મતદાનની ગુપ્તતા જળવાય તે માટે નવી ડિઝાઈનની મતકુટિર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદારોમાં મતદાન અને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ માટે જાગૃતિ આવે તે અંગે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ તથા યુવા મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ફેસબૂક અને ટ્વીટર જેવા સોશિઅલ મીડિયાના માધ્યમ થકી વૈવિધ્યસભર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.ગુજરાતના યુવાનોમાં રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા એક પ્રખ્યાત નામ છે. ગુજરાત ચૂંટણી તંત્રનાં સ્ટેટ આઈકોન ચેતેશ્વર પૂજારા દ્વારા તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી-૨૦ મેચના પ્રારંભે સ્ટેડિયમ પર ઉપસ્થિત અંદાજે ૪૦ હજાર જેટલાં પ્રેક્ષકોને મતદાન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ૫૦ લાખ જેટલાં વિદ્યાર્થીઓને સંકલ્પ પત્રની વહેંચણી કરવામાં આવી રહી છે. આ સંકલ્પ પત્ર બે પાનામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મતદાર યાદીમાં નામ નોંધણી, કુટુંબના બધા મતદારોને કોઈપણ જાતની લાલચ-દબાણમાં આવ્યા વગર મતદાન કરવા તેમજ જો કોઈ ઉમેદવારને મત આપવા ન ઈચ્છતા હોય તો નોટાનો ઉપયોગ કરવા અંગેની જાણકારી આપવામા આવી છે. શાળાઓમાં આ સંકલ્પ પત્રની વિદ્યાર્થીઓને સમજૂતિ આપીને તેમના વાલીને સંકલ્પ લેવડાવવા માટે ઘરે લઈ જવા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા આ સંકલ્પ પત્ર તેમના માતા-પિતાને વંચાવી, સહી કરાવીને શાળાને પરત આપશે. સંકલ્પ પત્ર સાથેના ઈવીએમ-વીવીપેટનુ ફોટા સહિત માર્ગદર્શન દર્શાવતા પાનાને પોતાના કુટુંબીજનોની જાણકારી માટે પોતાની પાસે રાખશે. આ સંકલ્પ પત્રના માધ્યમથી રાજ્યના ૫૦ લાખ પરિવારો સુધી ઈવીએમ-વીવીપેટ અંગેની જાણકારી તેમજ નૈતિક મતદાન કરવાની પ્રેરણા મળશે. આ ઉપરાંત, રાજ્યનાં ૩૩ જિલ્લાઓમાં અંદાજે ૭૫ લાખથી વધુ પરિવારોને ઈવીએમ અને વીવીપેટ અંગેની જાણકારી આપતાં પેમ્ફ્લેટનું વિતરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

મતદાર જાગૃતિ માટે ચૂંટણી તંત્ર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ એવા યુટ્યુબ, ટ્વીટર અને ફેસબુક પર ચૂંટણી તંત્રના એકાઉન્ટ સક્રિય કરવામાં આવ્યા છે. જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં મતદારો મતદાન માટે વધુ જાગૃત બને તે અંગે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા ગુજરાત વીલ વોટ (Gujarat will vote) નામનું સ્લોગન સોશિયલ મીડિયા પર વહેતુ કરવામાં આવ્યુ છે. તદઉપરાંત, યુવા મતદારોને આકર્ષિત કરવા વિવિધ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવે છે. ચૂંટણી તંત્રના પ્રયાસોને ૧૫ લાખ જેટલાં સોશિયલ મીડિયાના ઉપયોગકર્તાએ પસંદ કર્યુ છે.

પોસ્ટલ બેલેટથી ઝડપી મતદાન કરી શકે તે હેતુથી ઈટીપીબીએસ(ETPBS) પ્રણાલી અમલી

મતદાર યાદીના છેલ્લા ભાગમાં નોંધાયેલા મતદારો એટલે કે સશસ્ત્ર દળો- અન્યમાં રાજ્યોમાં ફરજ બજાવતાં ગુજરાતના સશસ્ત્ર પોલીસ દળ કે ભારત સરકાર હેઠળના દુતાવાસોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી-અધિકારીઓ પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપતા હોય છે. પોસ્ટલ બેલેટથી મત આપવાની પદ્ધતિમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને સરળ, પારદર્શક અને ઝડપી બનાવવામાં આવી છે. ભારતનાં ચૂંટણી પંચ દ્વારા વિકસીત કરવામાં આવેલી ETPBS એક ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. ETPBS એટલે કે ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ. આ નવીન પ્રણાલીનો ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉપયોગ કરવામાં આવશે.

આ પ્રણાલીમાં ચૂંટણી અધિકારી અગાઉથી પૂરા પાડેલ યુઝર આઈ.ડી. અને ઓટીપી(OTP)ના ઉપયોગથી મતદારનો વિસ્તાર, મતદાનની તારીખ, કચેરીનું સરનામુ, હરિફ ઉમેદવારો સંબંધી આવશ્યક માહિતીઓ દાખલ કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમથી પોસ્ટલ બેલેટ પેપરની ડિલીવરી કરશે. રેકર્ડ ઓફિસના માધ્યમથી મેળવેલ પાસવર્ડનો ઉપયોગ કરીને સેવા-મતદાર આ પોસ્ટલ બેલેટને ડાઉનલોડ કરીને પ્રિન્ટ મેળવશે અને પોસ્ટલ બેલેટ પેપર પર મત આપ્યા બાદ જરૂરી નિશાની કરીને તેને સીલબંધ કવરમાં જે તે ચૂંટણી અધિકારીને સ્પીડ પોસ્ટ મારફત મોકલી આપશે.

