લોકસભા ચૂંટણી લોબિંગ માટે અમેરિકામાં કોંગ્રેસનું કામ શરુ, પિત્રોડાએ કરી અપીલ

0
1034

ન્યૂયોર્ક:  દેશના પાંચ રાજ્યોના આવેલા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ, વર્ષ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી પોતાની સરકાર બનાવશે તેવી આશા રાખી મહેનત શરૂ કરી છે. જેના ભાગરૂપે કોંગ્રેસના ઇન્ડિયન ઓવરસીઝ કમિટીના  ડાયરેક્ટર સામ પિત્રોડા સહિત તેમની ટીમ હાલમાં અમેરિકાના પ્રવાસે આવી હતી. અને આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી , ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અમેરિકાના સભ્યો સાથે એક ખાસ બેઠક યોજી હતી.

અમેરિકાના ન્યુયોર્ક ખાતે યોજાયેલી આ બેઠકમાં, સામ પિત્રોડાએ ઇન્ડિયન ઓવરસિસ કોંગ્રેસ અમેરિકાની ટીમમાં વધારો થાય તે માટે અહીં વસતા ભારતીયોની  સભ્ય નોંધણી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સામ પિત્રોડાએ અહીંના ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના સભ્યો સાથે બેઠક યોજી ખાસ આવનાર લોકસભાની ચૂંટણીમાં સોશિયલ નેટવર્ક વધુ મજબૂત થાય તે માટે ના પણ પ્રયત્નો અંગે ચર્ચા કરી હતી.

દેશમાં લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે, કોંગ્રેસ અને ભાજપ બંને પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. એક સમયે ભાજપ દ્વારા કોંગ્રેસ મુક્ત ભારતની જાહેરાત કરી હતી ત્યારે, હાલમાં આવેલા પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોને પગલે કોંગ્રેસ ધીરે ધીરે બેઠી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા ધીરે ધીરે હવે દેશમાં જ નહીં વિદેશમાં પણ વધારે લોકો કોંગ્રેસમાં જોડાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના ડાયરેક્ટર સામ પિત્રોડા દ્વારા અમેરિકામાં વધુને વધુ ભારતીયો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય તે માટેના પ્રયત્ન ઇન્ડિયન ઓવરસિસ કોંગ્રેસની અમેરિકાની ટીમ દ્વારા કરવામાં આવે તે માટેની રણનીતિ તૈયાર કરી છે. અમેરિકામાં વસતા ભારતીયો ઇન્ડિયન ઓવરસિસ કોંગ્રેસની ટીમમાં જોડાઇ અને સભ્ય નોંધણી કરાવે તે અંગેનું એક અભિયાન શરૂ કરવાનું આહવાન સામ પિત્રોડાએ આ બેઠકમાં કર્યું છે.

૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે, કોંગ્રેસ અહીં વસતા ભારતીયો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય તે માટેના પ્રયત્નો કરી રહી છે. એટલું જ નહીં દેશમાં અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કામો તેમજ હાલની ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા અંગે અહીં વસતા ભારતીયો સુધી પહોંચાડવા માટે ખાસ સોશિયલ મીડિયા એક્ટિવ કરવા સામ પિત્રોડા બેઠકમાં ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના નેતાઓને જણાવ્યું હતું.

USAથી નીરવ ગોવાણીનો અહેવાલ…