ચૂંટણી ભંડોળનો ભાંડો ક્યારે ફૂટશે?

ભારતના, આમ તો ઘણા બધા દેશોના, રાજકારણમાં ભ્રષ્ટાચારની શરૂઆત ચૂંટણીભંડોળથી થાય છે. ચૂંટણી માટે ફંડફાળો ઊઘરાવવો જરૂરી છે. ફાળો આપનારો તેની કિંમત આગળ જતા વસૂલ કરવાનો છે. મંદિરે એક રૂપિયો નાખીને સુખાકારી માગી લેનારો, રાજકીય પક્ષોને નોટો આપે ત્યારે પોતાનો ધંધો વધે તેવા નિયમો કરવાનું માગી લેતો હોય છે. ખાનગી એરલાઇન્સનું કામકાજ ચાલે તે માટે સરકારી એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સને ખતમ કરી નાખવામાં આવી. ખાનગી ટેલિકોમ કંપનીઓનો ધંધો ચાલે તે માટે બીએસએનએલને ખોખલી કરી નાખવામાં આવી. ખાનગી વીજળી કંપનીઓને તાગડધિન્ના થાય તે માટે ગુજરાતના સરકારી વીજળી મથકોની લાઈટ ડીમ કરી દેવામાં આવી છે.
ચૂંટણીભંડોળ અટકાવવું હોય તો ચૂંટણીનો ખર્ચ ઓછો કરવો પડે, જે નજીકના ભવિષ્યમાં થવાના નથી. પરંતુ ચૂંટણીભંડોળમાં થોડી પારદર્શિતા હોય તો લોકોને ખબર તો પડે કે ગુજરાતના કયા ઉદ્યોગપતિના ફાયદા માટે ગુજરાતના સરકારી વીજમથકોની સ્વીચો બંધ કરી દેવામાં આવી રહી છે. ખાનગી ઉદ્યોગપતિ પાસેથી કેટલી વીજળી મોંઘા ભાવે ખરીદવામાં આવી અને તેની સામે તે ખાનગી ઉદ્યોગપતિએ શાસક પક્ષને કેટલું ચૂંટણીભંડોળ આપ્યું તેનો હિસાબ લોકોને મળવો જોઈએ.
એ વાત જુદી છે કે હિસાબ મળ્યા પછીય લોકો ખાસ કશું કરી શકવાના નથી. આમ છતાં ચૂંટણીભંડોળમાં પારદર્શીતાની જરૂર છે. વીજકંપની કે ટેલિકોમ કંપનીના માલિકો કરોડો રૂપિયા આપે અને સામે ફાયદો લઈ જાય ત્યાં સુધી લોકો ચલાવી લેશે, પણ આવતી કાલે એવું પણ બની શકે કે દાણચોરો અબજો રૂપિયાનું ભંડોળ આપે અને તો… તો ચિંતા થાય કે નહિ. ચંદનના લાકડાની ચોરી કરનારી ગેંગ કરોડો રૂપિયા રાજકીય પક્ષોને આપે તો શું થાય… બાળવેશ્યાઓની હેરાફરી કરનારી ગેંગ… હાઈવે પર લૂંટ ચલાવતી ગેંગ… બેન્કોના ખાતામાં ડિજિટલ ફ્રોડ કરનારી ગેંગ… બીટકોઈનના કૌભાંડો કરાનારી ગેંગ… મલ્ટિલેવલ માર્કેટિંગ, ચેઈન માર્કેટિંગ, ચીટ ફંડ દ્વારા છેતરપિંડી કરનારી ગેંગ… ટૂંકમાં તમે કલ્પના કરો.
