ભારતે કેવી રીતે કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક?

પાકિસ્તાન પર વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા. સંયુક્ત રાષ્ટ્રસંઘની સભામાં તેમણે કહ્યું કે ભારતે શિક્ષણની સંસ્થાઓ ખોલી અને તમે આતંકવાદના અડ્ડાઓ બનાવ્યા. આ શાબ્દિક મારો સારો છે, પણ લોકો તો પૂછવાના કે આરપારની લડાઈની વાત વાજપેયીએ કરી હતી તેનું શું? એ સવાલનો જવાબ ભારત જગતના મંચ પર ના આપી શકે, પણ સરહદે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આપી શકે છે.
આવી સર્જિકલ સ્ટ્રાઇક ગત વર્ષે સપ્ટેમ્બરમાં થઈ હતી. એ વાતને એક વર્ષ થવા આવ્યું તે પછી તેના વિશે એક પુસ્તક પણ બહાર આવ્યું છે. કઈ રીતે સમગ્ર ઓપરેશન બહાર પાર પડાયું તેની વિગતો નીતિત ગોખલેના પુસ્તકમાં આવરી લેવાઈ છે. પુસ્તકનું નામ છે મોદી વે – પઠાણકોટ, સર્જિકલ સ્ટ્રાઇક એન્ડ મોર. ગત વર્ષે સર્જિકલ સ્ટ્રાઈક થઈ ત્યારે તેની સામે કેટલાકે સવાલો પણ ઊભા કર્યાં હતાં અને કહ્યું હતું કે સરકાર વિગતો આપે. એવી ઘણી વિગતો આ પુસ્તકમાં છે. જોકે દુશ્મન દેશની સરહદમાં ઘૂસીને ઘા મારવામાં આવે અને સર્જરી કરવામાં આવે તેની વિગતો આપવાની હોતી નથી. આવું ઓપરેશન ચૂપચાપ પાર પાડવાનું હોય છે અને તે પછી તેના વિશે ચૂપ્પી જ રાખવાની હોય છે. આમ છતાં સેનાના અધિકારીઓને મળીને જે વિગતો મેળવવામાં આવી છે તેનાથી એક ચિત્ર ઊભું થાય છે કે કઈ રીતે ભારતીય સેનાએ ઉરી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડા તોડી પાડ્યાં હતાં.

સુષ્મા સ્વરાજે કહ્યું તે વાત સાચી છે કે પાકિસ્તાને આતંકવાદના અડ્ડાઓ બનાવીને પોતાનું જ અહિત કર્યું છે. પણ વધારે અહિત આપણું થઈ રહ્યું છે તેથી ત્રાસવાદીઓને સંઘરતી છાવણીઓ તોડી નાખવી આપણા માટે જરૂરી હતી.
ભારતે તેનો એક અખતરો મ્યાનમાર સરહદે થોડા વખત પહેલાં કરી લીધો હતો. ભૂતકાળમાં પણ ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને પાઠ ભણાવવા સરહદ પાર ઘા મારેલાં જ હતાં, પણ વાજપેયી સરકાર વખતે કારગીલ યુદ્ધ જે રીતે કરાયું તેના કારણે સેના માટે વિમાસણ ઊભી થઈ હતી. કારગીલ વખતે ભારતે બહુ મક્કમતાપૂર્વક એવું કહ્યું હતું કે પાકિસ્તાન સરહદમાં ઘૂસ્યા વિના જ કારગીલમાં પેસી ગયેલી પાકિસ્તાની સેનાને ખતમ કરી દેવાશે. કારગીલમાં પાકિસ્તાનના બૂરા હાલ થયાં પણ ભારતે પણ નુકસાન ભોગવવું પડ્યુ હતું. તેથી હવે સરહદ પાર જઈને ઘા મારવાનો સમય હતો.

જૂન 2015ની મધ્યમાં ભારતીય સૈન્ય ટુકડીએ અચાનક મ્યાનમારના જંગલમાં છાપો માર્યો હતો. નાગા બળવાખોરોની સંસ્થા એનએસસીએન (કે)ના અડ્ડા જંગલમાં હતાં તેને ખતમ કરી દેવાયા હતાં. લગભગ 60 નાગા બળવાખોરોને ખતમ કરી દેવાયાં હતાં. તે પછી પાકિસ્તાની સરહદે અડ્ડો બનાવીને બેઠેલાં અને કાશ્મીરમાં હુમલા કરનારા આતંકવાદીઓને પાઠ ભણાવવા માટેની તૈયારી કરવાની હતી.

