હિમાચલઃ કોની જીત કોની હાર…?

હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 બેઠકો માટેની ચૂંટણીનું એક જ તબક્કામાં મતદાન સંપન્ન થયું છે. ઓલમોસ્ટ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પુરુ થયું છે. મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. સાંજના 6.15 વાગ્યા સુધી મતદારો લાઈનોમાં ઉભા રહ્યાં હતાં. સરેરાશ 74 ટકાથી વધુનું મતદાન થયું છે. હવે પ્રશ્ન એ થાય કે ભાજપ જીતશે કે કોંગ્રેસ જીતશે. વીરભદ્રસિંહ રીપીટ થશે કે પ્રેમ કુમાર સત્તા પર આવશે. જોકે તેનો જવાબ તો હવે 18 ડિસેમ્બરે આવશે. ત્યાં સુધી લોકચૂકાદાની રાહ જોવી રહી. સામાન્ય રીતે હિમાચલ એ પહાડી વિસ્તાર છે અને હાલ ઠંડીની ઋતુ છે, તેથી મતદાન ઓછું થશે તેવી ધારણા હતી. પણ ગત વર્ષ કરતા મતદાન વધારે થાય તેવી ટકાવારી આવશે.ચૂંટણી પંચે સત્તાવાર કહ્યું હતું કે હાલ સરેરાશ 74 ટકાથી વધુ મતદાન થયું છે, પણ આ ટકાવારીમાં વધારો થશે. 2012 વિધાનસભાની ચૂંટણીમાં 74.62 ટકા મતદાન હતું.

ચૂંટણી પહેલા હિમાચલમાં ભાજપ તરફી લહેર હતી. કોંગ્રેસના શાસનથી હિમાચલની પ્રજા કંટાળી છે, પણ સામે ભાજપની મોદી સરકારના નોટબંધી અને જીએસટી જેવા પગલાથી પ્રજામાં ભારોભાર નિરાશા વ્યાપેલી જોવાઈ હતી. પ્રજાનો ઝોક કઈ તરફ રહેશે, તે કહેવું હાલ તો મુશ્કેલ છે. દેવભૂમિ હિમાચલના મુખ્યપ્રધાન વીરભદ્રસિંહ છ વખત સીએમ રહી ચુક્યા છે. જો કોંગ્રેસ જીતશે તો તેઓ સાતમી વખત સીએમ બનશે, અને તે એક રેકોર્ડ પ્રસ્થાપિત કરશે. ભાજપના સીએમ પદના ઉમેદવાર પ્રેમ કુમાર ઘુમલ બે વખત સીએમ બની ચુક્યા છે. બન્ને સીએમ પદના નેતાઓ નવી બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કોંગ્રેસ 10 વર્ષથી અર્કી જીતી શકી નથી. પણ હાલના સીએમ વીરભદ્ર સિંહ અર્કીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપના પ્રેમ કુમાર ઘુમલ સુજાનપુરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસના રાજેન્દ્ર રાણા લડત આપી રહ્યા છે.ભાજપના સીએમ પદના ઉમેદવાર પ્રેમ કુમાર ઘુમલે મતદાન કર્યા પછી કહ્યું હતું કે અમે 60 પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ મુક્યો છે. બીજી તરફ કોંગ્રેસના વીરભદ્ર સિંહે પોતાની જીતનો દાવો કર્યો હતો. કોંગ્રેસ પુરેપુરી બહુમતીથી સરકાર બનાવશે. ભાજપના 60 પ્લસના ટાર્ગેટ પર ટોણો માર્યો હતો, અને કહ્યું હતું કે અફીણ ખાઈને ભાજપવાળા બોલી રહ્યા છે. ભાજપ હિમાચલમાં 60થી વધુ બેઠકો કદાપી લાવી નહી શકે. જીએસટીથી આજે દેશની જીડીપીને નુકશાન થયું છે. આમ સામસામેના આક્ષેપપ્રતિઆક્ષેપ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું.

બીજી તરફ હિમાચલની પ્રજાની વાત કરીએ તો ત્યાંના યુવાનોને રોજગારી જોઈએ છે. યુવાનોનું કહેવું હતું કે હિમાચલનો મુખ્ય મુદ્દો બેરોજગારીનો છે. મહિલાઓનું કહેવું છે કે વિકાસ જોઈએ છે અને મોંઘવારી ઘટાડે તેવી સરકાર જોઈએ છે.હા… હિમાચલના મતદાન ઉડીને આંખે વળગે તેવી એક વાત છે ત્યાંના સીનીયર સીટીઝનોએ મતદાનમાં ભારે રસ દાખવ્યો છે. 90 વર્ષનાથી માંડીને 120 વર્ષના વરિષ્ઠ નાગરિકોએ હોંશભેર મતદાન કર્યું છે, તેઓ ભાવિ પેઢી માટે સરકાર લાવવા માંગે છે.

અહેવાલ- ભરત પંચાલ