નાણાં પ્રધાન અરૂણ જેટલીએ એક યોજના જાહેર કરી કે રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ભંડોળ આપી શકાશે. કંઈક સુધારો થઈ રહ્યો છે એવું લાગ્યું, પણ સરવાળે સમજાયું કે આ બોન્ડ ઉલટાની માહિતી છુપાવીને કરોડો રૂપિયા વ્હાઇટમાં લેવાનો સરળ રસ્તો બની ગયો છે. આમ તો છટકબારી એ છે કે 1999 રૂપિયાની રસિદ બનાવવાની. બે હજારથી ઓછું ડોનેશન રોકડમાં લઈ શકાય છે. પહેલાં 20,000થી ઓછું લઈ શકાતું હતું. તેથી 19,999ની રસિદ બનાવવી પડતી હતી, હવે એકની જગ્યાએ દસ રસિદ બનાવવી પડે. વળે રોકડ સાચવવાની અને બેન્કમાં જમા કરાવવાની જફા.  તેની જગ્યાએ ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ લાવવામાં આવી કે જેથી કરોડો રૂપિયા સીધા બેન્કમાં જમા થઈ જાય અને કોઈને ખબર પણ ના પડે કે નાણાં આવ્યાં ક્યાંથી. સ્કીમ બહુ સરળ છે. એસબીઆઈ ઇલેક્ટોરલ બોન્ડ આપી શકે છે. વ્યક્તિએ બેન્કમાં જઈને એક હજાર રૂપિયાથી શરૂ કરીને પોતાની મરજી મુજબની રકમના બોન્ડ લઈ શકે. એક હજારના ગુણાંકમાં બોન્ડ મળે. કરોડો રૂપિયાના બોન્ડ પણ લઈ શકાય. બાદમાં આ બોન્ડ રાજકીય પક્ષને આપી દેવાના. રાજકીય પક્ષ આ બોન્ડ બેન્કમાં જમા કરાવે એટલે એસબીઆઈમાંથી તે રકમ પક્ષના ખાતામાં જમા થઈ જાય.
તમને અને મને ખબર જ ના પડે કે બોન્ડ કોણે ખરીદ્યા હતા. હા, બેન્કને ખબર હોય કે કોણે બોન્ડ ખરીદ્યા. પણ તે માહિતી જાહેર ના થાય. બીજી ચોંકાવનારી વાત એવી આવી કે વર્તમાન સરકારે ઉદ્યોગપતિઓને ધમકાવાનું પણ શરૂ કરી દીધું હતું. તમે બોન્ડ ખરીદશો અને વિપક્ષને આપશો તો અમને ખબર પડી જવાની છે. માટે જોજો. આ વાત વધારે ચિંતાજનક બની છે, કેમ કે વિપક્ષને ગરીબ રાખીને સતત સત્તા પર બેસી રહેવાની આ ચાલ છે એવો આક્ષેપ વિપક્ષે કર્યો છે. એવો ખ્યાલ આવ્યો કે ઇલેક્ટોરલ બોન્ડમાં મોટું કૌભાંડ થઈ શકે તેમ છે તેથી એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. આ અરજીના જવાબમાં સરકાર વતી એટર્ની જનરલે જે જવાબ આપ્યો હતો તે પણ બહુ આઘાતજનક હતો. એટર્ની જનરલ વેણુગોપાલે બેશરમીથી કહ્યું કે કોણે ડોનેશન આપ્યું છે તે જાણવાની નાગરિકોને કોઈ જરૂર નથી. રાજકીય પક્ષોને રોકડમાં કાળું નાણું દાનરૂપે મળે છે તે બંધ થાય અને ચૂંટણીભંડોળ પારદર્શી બને તેવો હેતુ હોવાનો દાવો કરાયો હતો. એડીઆરે ફરિયાદ કરી કે થયું છે તેનાથી ઉલટાનું. ચૂંટણીભંડોળ વધારે અપાદર્શી બન્યું છે અને સૌથી વધુ બોન્ડ ભાજપને મળ્યા છે.
ઇલેક્ટોરલ બોન્ડ બંધ કરી દેવાની માગણી અરજીમાં કરવામાં આવી હતી. તે માગણીને સુપ્રીમ કોર્ટે માન્યા રાખી નથી, પણ સૂચના આપી છે કે રાજકીય પક્ષોએ હિસાબ આપવો. કોણે કોણે બોન્ડ આપ્યા તેની જાણ કરવી. એટર્ની જનરલની રજૂઆતને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી અને કહ્યું કે લોકોને જાણવું જરૂરી છે કે કોણે કેટલા રૂપિયા કયા પક્ષને આપ્યો.
