પ્રિયંકા ગાંધીએ શા માટે વારાણસીમાંથી લડવાનું પસંદ ના કર્યું

પ્રિયંકા ગાંધીએ શા માટે વારાણસીમાંથી લડવાનું પસંદ ના કર્યું – એ સવાલનો જવાબ આપવાના બદલે બીજો સવાલ પૂછવો જોઈએ – શું પ્રિયંકા ગાંધી ખરેખર વારાસણીમાંથી ચૂંટણી લડવા માગતા હતા? શું માત્ર ચર્ચા જગાવવા માટે જ આવી વાત વહેતી કરાઈ હતી? ચૂંટણી લડવા માટે પ્રિયંકા ગાંધી ગંભીર હોત તો તેઓ સ્વંય આ માટેના અણસાર આપતા રહ્યા હોત ખરા? પ્રિયંકાએ પોતે જ બે કે ચાર એવી વાત કરી કે પક્ષ ઈચ્છશે તો પોતે લડશે. કોંગ્રેસ તેમને વારાણસીમાંથી જ લડાવવા માટે ગંભીર હોત તો તેઓ પોતે ના બોલ્યા હોત, કાર્યકરો પાસે માગણી કરાવાઈ હોત.
તેનો અર્થ એ થયો કે વારાસણીમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તે માટે નહિ, પણ તે માટેની ચર્ચા થાય તેવી ગણતરી કોંગ્રેસની હતી. મને એક શક્યતા એવી પણ દેખાય છે કે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની લડતનું ચિત્ર ઊભું કરવાની કોશિશ થઈ હતી. ભાજપના નેતાઓ બેફામ બોલવા માટે જાણીતા છે. ઝેર તેમની જીભ પરથી સહજ રીતે લસરે છે. પ્રિયંકા ગાંધી વિશે કોઈ અભદ્ર નિવેદન આવ્યું હોત તો કોંગ્રેસ તેનો પ્રચારમાં ભરપુર ઉપયોગ કરી શકે. પ્રિયંકાથી ભાજપના નેતાઓ ગભરાયા છે તેવું તથા કેવી કમેન્ટ થઈ છે તે પ્રમાણે ભાજપ નારીવિરોધી, રાજકીય સ્પર્ધકોને દુશ્મન ગણનારું વગેરે ગણાવી શકાયું હોત. જોકે ભૂતકાળનો ઇતિહાસ કહે છે કે ભાજપના નેતાઓ ભાંગરો વાટે ત્યારે તેનો ફાયદો ઉઠાવવાનું કોંગ્રેસને આવડતું નથી. તેની સામે મોતના સોદાગર, ચાયવાળા, નીચ જેવા શબ્દોનો ભરપુર ઉપયોગ ભાજપે કરી લીધો હતો. કદાચ એનો પ્રયોગ કરવાની ગણતરી કોંગ્રેસની હશે તે થયું નથી ત્યારે આખરે મૂળ યોજના પ્રમાણે જ ગયા વખતના ઉમેદવાર અજય રાયને રિપિટ કરી દેવાયા છે.
કોઈ પણ પક્ષના ટોચના નેતાઓ હારી જવાય તેવી બેઠક પસંદ કરતા નથી. ટોચના નેતૃત્ત્વ માટે હંમેશા સલામત બેઠક શોધવામાં આવે છે. નરેન્દ્ર મોદી માટે પણ પ્રથમવાર ચૂંટણી લડવાની આવી ત્યારે રાજકોટની, વજુભાઈ વાળાની બેઠક ખાલી કરાવવામાં આવી હતી. બાદમાં મણીનગર જેવી સલામત બેઠક રાખવામાં આવી હતી. લોકસભા વખતે વધારે સલામત વડોદરા બેઠક પસંદ કરાઈ હતી અને એ જ રીતે વારાણસી બેઠક પણ હવે તેમના માટે સલામત ગણાય છે. રાહુલ અને સોનિયા ગાંધી માટે પણ રાયબરેલી અને અમેઠી સલામત બેઠક ગણાય છે અને અહીં એસપી-બીએસપીએ પણ સાથ આપ્યો છે. વાયનાડ વધુ એક બેઠક સલામત રાહુલ માટે શોધવામાં આવી છે. મુલાયમસિંહ યાદવ મૈનપુરમાં સલામત બેઠક પરથી લડે છે. લાલુ યાદવ અને તેમના પરિવારની પણ સલામત બેઠકો છે. બારામતીમાં શરદ પવારની સલામત બેઠક રહેતી હતી. દેવે ગોવડા પરિવારના ત્રણ સભ્યો બેંગાલુરુની આસપાસની બેઠકોમાં લડી રહ્યા છે, કેમ કે તે સલામત બેઠકો ગણાય છે. સૌથી વધુ સલામત ગણાતી પોતાની બેઠક દેવે ગોવડાએ એક પૌત્રને આપી છે અને પોતે અન્યત્ર લડવા જતા રહ્યા છે.
