પડકારો વચ્ચે કોંગ્રેસે ઉજવ્યો ૧૩૩મો જન્મદિવસ

ભારતના સવાસો વર્ષોથી પણ જૂના, ૧૩૩ વર્ષ જૂના રાજકીય પક્ષ, કોંગ્રેસે આજે પોતાનો ૧૩૩મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. આ પ્રસંગે તેના નવા પ્રમુખ બનેલા રાહુલ ગાંધીએ કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા છે.

રાહુલે નવી દિલ્હીમાં 24, અકબર રોડ સ્થિત મુખ્યાલયમાં પક્ષનો ધ્વજ ફરકાવીને એવી ટકોર કરી હતી કે ભાજપના શાસનમાં દેશનું બંધારણ જોખમમાં આવી ગયું છે અને આપણી પાર્ટી તથા દેશના નાગરિકોએ બંધારણને બચાવવાનું છે.

કોંગ્રેસ પાર્ટીની સ્થાપના બ્રિટિશ સનદી અધિકારી એલન ઓક્ટેવિયન હ્યુમે 1885માં કરી હતી. સોનિયા ગાંધી આ પાર્ટીનાં સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર પ્રમુખ બન્યાં છે. હવે એમનું સ્થાન એમનાં પુત્ર રાહુલ ગાંધીએ લીધું છે.

શરૂઆતના દિવસોમાં આ પાર્ટીની રચનાનો હેતુ બ્રિટિશ શાસન પાસેથી આઝાદીની માગણી કરવાનો નહોતો. એની રચના તો કેટલાક શિક્ષિત વ્યક્તિઓનાં એક ગ્રુપને એક સમાન મંચ પર એકત્રિત કરવા અને નીતિઘડતરમાં અવાજ મળે એવા ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

પાર્ટીની જ્યારે સ્થાપના કરવામાં આવી હતી એ વખતે ભારતમાં બ્રિટનના વાઈસરોય હતા લોર્ડ ડ્યૂફરીન.

પ્રતિનિધિઓનું પહેલું સંમેલન 1885ની 25 ડિસેમ્બરે અને પૂણેમાં યોજવાનું નક્કી કરાયું હતું, પણ બાદમાં એ સંમેલન બોમ્બે (મુંબઈ)માં યોજવાનો નિર્ણય લેવાયો હતો. એ સંમેલન મળ્યું હતું 28-31 ડિસેમ્બરે મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સત્રના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનરજી. દેશભરમાંથી કુલ 72 પ્રતિનિધિઓએ એ સત્રમાં ભાગ લીધો હતો.

કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં એને માટે છેલ્લા ત્રણ વર્ષ સૌથી કઠિન રહ્યા હોવાનું મનાય છે.

હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના સારા દેખાવે કોંગ્રેસમાં નવા પ્રાણનો ઉમેરો કર્યો છે. કોંગ્રેસ-મુક્ત ભારતનો ‘યુદ્ધ-નારો’ લગાવનાર ભાજપના ગઢસમા ગુજરાતમાં જ કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. શાસક ભાજપને મોટો આંચકો આપ્યો છે અને બજારો પણ હચમચી ગઈ હતી.

2014માં, ભાજપે લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય હાંસલ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપપ્રમુખ અમિત શાહે કોંગ્રેસને ભારતના રાજકારણમાં સાફ કરી નાખવાનું મિશન જાહેર કર્યું છે. લોકસભાની એ ચૂંટણીમાં સોનિયા ગાંધીનાં વડપણ હેઠળની કોંગ્રેસ પાર્ટીને માત્ર 44 બેઠક મળી હતી.

હાલ કોંગ્રેસ માત્ર કર્ણાટક, પંજાબ, મેઘાલય, મિઝોરમ અને પુડુચેરીમાં સત્તા પર છે. બીજી બાજુ, ભાજપે 29માંથી 19 રાજ્યોમાં સત્તા હાંસલ કરી છે. જ્યારે પાંચ રાજ્યોમાં એ શાસક ગઠબંધનનો ભાગીદાર છે.

