રાષ્ટ્રપતિએ કહ્યું કે ટીપુ સુલતાન હિરો હતો અને…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન હતું કર્ણાટક વિધાન સૌધામાં. વિધાન સૌધા એટલે વિધાનસભા એ તરત સમજાઈ જાય તેવું છે, પણ જે ના સમજાયું તે એ હતું કે પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિ કોવિંદે ટીપુ સુલતાનના પણ વખાણ કર્યા. આ પણ શબ્દનો વચ્ચે ઉપયોગ અગત્યનો છે, કેમ કે પણ કાઢીને વાંચો તો લાગે કે રાષ્ટ્રપતિએ માત્ર ટીપુ સુલતાનના જ વખાણ કર્યા હશે. તેમણે કર્ણાટકના ઘણા બધા ઐતિહાસિક વીરનાયકોને યાદ કર્યા હતા. પણ સૌથી વધુ વિવાદ થયો ટીપુ સુલતાનના નામને કારણે, કેમ કે ટીપનું નામ જ વિવાદ છે.

કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે, પરંતુ દક્ષિણનું આ પહેલું રાજ્ય છે જ્યાં ભાજપને સત્તા મળી હતી. પણ ગુજરાતમાં થયું હતું તેવું જ કર્ણાટકમાં પણ થયું હતું અને ભાજપની સરકાર બની પછી અંદરોઅંદર વિખવાદ થયો હતો. યેદીયુરપ્પાને પક્ષમાંથી જવું પડ્યું હતું તે ફરી ભાજપમાં આવ્યા છે અને ભાજપ ફરી કર્ણાટકમાં સત્તા મેળવવા આતુર છે, ત્યારે કર્ણાટકની વિધાનસભાની 60મી જયંતિએ યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિને આમંત્રણ અપાયું હતું.
કર્ણાટકની રાજ્ય સરકાર ટીપુ સુલતાન જયંતિ પણ ઉજવી રહી છે. 2015થી તેની જયંતિની ઉજવણી ચાલી રહી છે. ટીપુ સુલતાનના નામે કોંગ્રેસ રાબેતા મુજબની જ ભૂલો કરી રહ્યું છે અને ભાજપ તેનો લાભ લેવા માગે છે. તેથી કર્ણાટકના ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ સામેથી પત્ર લખીને કર્ણાટક સરકારને જણાવ્યું હતું કે ટીપુ સુલતાનની ઉજવણીના કાર્યક્રમોમાં તેમનું નામ રાખવું નહીં. એક તરફ ભાજપ કર્ણાટકના નેતાઓ ટીપુ સુલતાનની જયંતિની ઉજવણીનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે ભાજપે પસંદ કરેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ રાજ્યમાં જઈને જ ટીપુ સુલતાનના હિરો તરીકે વખાણ કરે તો કેવી કમઠાણ થાય તે સમજી શકાય છે.