અર્થાત પ્રિયંકા ગાંધી જ્યારે પણ ચૂંટણી લડશે ત્યારે કોંગ્રેસ માટે સલામત બેઠક પરથી લડશે, નાહકના હારી જવા માટે વારાણસીથી શરૂઆત ના કરે. નરેન્દ્ર મોદીએ ગયા વખતે પણ અહીં સારા મતો મેળવ્યા હતા. 56.4 ટકા જેટલા જંગી મતો 2014માં જ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તે વખતે યાદ હશે કે કેજરીવાલ તેમની સામે લડવા પહોંચી ગયા હતા. તેમણે પણ પ્રમાણમાં સારા કહેવાય તેવા 20.3 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસે જેમને ફરીથી ટિકિટ આપી છે તે અજય રાયને માત્ર 7.3 ટકા મતો મળ્યા છે. તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા અને આ વખતે પણ કોંગ્રેસ ત્રીજા નંબરે રહેશે. બીએસપી 6.9 અને એસપી 4.4 ટકા મતો મેળવી શક્યા હતા. આ વખતે બંને ભેગા લડે છે ત્યારે સરવાળો આનાથી વધી શકે છે. દલિતો અને મુસ્લિમોના ઠીક ઠીક મતો અહીં છે, તે બધા એસપીના ઉમેદવાર શાલિની યાદવને મળી શકે છે. આ જ મતો મોટા ભાગે કેજરીવાલને મળ્યા હતા. તેથી કેજરીવાલના ગયા વખતના મતો વત્તા એસપી-બીએસપીના 10 ટકા સાથે પણ ત્રીસેક ટકા મતો થાય છે.
ભાજપના ઉમેદવારોની સ્થિતિ ગઠબંધન સામે અન્યત્ર મુશ્કેલીમાં છે, પણ વારાસણીમાં નરેન્દ્ર મોદીને એટલી ચિંતા થાય તેમ નથી. વડાપ્રધાન હોવાના નાતે તેમણે વારાણસીમાં લોકોની નજરે ચડે તેવા વિકાસના કાર્યો કરાવ્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવ્યો, તેમ ગંગા નદીના ઘાટને સ્વચ્છ કરાવ્યા હતા. કાશીવિશ્વનાથ મંદિરથી નદી સુધીનો મોટો રસ્તો તૈયાર તેનું કામકાજ ચાલી રહ્યું છે. આ બધા નજરે ચડે તેવા કામ હોય છે. લોકોની નજરથી દૂર સુવિધાઓ ઊભી ના થઈ હોય તે દેખાય નહિ. ના દેખાય તેની ચર્ચા પણ ના થાય. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલી કે વારાણસીના શિક્ષિત બેકારોની સમસ્યા યથાવત છે, પણ તે નજરે ચડે નહિ. બીજું રાજ્ય સરકાર પણ પોતાની હોવાથી વારાણસી પર વિશેષ ધ્યાન અપાયું હોય. હિન્દુત્વનો અને રાષ્ટ્રવાદનો મુદ્દો તો ખરો, જે નવા યુવા વૉટર્સને આકર્ષે. ગયા વખતે માત્ર દાવેદાર હતા, આ વખતે પીએમ તરીકે લડી રહ્યા છે એટલે તેનો ફાયદો પણ થાય.

