ટેલિકોમ, એરલાઇન, રેલવે સાથે અમલદારશાહીનું પણ ખાનગીકરણ?

ર ઇન્ડિયા ખોટના ખાડામાંથી બહાર નીકળી શકી શક્યું નથી. તેને વેચી નાખવા માટે ભાજપ સરકારે ગયા વખતે પણ પ્રયાસો કર્યા હતા, પણ સફળતા મળી નહોતી. દરમિયાન જેટ એરવેઝની સ્થિતિ કથળી અને તે બંધ થઈ ગઈ છે. તેના કારણે હાલ પૂરતું એર ઇન્ડિયાનું ખાનગીકરણ અટક્યું છે, પણ વહેલામોડા તેને વેચવી પડશે. બીજી બાજુ બીએસએનએલની હાલત પણ કથળવા લાગી છે. હાલમાં સમાચાર હતા કે જૂન મહિનાનો પગાર કરવા માટેના 850 કરોડ રૂપિયા તેની પાસે નથી. 1 લાખ 76 હજાર જેટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ ધરાવતા બીએસએનએલ માથે 13,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે.

શંકા એવી છે કે સરકારી ટેલિકોમ કંપનીને ખોખલી કરી દેવાનો બદઈરાદો સત્તાધીશોનો છે. ભૂતકાળના સત્તાધીશોએ પણ આવું કર્યું છે, આજના સત્તાધીશો પણ કરી રહ્યા છે. ખાનગીકરણને આવકાર મળે છે. સરકારી ફાઇવ સ્ટાર્સ હોટેલો વેચી નાખે તેમાં કોઈને વાંધો ના હોય. વિમાની સેવાનું ખાનગીકરણ કર્યું છે તેનો પણ કોઈને વાંધો નથી, પરંતુ ખાનગીકરણ કરતી વખતે અમુક ઉદ્યોગગૃહો ફાવી જાય તેવી નીતિ સત્તાધીશો અપનાવતા હોય છે તેવો આક્ષેપ થતો રહે છે.

હાલમાં એવા પણ સમાચાર આવ્યા કે રેલવેમાં પણ ખાનગીકરણ થશે. રાજધાની જેવી ટ્રેનો ખાનગી કંપનીઓ સોંપી દેવાશે વગેરે. જોકે બીએસએનએલના વીઆરએસ પછી ઓછા થયેલા 1.76 લાખ કર્મચારીઓ સામે રેલવેમાં 13 લાખથી વધારે કર્મચારીઓ છે. વિરોધના કારણે રેલવે પ્રધાન પિયુષ ગોયલે સ્પષ્ટતા કરી છે આવું ખાનગીકરણ થવાનું નથી. જોકે એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનો ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારી થઈ ગઈ છે. 23 સ્ટેશનો માટે બોલી બોલાવાની છે.

આ સાથે જ વધુ એક સમાચાર આવ્યા છે કે સરકાર સચિવ કક્ષાએ સીધી જ નિષ્ણાતોની ભરતી કરવા માગે છે. ઉપર ઉપરથી આ વાત વખાણવાલાયક લાગે છે કે સરકાર એક્સપર્ટની ભરતી કરીને સરકારી તંત્ર સુધારવા માગે છે. પરંતુ તેની પાછળ અસલ ઇરાદો ધીમે ધીમે અનામતની નાબુદી તરફ છે. બીજો આક્ષેપ એવો પણ થવા લાગ્યો છે કે ટોચના સ્તરે અનામતના કારણે એસસી, એસટી અને ઓબીસીના લોકો અમલદાર તરીકે ના આવે તે માટે પણ આવા પ્રયાસો થઈ રહ્યા છે.

સાચી વાત એ છે કે સાત દાયકા પછીય ટોચની અમલદારશાહીમાં આજેય બિનઅનામત વર્ગનું જ વર્ચસ્વ ટકી રહ્યું છે. એટલું જ નહિ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે નિયમોને એવી રીતે મરોડવામાં આવ્યા છે કે પ્રોફેસર કક્ષાએ ભાગ્યે જ અનામતના આધારે ભરતી થાય. સમગ્ર યુનિવર્સિટીના કર્મચારીગણની સંખ્યા ગણીને તેના આધારે અનામતના બદલે, દરેક વિભાગને અલગઅલગ ગણી ભરતી કરવામાં આવે છે. તેના કારણે નિયમોની છટકબારીથી ઉપલા સ્તરે ઓછી ભરતી થાય છે.

