશે.

રાહુલ આજે સવારે 11.30 વાગ્યે દ્વારકા નજીકના મીઠાપુર પહોંચશે અને દ્વારકાધિશ મંદિરમાં દર્શન કરશે. ત્યાંથી તેઓ રોડમાર્ગે ખંભાળીયાથી આશરે 45 કિ.મી. દૂર આવેલા ભાટિયા ગામ જશે અને ત્યાં એક રેલીમાં પક્ષના કાર્યકર્તાઓ, સમર્થકોને સંબોધિત કરશે.

ખંભાળીયા તાલુકાના ગામોમાં તેઓ રહેવાસીઓને પણ મળવાના છે અને એમની સમસ્યાઓ સાંભળશે.

બપોરે રાહુલ જામનગર જિલ્લાના ખંભાળીયામાં કિસાનો અને માછીમારોને મળશે.

રાહુલ જામનગર શહેરમાં ચાંદી બજાર ખાતે વેપારીઓને મળવાના છે અને જામનગરમાં જ રાત્રિરોકાણ કરશે.

મંગળવારે તેઓ જામનગર જિલ્લાના ધ્રોલ જશે અને મોરબી જિલ્લાના વાંકાનેર જશે.

મંગળવારે સાંજે રાજકોટમાં તેઓ વેપારીઓને મળશે.

ત્રીજા દિવસે, રાહુલ ચોટિલા જશે અને ત્યાં ચામુંડા માતાનાં મંદિરે દર્શન કરવા જશે અને રાજકોટ જિલ્લાના જસદણમાં પણ જશે. રાજકોટ જિલ્લાના જેતપુર નજીકના કાગવાડ ગામમાં તેઓ કડવા પટેલ સમુદાયના લોકોને મળશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત છે. વિધાનસભામાં સૌરાષ્ટ્રના કૃષિસંપન્ન ભાગની 58 બેઠકો ઘણું મહત્વ ધરાવે છે. 2015માં આ વિસ્તારમાં યોજાઈ ગયેલી જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. તે આ વિસ્તારમાં 11 જિલ્લા પંચાયતમાંથી આઠમાં અંકુશ ધરાવે છે.