જૂનાગઢઃ ચૂંટણી પહેલાં નીકળ્યા વિજય સરઘસ…

(અહેવાલઃ જ્વલંત છાયા – રાજકોટ)

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી જુલાઈએ યોજાવાની છે. પહેલાં એક બીજાનો અપપ્રચાર કર્યા પછી હવે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જો કે કૌતુક લાગે એવી ઘટના તો એ બની કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 3 બેઠક તો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. અન્ય ત્રણ બેઠકના ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચ્યા છે. આમ તો અત્યારે ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે, પણ બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોએ તો મંગળવારે વિજય સરઘસ પણ કાઢ્યું હતું. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી જુલાઇએ યોજાવાની છે. કુલ 15 બેઠક પર કોંગ્રેસ-ભાજપના 60-60 અને એનસીપીના 27 તથા સીપીએમ અને અપક્ષ એમ કુલ 288 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પણ મતદાન પહેલાં જ કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

છેલ્લા દિવસે આ કાર્યવાહી થતાં હવે કોંગ્રેસ અન્ય ઉમેદવાર મૂકી પણ ન શકે એટલે ભાજપના ઉમેદવારોએ હારતોરા સાથે વિજય સરઘસ પણ કાઢ્યું હતું. ઉપરાંત વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ભાવના બહેન ટાંક, વોર્ડ નંબર 9ના હાજાભાઈ કટારાએ પણ ઉમેદવારી પરત લઇ લેતાં ત્યાં પણ ભાજપ માટે માર્ગ મોકળો થયો હતો.

હવે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 14 વોર્ડની 56 બેઠક પર 159 ઉમેદવારો વચ્ચે જંગ રહેશે.

ચૂંટણીના ઉમેદવારના નામ જાહેર થયાં એ પછી ભાજપમાં થોડો સમય થોડો ચણભણાટ ચાલ્યો હતો પરંતુ કોઇ મોટા રાજકીય પડઘા પડ્યા નથી. જેમને ટિકિટ ન મળે એ કોઇ પણ આક્ષેપ કરે એ સ્વભાવિક છે. ગત પાંચ વર્ષમાં ભાજપના પદાધિકારીઓ વિવાદમાં પણ સપડાયા હતા. એની ચર્ચા શરૂઆતમાં થઇ. જો કે જે આક્ષેપ થયા એમાં પાર્ટી માટેની નારાજગી કરતાં પોતાની અપેક્ષા સંતોષાઇ ન હોય એટલે વિરુધ્ધમાં બોલી નાંખવું એવું વલણ પણ જોવામાં આવ્યું છે.

દેશભરમાં જે વાતાવરણ છે એ જોતાં જૂનાગઢમાં ભાજપને વાંધો આવે એવી કોઇ શક્યતા નથી. લોકસભાની સુરેન્દ્રનગરની બેઠકને રાજકીય પંડિતો છેવટ સુધી ભાજપ માટે જોખમી માનતા હતા. પણ ત્યાં ભાજપનો ભવ્ય વિજય થયો. જૂનાગઢની ચૂંટણીની જવાબદારી પણ પક્ષે સુરેન્દ્રનગર બેઠકના સફળ સુકાની, પ્રદેશ અગ્રણી અને નિતિન ભારદ્વાજને આપી છે. ટિકિટ ફાળવણીથી લઇને હવે પછીની તમામ વ્યૂહરચના માટે એ સક્રિય છે. એમણે કહ્યું પણ છે કે ભાજપે મેરિટ પર જ ઉમેદવાર જાહેર કર્યા છે.

કોંગ્રેસમાં દર વખતની જેમ અસંતોષ છે. શહેર કોંગ્રેસના પ્રમુખ વીનુ અમીપરાએ ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાના આક્ષેપ સાથે રાજીનામું આપી દીધું છે તો બે કોર્પોરેટરે પોતાને ટિકિટ ન મળતાં એનસીપીની છાવણીમાં જઇને ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. એટલે આમ તો એનસીપી જુનાગઢની ચૂંટણીમાં નારાજ થયેલાઓનું આશ્રય સ્થાન બની રહી છે એવું પણ કહી શકાય. દરમિયાન હવે તો જેને ટિકિટ અપાઈ એ લોકો પણ કોંગ્રેસની ઉમેદવારી મૂકીને જઈ રહ્યા છે.જો કે આ બધા રાજકીય મુદ્દા છે. વાસ્તવમાં જુનાગઢના વિકાસની વાત થવી જોઇએ.

કોંગ્રેસ ભાજપના સમયના ભ્રષ્ટાચારની વાત ચૂંટણી દરમિયાન કરશે. પણ ભાજપ માટે રોપ-વે યોજનાથી લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલાં કામનો મોટો હિસાબ છે. કોંગ્રેસનો જુસ્સો પણ દેખાતો નથી. સ્થાનિક નિરીક્ષકો તો ભાજપને 60 માંથી 40ની આસપાસ બેઠક મળવાની આગાહી કરે છે.