ખાનગીકરણ આવકાર્ય છે અને તેના કારણે ફાયદા પણ થાય છે. તેની ના નથી, પરંતુ ખાનગીકરણના કારણે ફરી એકવાર ઐતિહાસિક કારણોસર જે વર્ગને પ્રતિનિધિત્વની તક નહોતી મળતી, તેમને ફરીથી તક મળવામાં અવરોધ ઊભો થાય છે. સીધી રીતે નહિ, પણ આડકતરી રીતે અનામતને અર્થહિન કરી નાખવા માટેની આ રીત હોવાનું ઘણાને લાગી રહ્યું છે.

દાખલા તરીકે નફો કરતા અમદાવાદ એરપોર્ટનું પણ ખાનગીકરણ કરી દેવાયું છે. ખાનગી કંપની વધારે સારો નફો કરશે. ખાનગી કંપની નફો કરે અને સરકારની જવાબદારી ઓછી થાય તેનો પણ વાંધો ના હોય, પણ ખાનગીકરણ પછી કર્મચારીઓની ભરતીમાં લાગવગને સ્થાન પ્રાપ્ત થાય છે. લાગવગ વિનાના વર્ગને ફરી એકવાર નોકરી માટેની તક મળતી નથી.

અનામત માગવાના નામે અનામત સામે વિરોધ ઊભો કરવા માટેના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા છે તેવી શંકા સાવ અસ્થાને નથી. મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સહિતના રાજ્યોમાં જુદી જુદી જ્ઞાતિઓમાં અનામત માટેની માગણી ઊભી થાય તે માટે પદ્ધતિસરના પ્રયત્નો થયા હોય તેવી શંકા જવી વાજબી લાગે છે. દેશમાં ચારે બાજુ શક્તિશાળી જ્ઞાતિસમૂહો માત્ર પોતાની એક જ જ્ઞાતિ માટે અનામત માગતા થયા અને શક્તિશાળી હોવાથી વધારે પ્રબળપણે આંદોલનો પણ કરી શક્યા.

આખરે આ આંદોલનો પછી લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં ભાજપ સરકારે રાતોરાત 10 ટકા અનામતનો ખરડો તૈયાર કરી લીધો. નામ અપાયું છે આર્થિક અનામત, પણ કોઈ તર્ક પ્રમાણે આ આર્થિક ધોરણ અનામત નથી. આ બિનઅનામત વર્ગને, જ્ઞાતિના ધોરણે અપાયેલી અનામત જ છે. આંદોલનો સાથે માહોલ એવી રીતે ઊભો કરાયો હતો કે ગુજરાત સહિતના રાજ્યોમાં વિપક્ષને પણ લાડવા દેખાવા લાગ્યા હતા. અનામત આંદોલનોનો ફાયદો ઉઠાવવાની શાસક અને વિપક્ષ બંનેમાં હોડ લાગી હતી. તેથી બિનઅનામત વર્ગ માટે 10 ટકા અનામત, 50 ટકાની હદ વટાવીને પણ આપી શકાય તે માટે બંધારણનો ખરડો લાવવામાં આવ્યો. રાતોરાત ખરડો આવ્યો, રાતોરાત ચર્ચા થઈ અને ઘાંઘા થયેલા વિપક્ષોએ પણ ટેકો આપવો જ પડ્યો.

સુપ્રીમ કોર્ટે હાલ તેના પર સ્ટે આપવાની માગણી નકારી છે અને બંધારણીય બેન્ચને તે સોંપવા માટે જણાવ્યું છે. આ કેસ ક્યારે આગળ વધે તે જોવાનું રહ્યું, પણ તેના કારણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટો ફાયદો થઈ ગયો છે. એરસ્ટ્રાઇક જેટલો ફાયદો અનામતના કારણે થયો છે. બિનઅનામત વર્ગની સ્પષ્ટપણે વૉટબેન્ક ઊભી થઈ છે અને ભાજપને ખોબલેખોબલે મતો આ વૉટબેન્કે આપ્યા છે.