તેથી એસપી અને બીએસપીના ટેકા સાથે સંયુક્ત ઉમેદવાર મૂકવાનું નક્કી થાય અને પ્રિયંકા ઉમેદવાર બને તેવી પણ કોઈ શક્યતા નહોતા. એસપી અને બીએસપી કોંગ્રેસની સાથે સત્તાવાર જોડાવા નક્કી નથી તે નક્કી થઈ ચૂક્યું છે. સંયુક્ત ઉમેદવાર મૂકવામાં આવે તો પણ મોદી માટે જીત મુશ્કેલ ના બની હોત, માત્ર માર્જિન ઓછું થઈ શકે.
બીજું કેજરીવાલે મોદી સામે હારીને પણ રાષ્ટ્રીય નેતા તરીકેની પોતાની છાપ વધારે દૃઢ બનાવી હતી. પ્રિયંકા ગાંધીને એવી જરૂર નથી. વારાણસીમાં ચૂંટણી લડવાના કારણે વધુ સમય બેઠક પર આપવો પડે અને પૂર્વાંચલમાં તેમને અપાયેલી જવાબદારી ઓછી પાર પડે. બીજું મોદી સામે કોંગ્રેસનો સીધો પડકાર છે અને થોડું સંભાળવું પડશે એવી છાપ ઊભી થાય તો ભાજપના કાર્યકરો વધારે સક્રિય થાય. ઑલરેડી સક્રિય ભાજનપા કાર્યકરો માત્ર વારાણસીમાં નહિ, પણ અન્યત્ર, ખાસ કરીને પૂર્વાંચલમાં પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસને વધારે સાફ કરી દેવા માટે ઝનૂનથી કામ કરે. મોદી સામે હાલની લડાઈ એકપક્ષી છે. હરિફો હોવા છતાં, બિનહરિફ તરીકે વારાણસીમાંથી લડી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકરો સહજતાથી કામ કરે તે સાહેબ તો જીતી જ જવાના છે. સાહેબની સહેલી જીતથી યુપીમાં પણ આપણને વાંધો આવશે નહિ એવું કાર્યકરો માની શકે.
સામા પક્ષે કોંગ્રેસના કાર્યકરો ઝનૂનથી કામ કરે અને પ્રિયંકા ગાંધી હવે સીધા જ નરેન્દ્ર મોદી સામે પડ્યા છે તેવો ઉત્સાહ જગાવવા માટે તેમની ઉમેદવારી જરૂરી હતી તેમ કોંગ્રેસના કેટલાક નેતાઓ માને છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદીને હરાવવા માટે, રાષ્ટ્રીય કક્ષાએ અને વારાણસીમાં ઉમેદવારી કક્ષાએ પણ હરાવવા માટે તૈયાર છે એવો મેસેજ કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારો માટે જોમનું કામ કરી શકે તેવું વિશ્લેષણ થતું હતું. જોકે એ જોમ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ અને એનડીએની હરાવવાની સ્ટ્રેટેજીમાં નડતરરૂપ પણ થાય. કોંગ્રેસના મતો જેટલા વધે તેટલું સીધું નુકસાન એસપી-બીએસપી ગઠબંધનને થાય. ભાજપ મજબૂત થાય. ઉત્તર પ્રદેશમાં ભાજપને નબળો પાડવો કોંગ્રેસ માટે જરૂરી છે. તે માટે ગઠબંધનની બહાર રહેવું જરૂરી હતું તો તે પણ કરવામાં આવ્યું છે. એક ગણતરી એવી છે કે કોંગ્રેસને ઇરાદાપૂર્વક ગઠબંધનથી અલગ રખાયું છે. મિથિલાંચલના મૈથિલી બ્રાહ્મણો સહિતના હજી પણ કોંગ્રેસ સાથે રહેલા બિનઅનામત વર્ગના મતો કોંગ્રેસ સાથે રહે તે માટેની આ કોશિશ છે. આ મતો એસપી-બીએસપીને ટ્રાન્સફર ના થાય. ગઠબંધન હોત તો નારાજ થઈને તે મતદારો ભાજપને પણ વૉટ કરી શકે. તેના બદલે કોંગ્રેસ સાથે ટકી જાય તો તેટલું નુકસાન ભાજપને થાય. આ વ્યૂહરચના માટે પણ કોંગ્રેસે એવું દર્શાવવું જરૂરી છે કે ભાજપ અને મોદી સામે તે અસલી ચેલેન્જર નથી. ભાજપને કોણ હરાવી શકે તેનું કન્ફ્યૂઝન ઊભું થાય તો મુસ્લિમ મતોમાં ભાગલા પડી શકે. તેનો ફાયદો પણ ભાજપને થાય.
