કોંગ્રેસનું અધિવેશનઃ દેશમાં બદલાવ લાવશે… કેવી રીતે ?

કોંગ્રેસના અધિવેશનમાં એક જ સૂર હતો કે હવે બદલાવ આવશે. આજે સવારથી સોશિઅલ મિડીયામાં કોંગ્રેસે હેશટેગ આપ્યો હતો કે #ChangeIsNow  ત્યારે હવે સવાલ થાય કે શું ફેરફાર આવશે ખરો…? કોંગ્રેસ બેઠી થશે..? રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2019માં સત્તા પર કોંગ્રેસ આવશે ખરી..? કોંગ્રેસ સતત હારનો સ્વાદ ચાખીને તેમાથી પાઠ ભણીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસને ફરીથી બેઠી કરવા મેદાનમાં પડ્યા છે. તો સામે ભાજપ દેશને કોંગ્રેસમુક્ત કરવાની ઝૂંબેશ ચલાવી રહ્યું છે. હવે આ વાત એવા સમયે આવી છે કે ટીડીપીએ મોદી સરકારનો સાથ છોડયો છે, અને અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો છે. રાજકીય અસ્થિરતાના માહોલમાં કોંગ્રેસનું અધિવેશન મહત્વનું બની ગયું છે. 2019માં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને નવું જોમ અને નવો પ્રાણ ફૂંકવા માટે આજે શનિવારે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ યુવા નેતાઓની સાથે જૂના જોગીઓને યાદ કર્યા હતા, અને જૂના જોગીઓ વિના પાર્ટી ચાલવાની નથી, તે બધાને યાદ કરાવ્યું હતું. રાહુલ ગાંધીએ તો જૂના જોગીઓને સાથે લઈને ચાલવાનું વચન સુધ્ધા આપી દીધું છે. કે યુવાનો રસ્તા બતાવવાનું કામ બુઝર્ગો કરશે. અત્યાર સુધી કોંગ્રેસે જૂના લોકોને કિનારે કર્યા હતા, જૂના કોંગ્રેસીઓના હાથ કયાંક ભષ્ટ્રાચારમાં તો કયાંક કૌભાંડોમાં ખરડાયેલા હતા. મનમોહનસિંહના રાજમાં ખુબ મોટા કૌભાંડો થયા, દેશની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપી બીજો ઓપ્શન પસંદ કર્યો હતો. હવે કોંગ્રેસ સત્તા પર આવવા માટે તરફડિયા મારી રહી છે.કોંગ્રેસના બે દિવસના મહાઅધિવેશનના ઉદઘાટન સેશનમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મોદી સરકારની ભરપેટ ટીકા કરી હતી. અને કહ્યું હતું કે દેશ અત્યારે વહેંચાઈ ગયો છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે લડાવાઈ રહ્યો છે. દેશમાં ગુસ્સો ફેલાવામાં આવી રહ્યો છે. પણ આ જે હાથનું નિશાન છે તે દેશને જોડવા અને આગળ લઈ જવાનું કામ કરી શકે છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે યુવાનો અને ખેડૂતો જ્યારે મોદીજીની તરફ જોવે છે, ત્યારે તેઓ એવું વિચારે છે કે આખરે રસ્તો કયારે મળશે. દેશને માત્ર કોંગ્રેસ પક્ષ જ રસ્તો બતાવી શકે છે. તેઓ ગુસ્સાનો પ્રયોગ કરે છે, અને અમે પ્યાર તથા ભાઈચારાનો… કોંગ્રેસ જે કામ કરશે, તે પુરા દેશ માટે કરશે.રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતાઓને સાથે લઈને ચાલવાનો વિશ્વાસ આપ્યો હતો, અને કહ્યું કે અમે ભવિષ્યની યોજના બનાવવા બેઠા છીએ, પણ અને વીતેલા દિવસોને નહી ભૂલીએ. રાહુલે વધુમાં એમ કહ્યું કે યુવાનો કોંગ્રેસને આગળ લઈ જશે તો આ કામ વરિષ્ઠ નેતાઓ વગર નહી થઈ શકે. અત્યાર સુધી કોંગ્રેસમાં જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે કોઈ તાલમેળ નથી, તેની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન ખુબ મહત્વનું બની રહે છે.

આ અધિવેશનમાં મોદી વિરુધ્ધ 5 બુકલેટ જાહેર કરાઈ હતી, અને તેને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વહેંચવામાં આવી હતી. મોદી સરકારની ટીકા કરીને કોંગ્રેસ સત્તા પર આવવા મથી રહી છે, પણ સામે ભાજપ મોદી સરકારની સિદ્ધિઓ પ્રજા સમક્ષ લઈને પ્રચાર કરી રહી છે. હવે જોવાનું એ રહે કે મતનો રાજા જેને કહેવાય છે તે પ્રજા કોનું સાંભળશે.