આ અનામત પણ આપવા માટે નથી અપાઈ, પણ આખરે અનામતને નાબુદ કરી દેવા માટે અપાઈ છે તેવી ટીકા ઘણા લોકોએ કરી છે. ત્યારે સવાલ એ થવાનો કે જે હેતુ સાથે અનામત અપાઈ હતી, તે હેતુ સંપૂર્ણપણે પાર પડ્યો છે ખરો? અનામત આર્થિક ફાયદા માટે નહોતી. અનામત પાછળનો હેતુ સરકારી તંત્રમાં, નિર્ણાયક સ્થાને, શિક્ષણ સંસ્થાઓમાં અને નોકરીઓમાં બધા જ વર્ગોને યોગ્ય તક મળી રહે તે માટેનો હતો. સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ રહી ગયા હોવાથી ઘણા વર્ગો સ્પર્ધા ના કરી શકે અને તેમને આવા સ્થાનો પર જગ્યા ના મળે.

સવાલ એ છે કે સરકારી નોકરીઓમાં, ખાસ કરીને ઉચ્ચ કક્ષાની અમલદારશાહીમાં, સચિવ કક્ષાએ, હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ કક્ષાએ, આરબીઆઈ અને બેન્કો સહિતની ટોચની આર્થિક સંસ્થાઓની કક્ષાએ, યુનિવર્સિટી અને યુસીજી કક્ષાએ શું બધા જ વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ થઈ ગયું છે ખરું? તે શક્ય બન્યું નથી ત્યારે બહારના એક્સપર્ટ્સને સરકારમાં લાવવાના બહાને આગલા દાયકાઓમાં પણ અમુક જ વર્ગનું પ્રતિનિધિત્વ વધારે રહે તેવા પ્રયાસો થઈ રહ્યાના આક્ષેપોને થોડી વધારે ગંભીરતાથી લેવા જોઈએ.

ખાનગીકરણના ફાયદા ભારતે લેવા જોઈએ. દાખલા તરીકે ખાનગીકરણના કારણે ઘણા અંશે પરિવહન વધારે સરળ બન્યું છે. માત્ર એસટી પર આધાર રાખવાના બદલે ખાનગી ટ્રાવેલ્સથી પ્રવાસ થઈ શકે છે. તે થોડો મોંઘો પડે છે, પણ લોકોને સેવા મળતી હોય તો નાણાં ચૂકવવામાં વાંધો નથી. ખાનગી શિક્ષણ અને ખાનગી દવાખાનાને કારણે વધારે લોકોને તેનો લાભ મળે છે. અહીં પણ બંને મોંઘા થયા છે, પણ સારી સર્વિસ મળતી હોવાથી એક વર્ગ તે ચૂકવવા તૈયાર છે. પરંતુ આખરે સરકારી તંત્ર બચે જ નહિ, લોકો પાસે વિકલ્પ જ ના રહે ત્યારે આ જ ખાનગી કંપનીઓ મોનોપોલી ઊભી કરીને પ્રજાનું ફરી શોષણ કરી શકે છે.

આવું શોષણ ના થાય અને સ્પર્ધાનું વાતાવરણ ખાનગીકરણમાં ઊભું જ રહે તે જોવાનું કામ સરકારનું છે. સાથે જ લાંબા ગાળાની સામાજિક શાંતિ અને સદભાવ માટે પણ ખાનગીકરણ સાથે નીતિ નિર્ણાયક સ્થાને, અગત્યના સ્થાને કે ટોચના સ્થાને બધા જ વર્ગનું પ્રતિનિધિત્વ ઊભું થાય તેવું હિતચિંતકોએ જોવું રહ્યું. અમલદારશાહીનું ખાનગીકરણ સરકારી કામકાજમાં ચેતન લાવે અને સાથે જ બધા જ વર્ગનું પ્રતિનિધિ ઊભું કરવાની પણ તક આપે તો સૌ કોઈ તેને આવકારશે. એક્સપર્ટ્સના નામે લાગવગીયા અને મળતિયા જ અધિકારીઓ બની જવાના હોય, એક જ તરાહનું વહીવટીતંત્ર ઊભું થવાનું હોય તો કાર્યદક્ષતા પણ નહિ આવે અને અસંતોષ પણ ઊભો થશે.