મતગણતરીનાં દિવસે ચૂંટણી અધિકારી દ્વારા આવા પરત મળેલા કવરોની QR CODEની મદદથી સ્કેન કરીને અધિકૃતતા ચકાસ્યા બાદ મતગણતરી કરવામાં આવશે.

આ પ્રણાલી પારદર્શક અને ઝડપી છે.  ફક્ત એક જ ક્લીક દ્વારા એક સાથે તમામ સેવા-મતદારોના પોસ્ટલ બેલેટ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મોકલી શકશે. જેથી છાપકામ અને વ્યક્તિગત ધોરણે ટપાલથી મતપત્ર મોકલવાની જરૂર રહેશે નહીં. પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે. દરેક તબક્કે પાસવર્ડ અને ઓટીપીના ઉપયોગને કારણે અધિકૃતતા જળવાશે, તેથી આ પદ્ધતિ સંપૂર્ણ રીતે સલામત છે. સેવા મતદારોને સમયમર્યાદામાં ટપાલ મારફત મતપત્ર નહીં મળવાની સંભાવના નાબૂદ થશે. ઈટીપીબીએસથી સેવા-મતદારો દ્વારા મતદાનની ટકાવારી અપેક્ષા કરતાં વધુ રહેવાની સંભાવના છે.

મતદારોની સુવિધા માટે નવીન ડિઝાઈન ધરાવતી મતકુટિરમતદાનના દિવસે મતદાર જ્યારે મત આપવા માટે આવે ત્યારે મતદાનની ગુપ્‍તતા જળવાય તે માટે નવા પ્રકારની મતદાન કુટિર બનાવવામાં આવી છે. અગાઉ કાર્ડબોર્ડની બનાવેલી મતકુટિરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ મતકુટિરના ઉપયોગ અંગે એક સમાનતા અને ગુપ્તતા જળવાય તે હેતુથી ભારતના ચૂંટણી તંત્ર દ્વારા નવેસરથી સુચનાઓ આપવામાં આવી છે.

નવી વ્‍યવસ્‍થા પ્રમાણે મતકુટિર સ્‍ટીલ ગ્રે કલરમાં બનાવવામાં આવશે. તે અપારદર્શક અને ફરી ઉપયોગમાં લઇ શકાય તેવી હશે. આ મતકુટિરની ત્રણ બાજુઓ રહેશે. જેનુ માપ ૨૪” * ૨૪’’ * ૩૦* (લંબાઇ *પહોળાઇ*ઉંચાઇ) હશે. મતકુટિરની સામેની બાજુ ભારતના ચૂંટણી પંચનુ પ્રતિક, રાજ્યનું નામ, મતવિભાગનું નામ,  ચૂંટણીની તારીખ, મતદાન મથકનો નંબર અને નામ વગેરે છપાયેલા હશે. જ્યારે બાકીની બે બાજુ ઉપર ચૂટણી પંચનું પ્રતિક અને “ ELECTION COMMISSION OF INDIA- VOTING COMPARTMENT’’  એ પ્રમાણે લખાણ હશે. મતકુટિરની પહોળાઇ એ રીતે નક્કી કરવામાં આવી છે કે તેમાં એક BU અને એક  VVPAT  સમાઇ શકે. આમ છતાં જો કોઇ વિધાનસભા મતવિભાગમાં ૧૫ કરતા વધુ ઉમેદવારો થાય તો બે BU નો ઉપયોગ કરવાનો થશે.બે લાખથી વધુ પોસ્‍ટર્સ, બેનર્સ સહિત દિવાલ પરના લખાણો દૂર કરાયા

ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્‍લાઓમાં ૦૭-૧૧-૨૦૧૭ની સ્થિતિએ જાહેર મિલકત પરથી ૧,૮૫,૯૮૭ અને ખાનગી મિલકત પરથી ૧૮,૪૪૯ એમ કુલ-૨,૦૪,૪૩૬ જેટલા પોસ્‍ટર્સ, બેનર્સ અને દિવાલ પરના લખાણો હટાવવામાં-દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણીને મુક્ત, ન્યાયી અને પારદર્શક બનાવવા રાજ્યના તમામ જિલ્લાઓના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓને સજાગ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કાયદો અને વ્‍યવસ્‍થા અંગે ચૂંટણી તંત્ર દ્વારા લીધેલા પગલાં

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં કુલ ૫૬,૪૦૬ પરવાનેદાર હથિયાર ધારકો છે. જે પૈકી જિલ્‍લા કલેકટરના અધ્યક્ષપદે રચાયેલી સ્‍થાનિક રિવ્યુ કમિટિ દ્વારા સમીક્ષા બાદ કુલ-૪૩,૫૬૦ પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે, જ્યારે ૨૯૬ પરવાના રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ચૂંટણી સંબંધી તકેદારીના પગલાંના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કુલ-૨૭,૭૦૦ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત, રાજ્યમાં અસુરક્ષા ઊભી કરે તેવા ૬૧૩ વ્યક્તિઓ સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમા તંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂ.૬.૩૮ કરોડની કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂ. ૯.૦૭ લાખની કિંમતનો દેશી દારૂ તેમજ રૂ. ૭.૯૧ કરોડની અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. ૧૪.૩૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ૭૩૬૬ વ્યક્તિઓની ધરપકડ કરવામા આવી છે.

આચારસંહિતા અંગેની મળેલી કુલ ૩૦ રજૂઆતો પૈકી ૯નો નિકાલ

રાજ્યભરમાંથી વિવિધ સંસ્થા-અરજદારો દ્વારા આચારસંહિતા અંગેની ૩૦ રજુઆતો મળી છે. જેમાંથી ૯(નવ) રજૂઆતોનો નિકાલ કરવામા આવ્યો છે. જ્યારે અન્ય રજૂઆતોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.