રાહુલ ગાંધીના સંબોધનના મુખ્ય દસ મુદ્દા પર નજર કરીએ

  • રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હૂમલો કરીને કહ્યું કે દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે, દેશના ભાગલા પડી રહ્યા છે.
  • દેશના દરેક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે લડાવવામાં આવી રહ્યો છે, પણ અમારી પાર્ટી જોડવાનું કામ કરશે
  • મહાઅધિવેશન ભવિષ્યની વાત કરી રહ્યું છે, અમારી પરંપરામાં ફેરફાર કરી શકાય તેમ છે, પણ વીતેલા સમયને ભુલી શકતા નથી.
  • પાર્ટીમાં યુવાનોની વાત થાય છે, યુવા કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જશે તો વરિષ્ઠ નેતાઓ વગર અમારી પાર્ટી આગળ નહી વધે.
  • મારુ કામ વરિષ્ઠ અને યુવાન નેતાઓને જોડવાનું છે. તેમને સાથે લઈને પાર્ટીને એક નવી દિશા બતાવવી છે.
  • દેશના કરોડો થાકેલા યુવાનો મોદીજી તરફ જુએ છે, તો તેમને રસ્તો ચોખ્ખો દેખાતો નથી, તેમને સમજણ નથી પડતી કે રોજગાર કયા મળશે, ખેડૂતોને યોગ્ય ભાવ કયારે મળશે.
  • દેશ એક પ્રકારે થાકેલો છે. રસ્તો શોધી રહ્યો છે, એવામાં દેશને ફકત કોંગ્રેસ પક્ષ જ રસ્તો બતાવી શકે છે.
  • કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષમાં બહુ મોટુ અંતર છે. તેઓ ક્રોધ અને ગુસ્સાનો પ્રયોગ કરે છે, અને અમે પ્રેમ અને ભાઈચારાનો પ્રયોગ કરીએ છીએ.
  • આ દેશ તમામ લોકોનો છે, દરેક ધર્મનો છે, દરેક જાતિ અને દરેક વ્યક્તિનો છે. જે પણ કામ કોંગ્રેસ પક્ષ કરશે તે પુરા દેશ માટે કરશે. દેશમાં દરેક વ્યક્તિ માટે કરશે અને કોઈ પાછળ નહી રહે.
  • અધિવેશનનું લક્ષ્ય દેશને અને કોંગ્રેસને રસ્તો બતાવવાનું છે. આ અધિવેશન નેતૃત્વનું નથી, કાર્યકર્તાઓનું છે.સોનિયા ગાંધીએ પણ સંબોધનમાં મોદી સરકારની કાર્યશૈલીની ટીકા કરી હતી, ખાતો નથી ખાવા દેતો નથી અને સબકા સાથ સબકા વિકાસ… એ વાત યાદ કરીને દેશની હાલની સ્થિતી અંગે વાત કરી હતી. કોંગ્રેસ એક પક્ષ નથી, એક સોચ છે, એક આંદોલન છે. અમારા જીવનનો એક અંગ છે કોંગ્રેસ, તેમાં બધા માટે જગ્યા છે. 40 વર્ષ પહેલા ઈન્દિરા ગાંધીએ ચિકમંગલૂરમાં બધુ બદલી નાંખ્યું હતું. કર્ણાટકમાં આપણું જોરદાર પ્રદર્શન રહેશે, જે પછી દેશની રાજનીતિને નવી દિશા મળશે. ગુજરાત અને રાજસ્થાનમાં સાબિત થયું છે કે લોકો કોંગ્રેસના અસ્તિત્વને સમાપ્ત કરતાં હતા, તેમને જનતાએ બતાવી દીધું છે કે તેઓ કોંગ્રેસને કેટલો પ્યાર કરે છે.સોનિયા ગાંધી મનમોહનસિંહની સરકારના વખાણ કર્યા હતા, અને તેમના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ સરકારે દેશનો નવો રાહ દર્શાવ્યો, અને અનેક નવા બિલ લઈને આવ્યા. હાલની મોદી સરકાર સત્તાના નશામાં મદમસ્ત છે, સત્તાના અહંકારની આગળ કોંગ્રેસ કયારેય ઝુકી નથી, અને ઝુકશે પણ નહી, વિપક્ષોની સામે ખોટા કેસ કરવા, મિડીયાને સતાવવું આવા કામ કરી રહી છે તાનાશાહ મોદી સરકાર. મોદી સરકાર કોંગ્રેસનો અવાજ દબાવી રહી છે, ખુરશી માટે મોદી જુઠુ બોલીને નારાબાજી કરે છે, તેમ કહીને સોનિયા ગાંધીએ લલકાર કર્યો હતો કે કોંગ્રેસ 2019માં સબક શિખવાડશે.