જોકે ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હશે. નવી સરકાર પણ આવી ગઈ હશે. નવી સરકાર હોની હશે અને તે શું કરશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. બીજું 30 મે સુધીમાં સીલબંધ કવરમાં બોન્ડથી મળેલા ડોનેશનની વિગતો આપવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. પરંતુ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી હિસાબ થઈ શક્યો નથી એવું બહાનું અવશ્ય રાજકીય પક્ષો આપશે તેમ ધારી શકાય છે. તેથી વધુ એક મુદત માગવામાં આવશે, કેમ કે અદાલતે યોગ્ય રીતે ન્યાય થયો છે તેવું દર્શાવવા માટે પણ નાછૂટકે આવા બહાના ચલાવી લેવા પડે છે. તેથી 30 મેના રોજ યાદી રજૂ થાય તેવી શક્યતા ઓછી છે. રજૂ થશે તો પણ તે સીલબંધ કવરમાં હશે. તેથી જાહેરમાં ક્યારે આવશે તે નક્કી નથી.
બીજું હજી એ સ્પષ્ટ થયું નથી કે બોન્ડ આપનારા અને ખરીદનારા બંનેના નામો કોર્ટને અપાશે કે કેમ. આ બંને અલગ હોઈ શકે છે. એક વ્યક્તિ એસબીઆઈમાં જઈને 1000 રૂપિયાના બોન્ડ ખરીદી શકે છે. તે માટે પોતાનું કેવાયસી આપવું પડે. કેવાયસી આપો એટલે નામ વિનાનો એક હજારનો બોન્ડ બેન્ક તમને આપી દે. તમે બોન્ડ તમારા મિત્રને આપી દો, તમારો મિત્ર તેના એવા મિત્રને આપે જેનો એક મિત્ર રાજકીય કાર્યકર હોય, રાજકીય કાર્યકર બોન્ડ લઈ લે અને પોતાના એક મિત્રને આપીને કહે કે જા પક્ષમાં જઈને જમા કરાવી દે. રાજકીય પક્ષ કદાચ તે વ્યક્તિનું નામ લખીને બોન્ડ જમા લે અને કદાચ નામ ના પણ લખે. પેલો માણસ કહેશે કે મારું નામ ના લખતા, હું તો બીજા વતી બોન્ડ આપવા આવ્યું છે. આ સંજોગોમાં માત્ર કુલ કેટલાક બોન્ડથી કેટલા રૂપિયા જમા થયા તેટલો જ હિસાબ કદાચ રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટમાં જમા કરાવશે.
આવા હિસાબનો કોઈ અર્થ રહેવાનો નથી, કેમ કે ઇલેક્ટોરલ બોન્ડથી કુલ કેટલા રૂપિયા ફાળામાં મળ્યા છે તેનો હિસાબ ઘણા બધા રાજકીય પક્ષોએ આપી પણ દીધો છે. એક આરટીઆઈ થઈ તેમાં આ માહિતી જાહેર થઈ છે. માર્ચ 2018થી જાન્યુઆરી 2019 સુધીમાં રાજકીય પક્ષોએ 99.8 ટકા ભંડોળ ઇલેક્ટોરલ બોન્ડથી જ મેળવ્યું છે. અર્થાત 1999 રૂપિયાની રસિદો બનાવવાના બદલે લોકોને કહેવાયું હશે કે તમે એસબીઆઈમાં જઈને હજાર હજારના બે બોન્ડ લઈ આવો અને આપી દો. બીજું ઇલેક્ટોરલ બોન્ડ મારફતે બધા રાજકીય પક્ષોને કુલ ભંડોળ મળ્યું, તેમાંથી 95 ટકા એકલા ભાજપને મળ્યું છે. નવેમ્બર 2018માં ભાજપે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે તેને કુલ 201 કરોડ રૂપિયા બોન્ડથી મળ્યા છે. તે વખતે દેશમાં કુલ બોન્ડ વેચાયા હતા 222 કરોડ રૂપિયાના. અર્થાત માત્ર 21 કરોડ રૂપિયાના બોન્ડ અન્ય રાજકીય પક્ષો પાસે ગયા હતા.