આ છે કોંગ્રેસ પાર્ટીના તમામ પ્રમુખોના નામોની યાદીઃ

1885 : વ્યોમેશચંદ્ર બેનરજી

1886 : દાદાભાઈ નવરોજી

1887 : બદરુદ્દીન તૈયબજી

1888 : જ્યોર્જ યૂલ

1889 :  વિલિયમ વેડરબર્ન

1890 : ફિરોઝશાહ મહેતા

1891 : આનંદચારલુ

1892 : વ્યોમેશચંદ્ર બેનરજી

1993 : દાદાભાઈ નવરોજી

1994 : આલ્ફ્રેડ વેબ

1895 : સુરેન્દ્રનાથ બેનરજી

1896 : રહિમતુલ્લા સયાની

1897 : સી. શંકરન નાયર

1898 : આનંદમોહન બોઝ

1899 : રોમેશચંદ્ર દત્ત

1900 : એન.જી. ચંદાવરકર

1901 : દિનશા એડલજી વાચ્છા

1902 : સુરેન્દ્રનાથ બેનરજી

1903 : લાલમોહન ઘોષ

1904 : હેન્રી કોટન

1905 : ગોપાલકૃષ્ણ ગોખલે

1906 : દાદાભાઈ નવરોજી

1907 : રાસબિહારી ઘોષ

1908 : રાસબિહારી ઘોષ

1909 : મદનમોહન માલવિયા

1910 : વિલિયમ વેડરબર્ન

1911 : બિશન નારાયણ દર

1912 : રઘુનાથ મુધોળકર

1913 : નવાબ સૈયદ મુહમ્મદ બહાદુર

1914 : ભૂપેન્દ્રનાથ બોઝ

1915 : લોર્ડ સત્યેન્દ્ર પ્રસન્ન સિંહા

1916 : અંબિકાચરણ મઝુમદાર

1917 : એની બેસંટ

1918 : મદન મોહન માલવિયા અને સૈયદ હસન ઈમામ

1919 : મોતીલાલ નેહરુ

1920 : લાલા લજપત રાય અને સી. વિજયરાઘવચેરિયર

1921 : દેશબંધુ ચિત્તરંજન દાસ અને હકીમ અજમલ ખાન

1922 :  દેશબંધુ ચિત્તરંજન દાસ

1923 : મોહમ્મદ અલી જૌહર તથા અબુલ કલામ આઝાદ

1924 : મોહનદાસ કરમચંદર ગાંધી

1925 : સરોજિની નાયડુ

1926 : એસ. શ્રીનિવાસ આયંગર

1927 : મુખ્તાર એહમદ અંસારી

1928 : મોતીલાલ નેહરુ

1929-30 : જવાહરલાલ નેહરુ

1931 : સરદાર વલ્લભભાઈ પટેલ

1932 : મદન મોહન માલવિયા

1933 : નેલી સેનગુપ્તા

1934-35 : રાજેન્દ્ર પ્રસાદ

1936-37 : જવાહરલાલ નેહરુ

1938-39 : સુભાષચંદ્ર બોઝ

1940-46 : અબુલ કલામ આઝાદ

1947 : જયંત ક્રિપલાની

1948-49 : પટ્ટાભી સીતારામૈયા

1950 : પુરુષોત્તમ દાસ ટંડન

1951-54 : જવાહરલાલ નેહરુ

1955-59 : યૂ.એન. ઢેબર

1959 : ઈન્દિરા ગાંધી

1960-63 : નીલમ સંજીવ રેડ્ડી

1964-67 : કે. કામરાજ

1968-69 : એસ. નીજલિંગપ્પા

1970-71 : જગજીવન રામ

1972-74 : શંકરદયાળ શર્મા

1975-77 : દેવકાંત બરૂઆ

1978-84 : ઈન્દિરા ગાંધી

1985-91 : રાજીવ ગાંધી

1991-96 : નરસિંહ રાવ

1996-98 : સીતારામ કેસરી

1998-2017 : સોનિયા ગાંધી

2017થી વર્તમાન : રાહુલ ગાંધી