મનોહર પર્રિકર સંરક્ષણ પ્રધાન હતા ત્યારે તેમણે સેનાને ઈશારો કર્યો હતો કે મ્યાનમાર જેવું ઓપરેશન પાકિસ્તાની સરહદમાં ઘૂસીને પણ ક્યારેક કરવું પડશે. સેના માટે સ્પષ્ટ મેસેજ હતો અને ઘરમાં આવીને દુશ્મન ઘા મારીને ભાગી જાય ત્યારે તેનો પીછો દુનિયાના છેડા સુધી કરીને પણ તેને ખતમ કરવો પડે. નોર્થન આર્મી કમાન્ડર હૂડા માટે આ એક ચેલેન્જ હતી, પણ સેનાના જનરલ દલબીરસિંહને મ્યાનમારના ઓપરેશનનો અનુભવ હતો એટલે તેમની સૂચના પછી ચેલેન્જ ઉપાડી લેવાઈ હતી. દલબીરસિંહે સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓમાંથી એકેય બચવો જોઈએ નહીં.

મ્યાનમાર હુમલા પછી તૈયારીઓ થવા લાગી હતી અને કમાન્ડર હૂડાએ પોતાના બે કમાન્ડિંગ ઓફિસર્સને જવાબદારી સોંપી હતી. બંનેએ સોર્સને કામે લગાડીને પાકિસ્તાનમાં ક્યાં ક્યાં છાવણીઓ છે તે શોધી કાઢ્યું હતું. ભૂતકાળમાં પણ બોર્ડર એક્શન ટીમ દ્વારા પાકિસ્તાનીઓને પાઠ ભણાવવા નાના મોટા હુમલા થયા હતા, પણ આ વખતે મોટો ઘા મારવાનો હતો. 2015ના શિયાળામાં બે મહિનામાં ટુકડીઓને સઘન તાલીમ આપીને તૈયાર કરી દેવાઈ હતી. સ્પેશિયલ ફોર્સના જવાનો પણ ઉત્સાહમાં હતાં, કેમ કે તેમને જે તાલીમ મળી હતી તેનો ઉપયોગ કરવાની તક મળવાની હતી. બંને કમાન્ડિંગ ઓફિસરની ટુકડીઓ તૈયાર હતી અને 2016નો ઉનાળો બેઠો ત્યારે દુશ્મનને ઘા મારવાનો હતો.

જોકે દિલ્હીથી ક્લિયરન્સ મળે તેની રાહ જોવાની હતી. ક્લિયરન્સ મળવાની છે તેની ખાતરી ઉરીના હુમલા પછી થઈ ગઈ હતી, કેમ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઉરી જેવી સેનાની છાવણી પણ હુમલો થાય અને તેનો જવાબ આપવામાં ના આવે તે ચાલે નહી. જવાબ જલદી આપવાનો હતો અને જોરદાર આપવાનો હતો. જોકે મ્યાનમાર કરતાં સ્થિતિ જુદી હતી. મ્યાનમારમાં બળવાખોરો ઉંઘતા ઝડપાયાં હતાં, જ્યારે કાશ્મીર સરહદે પાકિસ્તાની સેના કાયમ તૈયારી કરીને બેઠી હોય છે. બીજું ભારતના હુમલાના ભયથી ત્રાસવાદીઓને બીજે ખસેડી દેવાયા હોય તેવું પણ બને. તેથી ગુપ્તચર તંત્રને પણ કામે લગાડાયું હતું અને બધું પાકું કર્યા પછી જ દિલ્હીમાં વડાપ્રધાન સમક્ષ મામલો મૂકવાનો હતો. વડા પરધાન પણ ઉતાવળે નિર્ણય નહોતા લેવાના. પુસ્તકના દાવા અનુસાર ઉરીના હુમલા પછી પાંચમાં દિવસે 23 સપ્ટેમ્બરે જ નરેન્દ્ર મોદીએ નિર્ણય કરી લીધો હતો કે મોડું કર્યા સિવાય વળતો ઘા મારવો રહ્યો.