ઇલેક્ટોરલ બોન્ડની યોજના જાહેર થઈ ત્યારે થોડી શંકા હતી જ. આ આંકડો જાહેર થયો તે પછી બધાના મનમાં સવાલો થવા લાગ્યા હતા. એ જ સવાલ સુપ્રીમ કોર્ટે પણ પૂછ્યો કે ચૂંટણીભંડોળની પારદર્શીતા માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજના હતી, તો તેમાં આટલું બધું ખાનગી રાખવાની કોશિશ કેમ થાય છે.  રાજકીય પક્ષો વાહિયાત દલીલો આપી રહ્યા છે કે ફંડફાળો આપનારી વ્યક્તિ પોતાનું નામ જાહેર કરવા ઈચ્છતી હોતી નથી. આ દલીલ સાવ નાખી દેવા જેવી નથી. ઘણા લોકોને લાગે કે પોતે કોઈ પક્ષને મોટા પાયે દાન આપે છે તો તેના કારણે અન્ય પક્ષ જીતે ત્યારે મુશ્કેલી થઈ શકે છે. આવી સ્થિતિને ટાળવા માટે જ કોર્પોરેટ કંપનીઓ મોટા ભાગે બધા મહત્ત્વના રાજકીય પક્ષોને ભંડોળ આપતી હતી. રાષ્ટ્રીય પક્ષોને થોડું વધારે દાન આપે, પ્રાદેશિક પક્ષોને થોડું ઓછું દાન આપે. પણ આપે ખરી. તેના બદલે હવે 95 ટકા બોન્ડ એક જ પાર્ટીને મળી ગયા, અને બીજા પક્ષોને માત્ર પાંચ ટકા મળ્યા તે સ્થિતિ વધારે જોખમી બની છે.
ફંડફાળાની બાબતમાં રાજકીય પક્ષોએ ભેગા બેસીને અને સાથે તટસ્થ નિષ્ણાતોને બેસાડીને ઉકેલ શોધવાની જરૂર છે. એક જ વ્યક્તિ કે સંસ્થા કે કંપની પાસેથી મહત્તમ ફાળાની મર્યાદા બાંધવાની પણ જરૂર છે. એ મર્યાદા પણ ભાજપ સરકારે દૂર કરી છે. નફાના અમુક ટકાથી વધારે રકમ રાજકીય ફાળામાં અપાતા નહોતી તે નિયમ દૂર કરાયો છે. બીજું મોટા મોટા દાન લેવાના બદલે કાર્યકરો પાસેથી અને નાગરિકો પાસેથી નાની નાની રકમનું દાન મળતું રહે તેવી વ્યવસ્થા તરફ વળવું જરૂરી છે. અથવા લિસ્ટેડ કંપનીઓના નફાની નાનકડી રકમ ફરજિયાત રાજકીય ડોનેશન માટે લઈને તે રકમ લગભગ સમાન રીતે બધા પક્ષો વચ્ચે વહેંચાઈ તેવું પણ વિચારવું જોઈએ. બહુ નાના અને ફાલતુ રાજકીય પક્ષોને ભંડોળ આપવાની જરૂર નથી. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની વ્યાખ્યા થોડી વધારે ચૂસ્ત કરીને, માત્ર ગંભીર રાજકીય પક્ષોને સમાન સ્તરે ભંડોળ મળે તેવું વિચારવું જરૂરી છે.
બીજી બાજુ ખર્ચ પર નિયંત્રણ વધારે મૂકવાની પણ જરૂર છે. ઉમેદવારોના ખર્ચ પર મર્યાદા છે, પણ પક્ષોના ખર્ચ પર મર્યાદા નથી. પક્ષોના ખર્ચ પર પણ મર્યાદા મૂકવાની જરૂર છે. સોશ્યલ મીડિયા અને ટીવીના જમાનામાં સભાઓ પાછળ ખર્ચ કરવાના બદલે આ પ્લેટફોર્મ્સ પર સમાન તક મળે તે રીતે પ્રચારની વ્યવસ્થા ગોઠવાય તો મોટા પાયે ખર્ચ ઘટી જશે. રાજકીય નેતાઓને પણ આ વાત ગમશે કે તેમણે ફંડફાળા માટે ઉદ્યોગપતિઓ પર ઓછો આધાર રાખવો પડે. તેઓ વધારે મોકળાશથી પોતાનું રાજકારણ કરી શકશે. ઓછા ખર્ચે, તંદુરસ્ત રીતે અને મોકળાશ સાથે ચૂંટણી સ્પર્ધા કરવા મળે તે રાજકીય નેતાઓના પણ હિતમાં છે તે વાત સમજાશે ત્યારે જ આ દિશામાં સુધારા થશે તેમ લાગે છે.