તેથી જ પ્રિયંકા ગાંધીનું નામ થોડા દિવસ માટે ચર્ચામાં લાવ્યા બાદ આખરે અજય રાયને ટિકિટ આપી દેવાઈ છે. અજય રાય મૂળ તો ભાજપના છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હતા. ધારાસભ્ય પણ બન્યા હતા. બાદમાં એસપીમાં જોડાયા અને ત્યાંથી કોંગ્રેસમાં આવ્યા છે. વચ્ચે ટિકિટ ના મળી ત્યારે અપક્ષ તરીકે પણ જીત્યા હતા. પોતાના વિધાનસભા ક્ષેત્રમાં મજબૂત છે, પણ સમગ્ર રીતે ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં નથી. ભૂમિહાર સમુદાયમાંથી આવે છે, તે સમુદાય પણ ભાજપનો જ ટેકેદાર રહ્યો છે. દલિત અને મુસ્લિમ અને યાદવોના મતો શાલિની યાદવને જશે. બિનયાદવ ઓબીસીના મતો ભાજપને જશે તેમ માની લેવાયું છે. તેથી અજય રાયે પોતાનો વિસ્તાર અને થોડા ચુસ્ત કોંગ્રેસી મતો પૂરતો જ આધાર રાખવાનો છે.
દરમિયાન કોંગ્રેસના આશાવાન નેતાઓ હજીય એવી ચર્ચા ચલાવી રહ્યા છે કે સરપ્રાઇઝ હજીય વારાણસીમાં આવશે. હજીય પ્રિયંકા ગાંધી લડશે તેવું કેટલાક નેતાઓ ખાનગીમાં પત્રકારોને જણાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો રોડ શો ભવ્ય બનાવવા માટે ભારે મહેનત કરાઈ હતી. બધી જ સરકારી અને સામાજિક મશીનરી કામે લગાડાઈ હતી અને ભીડ એકઠી કરી દેવાઈ હતી. પ્રિયંકા, કદાચ લડે તો, પ્રથમથી જ ભવ્ય દેખાડો કરીને એકતરફી લડાઈ છે તેવું દેખાડવાનું હતું. તે કામ થઈ ગયું છે. ભારે તૈયારીઓ પછી કોંગ્રેસે અજય રાયનું નામ જાહેર કરી દીધું એટલે લડવાની મજા આવશે તેવો ભાજપના કાર્યકરોનો થોડો ઉત્સાહ ઓછો પણ થયો છે.
 તેથી આખરે છેલ્લા દિવસે પ્રિયંકા ગાંધી મેદાનમાં આવી જ જશે. માટે રાહ જુઓ, ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ છે. આવું કોંગ્રેસી સોર્સ કહી રહ્યા છે. ગત વખતે કેજરીવાલે પણ આવો જ ભવ્ય રોડ શૉ કર્યો હતો અને રાહુલ તથા અખિલેષનો પણ ભવ્ય રોડ શૉ યોજાયો હતો. તેથી રોડ શૉથી જીતવાનું નથી, પણ જીત ભવ્ય હશે તેવું દેખાડવા માટેનો જ આ રોડ શૉ હતો. હવે સરપ્રાઇઝ પણ હશે કે કે તે માટે, કોંગ્રેસીઓ કહે છે તેવું કદાચ બને તો, પ્રિયંકા ખરેખર ઉમેદવારી કરશે કે કેમ વગેરે માટે તમે પણ રાહ જુઓ 29 તારીખની.