સંરક્ષણ મંત્રાલયમાં પર્રિકર, સેનાના વડા દલબીરસિંહ અને ઉચ્ચ અફસરોની હાજરીમાં બેઠક મળી અને તેમાં સમગ્ર ઓપરેશનની ચર્ચા કરવામાં આવી. તે જ દિવસોમાં નોર્ધન કમાન્ડે અનંતનાગના હિઝબુલ મુજાહિદ્દીનના સ્રોતોમાંથી માહિતી મળી હતી કે પાકિસ્તાની કેમ્પ ક્યાં છે, તેમાં કેટલા ત્રાસવાદીઓ છે. પીઓકેમાંથી ક્યાંથી ઘૂસીને માર કરી શકાય તેની પણ પાકી માહિતી મેળવી લેવાઈ હતી. ઉરીના હુમલા પછી ત્રાસવાદીઓ છાવણી છોડીને બીજે જતાં રહ્યાં નથી તેની પણ ખાતરી કરી લેવાઈ હતી. તેથી હવે આખરી મંજૂરી મળે એટલે હુમલો કરવા સેના તૈયાર હતી. હુમલો પણ એવો કરવાનો હતો કે ત્રાસવાદીનો અડ્ડો સાફ થઈ જાય અને એકેય બચે નહીં. 18 સપ્ટેમ્બરના હુમલાખોરોને અને તેને મદદ કરનાર પાકિસ્તાનને મેસેજ આપવાનો હતો.
23 સપ્ટેમ્બર સુધીમાં વડાપ્રધાને મનોમન નિર્ણય કરી લીધો હતો. સંરક્ષણ મંત્રાલયમાં ઉચ્ચકક્ષાની બેઠક પછી હવે આખરી ગો અહેડનો હુકમ મળે તેની જ રાહ હતી. જે હુકમ આખરે 28 સપ્ટેમ્બરે મળી ગયો હતો. ઓપરેશન એક્સ તરીકે જેને ઓળખાવાયું છે તે ઓપરેશન માટે નોર્ધન આર્મી કમાન્ડર હૂડાએ પોતાના બંને કમાન્ડિંગ ઓફિસરને આદેશ આપી દીધો. સત્તાવાર રીતે ઓપરેશનને આવું કોઈ નામ અપાયું નહોતું, પણ તે ઓપરેશન માટે સાંજ સુધીમાં સ્પેશિયલ ફોર્સના કમાન્ડો સરહદે પહોંચી ગયાં હતાં. રાત પડે એટલે પાકિસ્તાની સરહદે ઘૂસીને હુમલો કરવા તેઓ તલપાપડ હતાં. દિલ્હીમાં કન્ટ્રોલ રૂમમાં પળેપળની વિગતો પર પણ નજર રખાતી હતી. પણ હવે આગળની કાર્યવાહી બે કમાન્ડિંગ ઓફિસરો અને તેમની ટુકડીએ કરવાની હતી. સફળતાનો મદાર આ બહાદુર જવાનો પર હતો. ઉરીમાં પોતાના ઘરમાં આવીને ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારથી જ જવાનો સમસમીને બેઠાં હતાં. તેમને હવે દુશ્મનની હદમાં ઘૂસીને આક્રમણ કરવાનો મોકો મળ્યો હતો એટલે તેઓ કોઈ કસર છોડવા માગતા નહોતાં.
પીર પંજાલની દક્ષિણમાં આવેલી છાવણી પર લક્ષ્ય સાધવામાં આવ્યું હતું. ચાર કલાકની મજલ પછી મધરાતે તેને ઘેરી લેવાઈ હતી. વચ્ચે એલઓસી પર પાકિસ્તાની સૈન્ય ટુકડીઓ પહેરો દઈ રહી હતી, પણ તે ઉંઘતી જ રહી અને છાવણીનો ખાતમો બોલાવી દેવાયો. ભારતીય કમાન્ડોને સાધારણ ઈજાઓ થઈ તે સિવાય કોઈ જાનહાનિ વિના દુશ્મનોનો ખાતમો કરી દેવાયો. કેટલાં માર્યા ગયાં તેની લાશો ગણવા ભારતીય જવાનો રોકાયા નહોતાં, પણ અંદાજ અનુસાર 75થી 80 ત્રાસવાદીઓનો ખાતમો કરી દેવાયો હતો.

તાજેતરમાં યુએનમાં વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના આતંકવાદ મુદ્દે શાબ્દિક સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, અને પાકિસ્તાનના દાવાઓને ખોખલા કરી નાંખ્યા હતા. પીએમ મોદીએ સુષ્મા સ્વરાજના ભાષણને અતુલનિય ગણાવ્યું હતું. અને ટ્વીટ કરીને કહ્યું હતું કે સુષ્માજી વિશ્વમાં ભારતને ગૌરવશાળી સ્થાન પર બેસાડ્યું છે. સુષ્માના ભાષણે ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈકની યાદ અપાવી દીધી હતી.