એવું જ થયું અને ભારે વિવાદ જાગ્યો છે. કોવિંદે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસ જોયો છે એવા વખાણ કોંગ્રેસ તરફીઓ દ્વારા થયા, પણ ભાજપ તરફીઓ દ્વારા ટીકાનો મારો ચાલ્યો કે હિન્દુઓને (અને ખ્રિસ્તીઓને પણ) વટલાવવા માટે તેમના પર અત્યારચાર કરનારા ટીપુ સુલતાનના વખાણ કઈ રીતે થઈ શકે. ભાજપે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની રાજ્ય સરકારે પ્રેસિડન્ટનું ભાષણ લખી આપ્યું હતું, જ્યારે કોંગ્રેસે ખુલાસો કર્યો છે કે ટીપુ સુલતાનના કાર્યક્રમના આયોજકોએ જે નોંધ આપી હતી તેના આધારે પ્રેસિડન્ટના પ્રેસ સેક્રેટરીએ જાતે તેમનું ભાષણ તૈયાર કર્યું હતું. રામનાથ કોવિંદ બોલ્યા કે ટીપુ સુલતાન બ્રિટીશરો સામે લડતાં લડતાં ઐતિહાસિક શહીદીને પામ્યા હતા. આ વાક્યને કોંગ્રેસના ધારાસભ્યોએ પાટલીઓ થપથપાવીને વધાવી લીધું હતું. કોવિંદે એમ પણ કહ્યું કે માયસોર રોકેટ વિકસાવવાનું કામ ટીપુએ કર્યું હતું અને બાદમાં યુરોપિયનો દ્વારા આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. આ બંને વાક્યો વિવાદાસ્પદ બન્યા, કેમ કે બ્રિટીશરો સામે 1799માં લડતાં લડતાં મરાયેલો ટીપુ ‘ભારત દેશ’ની આઝાદી માટે લડી રહ્યો હતો કે પોતાનું રાજ્ય બચાવવા એ વિવાદનો વિષય રહ્યો છે. રોકેટ ટેક્નોલોજીનું પણ એવું છે. ભારતમાં જૂનું બધું બહુ સારું હતું તે થીમમાં ટીપુએ વિકસાવેલું રોકેટ જ પ્રથમ રોકેટ હતું અને તેમાંથી જ રોકેટ સાયન્સનો વિકાસ થયો તેવી વાતો થાય છે. આ વાતમાં અર્ધસત્ય છે. ટીપુ સુલતાને રોકેટ બનાવવા માટે અગલ વિભાગ ઊભો કર્યો હતો તે વાત સાચી છે. પણ લોખંડની નળી બનાવી, તેમાં દારૂગોળો ભરીને રોકેટ બનાવ્યું હતું, તે બે કિમી દૂર સુધી જતું હતું અને બ્રિટિશ આર્મી તેનાથી ભારે ગભરાઈ હતી તે વાતોમાં માન્યતા વધારે છે. તેમાંથી જ યુરોપિયનોએ રોકેટ વિકસાવ્યું તેવી વાત સામે યુરોપમાં રોકેટ શાસ્ત્ર વિકસ્યું તે સ્વતંત્ર રીતે વિકસ્યું હતું તેમ માનનારા પણ છે.

રોકેટની વાત ઠીક છે, પણ ટીપુ સુલતાનને હીરો ગણાવાય તે ભાજપને મંજૂર ના થાય, કેમ કે કર્ણાટકમાં ટીપુ સુલતાનની ઉજવણીનો ભાજપ વિરોધ કરે છે અને તેના માટે તે અગત્યનો ચૂંટણીનો મુદ્દો છે. ભારતના કેટલાક ઐતિહાસિક પાત્રોની જેમ ટીપુ સુલતાન પણ ભારે વિવાદનું પાત્ર છે. તેના વિશે બંને છેડાના વિરોધાભાસી અભિપ્રાયો મળે છે. હિન્દુ અને ખ્રિસ્તીઓને વટલાવવા કેવા અત્યાચારો ટીપુએ કરેલા તેની દંતકથાઓ અને લોકકથાઓ આજે પણ કર્ણાટકમાં પ્રચલિત છે. તેની સામે ટીપુના સૈનિકોમાં 70 ટકા હિન્દુઓ હતા અને તે મંદિરોને પણ જમીનો વગેરે આપતો હતો તેવી વાતો પણ જણાવાતી હોય છે. વટલાવાનું કામ રાજકીય હતું એવી દલીલો પણ કેટલાક કરી નાખે.
કર્ણાટકના એક વિસ્તારમાં ટીપુ સૌથી મોટો અત્યાચારી આજે પણ ગણાય છે, કેમ કે આ વિસ્તારને તે યુદ્ધથી જીતી શક્યો નહોતો. આખરે દોસ્તી કરવાના બહાને દગાખોરીથી ટીપુએ કોડાગુને જીતી લીધું હતું. કર્ણાટકથી અઢીસો કિમી દૂર પહાડો વચ્ચે કોડાગુ જિલ્લો આવેલો છે. કુર્ગ તરીકે ઓળખાતો આ વિસ્તાર લાંબો સમય ટીપુ સામે લડતો રહ્યો હતો. આ વિસ્તારના લોકો કોડાવા અને કુર્ગી તરીકે ઓળખાય છે. આજે પણ કોડાવા કે કુર્ગી સામે ટીપુનું નામ લો તો હાડોહાડ નફરત ભરેલી દેખાઈ આવે.

