ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારયુદ્ધના મહાયોદ્ધાઓ…

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી પ્રજાના કાને પડી રહ્યાં છે. લોકશાહી ચૂંટણીની આગવી અદા પ્રચારકાર્ય સાથે સંકળાયેલી જોવા મળતી હોય ત્યારે જનરંજની કહો કે મનરંજની… પ્રચારમાં દમખમ તો હોવો જ જોઇએ તેની દરેક રાજકીય પક્ષના મોવડીઓ ચીવટ રાખી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી અને મહારાષ્ટ્રમાં ગજું ધરાવતી શિવસેના મેદાને ચૂંટણી જંગમાં ઉતરવાના હાકલા પડકારા વાગી રહ્યાં છે.કટોકટની સ્થિતિમાં એકએક બેઠક પર જેટલું હોય એટલું તમામ બળ, પૈસો અને દમ દેખાડી આપવા માટે પક્ષ દ્વારા વિવિધ પ્રચાર વ્યૂહ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધુ દારોમદાર મુખ્ય નેતાઓની સભાઓ દ્વારા મોટી સંખ્યામાં જનતાને પોતાના ત્રાજવે નમાવવાનો વ્યૂહ પણ છે. જાણવા મળ્યાં પ્રમાણે શાસક પક્ષ તરીકે ગુજરાતની ચૂંટણીમાં છઠ્ઠીવાર સત્તાસંગ્રામ ખેલી રહેલા ભારતીય જનતા પક્ષ માટે સ્ટાર પ્રચારક એકમેવ એવા નમો-નરેન્દ્ર મોદી જ રહેશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સત્તાવિરોધી લહેરની સાથે બેએક વર્ષથી ચાલી રહેલા એજન્ડાઓને લઇને ભાજપ આ વખતે જનતા સમક્ષ જવામાં ખચકાટ અનુભવી રહ્યો છે અને પ્રજાના તમતમતાં સવાલોના તીર ખમવા મુશ્કેલ લાગી રહ્યાં છે. ત્યારે 56ની છાતીવાળા તરીકે પ્રસ્થાપિત કરાયેલા નમોના ખભે ભાથું મૂકી તૂણીર ચલાવવાના છે. કેન્દ્રમાં ભાજપ સરકાર હોય ને કોઇપણ આગળપાછળના કારણોસર ગુજરાતમાંથી સત્તા ગુમાવવી ન પડે તે માટે ગુજરાત ભાજપ મોવડીમંડળ કોઇ ચાન્સ લેવા માગતું નથી. આ સંજોગોમાં જેમ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુપી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન રાતદિવસ એક કાર્યકર્તાની ઢબે રેલીઓ પર રેલીઓ સંબોધતાં, ફરી વળતાં જોયાં હતાં તેવો લહાવો ગુજરાતની જનતાને પણ આ ચૂંટણીમાં મળવાનો એ નક્કી થઇ ગયું છે. એકલા નરેન્દ્ર મોદી જ ગુજરાતમાં ઓછામાં ઓછી ત્રીસેક જાહેરસભામાં નાનોમોટો ભાગ લેશે. આ જોતાં ભાજપ દ્વારા ગુજરાતની ભાજપ સરકાર કરતાં એકલા નમોની કામગીરીનો આધાર પ્રચાર દરમિયાન લેવામાં આવશે.

ભાજપ કોર કમિટીની ચૂંટણી પ્રચારકોની યાદીમાં સ્ટાર પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી સ્વાભાવિક જ પહેલે નંબરે છે. જાહેરસભામાં પ્રજા સમક્ષ લઇ જવાની સફળતાઓ પણ મોદીની સફળતાઓ તરીકે ફ્રેમ થશે અને ગુજરાત ભાજપના નેતાઓને કેન્દ્રબિંદુમાં રાખતી જાહેરાતો નગણ્ય પ્રમાણમાં રહેશે તેમ નક્કી કરાયું છે. ‘હું મોદીનો માણસ છું’ એવી એડ કેમ્પેઇન પણ ચલાવાશે. ભાજપ એટલે નરેન્દ્ર મોદી  એમ પક્ષના કેટલાક મોટા નેતાઓ મોઘમ કહેતાં હોય છે અને વિપક્ષ બૂમબરાડા પાડી નમોની તાનાશાહીના નામે આ મુદ્દો ચડાવે છે. ત્યારે આ વાત વાજતેગાજતે છીંડે એટલે કે પોસ્ટરોમાં ચડવાની છે.એમ તો ચૂંટણી પ્રચારકોની સ્ટાર યાદીમાં બીજા કેટલાક લોકભોગ્ય નેતાઓ અને ક્રમાનુસારી નેતાઓને સભાઓ સંબોધવાનો મોટો મોકો આપવામાં આવનાર છે. જેમાં અભિનેત્રી-કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાની, અભિનેતા-સાંસદ પરેશ રાવલ સહિત કેટલાક ફિલ્મી હસ્તીઓને પણ ભાજપ માટે કામે લગાડાશે.

કોંગ્રેસ માટે તો અત્રતત્રસર્વત્ર આરજી-રાહુલ ગાંધીની સભાઓ કેન્દ્રમાં રહેશે. વિધાનસભા સ્તરની ચૂંટણીમાં કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે કેન્દ્રીય નેતાગીરી આવતીજતી ભૂમિકા ભજવતી એની જગ્યાએ આ વખતે અમેરિકા જઇને નવી પોલિસી સાથે મેકઓવર પોલિસીનો અમલ કરી રહેલા રાહુલ ગાંધી અને તેમની ગૂડબૂકમાં શામેલ નેતાઓ ગુજરાતની જનતા કોંગ્રેસ લાવે છે તેવા આશાવાદ સાથે જોમથી પ્રચારકાર્ય કરવાની છે. કોંગ્રેસમાં સેન્ટ્રલાઇઝ લીડરશિપનું અનુશાસન છે એટલે પ્રદેશકક્ષાના કોઇ નેતા એકલા ચાલો રેમાં માનતાં નથી એ કારણે પ્રચાર સમરાંગણમાં રાહુલ અને તેઓ જેને ઇચ્છશે તેમની સભાઓ યોજાશે.

એમ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પટમાં ખુલ્લંખુલ્લાં દેશની લોકશાહી ધરીના બે મહામનાઓને બાથ ભીડતાં જોઇ શકાશે. 2019ની સંસદીય ચૂંટણીનું મધ્યાંતર અને મોદીના હોમ ટાઉન ગુજરાતમાં 2017ની ચૂંટણી જીતી જવાના સીધા રસ્તા એવા પ્રચારસભાઓમાં બે પક્ષ નહીં, વિચારધારાઓ ટકરાવાની છે. ટંકાર થઇ ચૂક્યો છે અને રણબંકા ભાષણવિદો તેમની લેખિની સજ્જ કરી રહ્યાં છે. મતદાતાઓને પણ લાગવું તો જોઇએને કે તેઓ જ સરકારના માઇબાપ છે!

અહેવાલઃ પારુલ રાવલ