કોડાવા સાથે દાયકાઓ સુધી લડાઇ બાદ આખરે ટીપુએ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. ટીપુની સેના મોટી હતી અને સાધનો વધારે હતા. છતાં કોડાવા લડતા રહ્યા હતા, પણ થાક્યા પણ હતા. ટીપુ પણ થાક્યો હશે એમ માનીને સમજૂતિ કરાઈ હતી. ભારતની પ્રાચીન પરંપરામાં સમજૂતિ પાળવાની પરંપરા છે, પણ મુસ્લિમ શાસકો કોઈ નિયમો પાળીને યુદ્ધ નહોતા કરતા. દગાખોરી તેમના માટે યુદ્ધની એક નીતિ જ હતી. કોડાવાને પણ તેનો અનુભવ થયો.
કોડાગુની રાજધાની મેડિકેરી કેટલીક વાર ટીપુએ કબજે પણ કરેલી. માત્ર કબજો કર્યો તેનાથી વાત વણસી ના હોત, પણ કથા અનુસાર તમે જો વિરોધ કરશો તો તમને વટલાવી દઈશ એ ધમકી ભારે પડી હતી. ફરી કોડાવા અને કુર્ગી લોકોએ લડત આપીને ટીપુને હાંકી કાઢ્યો હતો. આવી લડાઈઓ વચ્ચે દોસ્તીની વાત આવી અને ટીપુને કોડાગુમાં પ્રવેશ મળ્યો. પણ તે પછી નિશસ્ત્ર થયેલા કોડાવાઓને પકડીને શ્રીરંગપટ્ટન લઈ જવાયા. શ્રીરંગપટ્ટન ટીપુની રાજધાની હતી. એવી કથાઓ છે કે 80 હજાર જેટલા કોડાવાને ત્રાસ આપીને મુસલમાન બનાવાયા હતા અને જે ના માન્યા તેમની કતલ કરી દેવાઈ હતી.

આવી કથાઓ વચ્ચે કોંગ્રેસ ટીપુની જયંતિ ઉજવે અને ભાજપે પસંદ કરેલા રાષ્ટ્રપતિ કોવિંદ બેંગાલુરુમાં જઈને ટીપુને હિરો તરીકે વખાણે ત્યારે કેવો વિવાદ થાય તે સમજી શકાય તેમ છે. કર્ણાટકની ચૂંટણી સુધી આ વિવાદ ચાલતો રહે છે. ઇતિહાસ જીતનારી પ્રજાનો હોય એ વાત અમસ્થી નથી કહેવાતી. વર્તમાન સમયમાં ભારતમાં ઇતિહાસ બદલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે તેમાં બંને બાજુથી બહુ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. કોઈ એક પક્ષનો હાથ અત્યારે ઉપર નથી, કેમ કે લોકશાહી તાજી છે અને તંદુરસ્ત છે અને તેમાં કોઈ એક પ્રજા હારે અને બીજી પ્રજા જીતે તેવી સ્થિતિ નથી હોતી. લોકશાહીમાં માત્ર રાજકીય પક્ષોની જ હારજીત થવાની હોય, નાગરિકોનો સદાય વિજય થવાનો હોય. એ સંજોગોમાં માત્ર એક જ પક્ષનો ઇતિહાસ સર્વમાન્ય નહિ બને, પણ તેના વિશે વિવાદો ચાલ્યા કરશે. વિવાદોના બદલે ડિબેટ થાય તો વધારે સારું એટલું કહીને વિરમીએ.