શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ ઘેર પહોંચ્યું

શ્રીદેવીના પાર્થિવ શરીર સાથેનું ચાર્ટર્ડ વિમાન દુબઈથી આજે રાતે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું. શ્રીદેવીનું દુબઈની હોટેલમાં આકસ્મિક રીતે નિધન થયાના 71 કલાક બાદ એમના પાર્થિવ શરીરને મુંબઈ પહોંચાડવામાં આવ્યું છે.

મહાન બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ શરીર સાથેની એમ્બ્યૂલન્સ એરપોર્ટથી અંધેરી (વેસ્ટ)માં બોની કપૂરના નિવાસસ્થાન ‘ગ્રીન એકર્સ’ તરફ રવાના થઈ હતી. એમ્બ્યૂલન્સને મુંબઈ પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. અડધા કલાકની અંદર પાર્થિવ શરીરને નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યું હતું.

શ્રીદેવી-બોની કપૂરની બંને પુત્રી જ્હાન્વી અને ખુશી તેમજ શ્રીદેવીની સાવકી પુત્રી અંશુલા કપૂર (બોની કપૂર અને પ્રથમ પત્ની સ્વ. મોના કપૂરની પુત્રી) તથા અન્ય પરિવારજનો ગ્રીન એકર્સ નિવાસસ્થાને હાજર હતાં.

શ્રીદેવીના અંતિમસંસ્કાર આવતીકાલે બપોરે વિલે પાર્લે (વેસ્ટ) સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.

કપૂર પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા જાહેર નિવેદન અનુસાર, શ્રીદેવીના પાર્થિવ શરીરને કાલે સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અંધેરી વેસ્ટના લોખંડવાલા કોમ્પલેક્સ વિસ્તારના સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નંબર-5 ખાતે જાહેર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે એમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને 3.30 વાગ્યે પવનહંસ એરોડ્રોમની બાજુમાં આવેલા સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

httpss://youtu.be/xUv0ZcnhDNc

એરપોર્ટ ખાતે અનિલ કપૂર હાજર હતા અને રડતા હતા. એરપોર્ટ ખાતે શ્રીદેવીના હજારો પ્રશંસકોનું ટોળું જમા થયું હતું. પાર્થિવ શરીર સાથેની એમ્બ્યૂલન્સને એરપોર્ટના પાછલા ગેટ પરથી બહાર કાઢવામાં આવી હતી.

કપૂર નિવાસસ્થાન ગ્રીન એકર્સની બહાર પણ પ્રશંસકોની મોટી ભીડ જમા થઈ હતી. જોકે પોલીસનો બંદોબસ્ત પણ સખત રાખવામાં આવ્યો હતો.

દુબઈની હોટેલમાં શ્રીદેવીના અણધાર્યા નિપજેલા મરણના સમાચાર ચર્ચાસ્પદ બની ગયા છે. સમગ્ર દેશ સ્તબ્ધ એટલા માટે થયો કે એણે એક મહાન અભિનેત્રીને કાયમને માટે ગુમાવી દીધા છે, બીજું, શ્રીદેવીના મૃત્યુનું કારણ. પહેલા એવો અહેવાલ આવ્યો હતો કે શ્રીદેવીનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું. ગઈ કાલે એવા નવા અહેવાલ એ આવ્યા હતા કે શ્રીદેવી શરાબના નશાની હાલતમાં હતા અને એમની હોટેલ રૂમના બાથરૂમના બાથટબમાં આકસ્મિક રીતે પડી જવાથી મૃત્યુ પામ્યા હતા.

આ બધી વાતોને કારણે શ્રીદેવીનું મૃત્યુ રહસ્યમય બની ગયું હતું.

બીજી બાજુ, શ્રીદેવીના નિર્માતા પતિ બોની કપૂરની શ્રીદેવીના મૃત્યુના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી.

બાદમાં આજે સત્તાવાર અહેવાલ આવ્યા હતા કે દુબઈ પોલીસે શ્રીદેવીના મૃતદેહને રિલીઝ કરવાની મંજૂરી દર્શાવતો પત્ર શ્રીદેવીના પરિવાર અને ભારતીય કોન્સ્યૂલેટને સુપરત કરી દીધો છે.

બોની કપૂરનો પહેલી પત્નીથી થયેલો પુત્ર અર્જૂન કપૂર આજે સવારે દુબઈ પહોંચી ગયો હતો.

શ્રીદેવીના મૃત્યુના સંજોગોમાં સમગ્ર તપાસ પૂર્ણ થઈ ગયા બાદ દુબઈના સરકારી વકીલે શ્રીદેવીનો મૃતદેહ એમના પરિવારને સુપરત કરી દીધો હતો.

દુબઈ પબ્લિક પ્રોસિક્યૂટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા કેસોમાં હાથ ધરાતી તમામ રેગ્યૂલર પ્રક્રિયાઓ આ કેસમાં પણ પૂર્ણ થઈ ગઈ છે. ફોરેન્સિક અહેવાલ અનુસાર, શ્રીદેવીનું મૃત્યુ ભાન ગુમાવી બેસવાથી બાથટબમાં પડી જવાથી અને અકસ્માતપણે ડૂબી જવાને કારણે થયું હતું. આ કેસ હવે બંધ કરી દેવામાં આવ્યો છે.

તે પહેલાં દુબઈ પોલીસે શ્રીદેવીના મૃતદેહને ભારત લઈ જવાની મંજૂરી આપતો પત્ર ભારતીય કોન્સ્યૂલેટ તથા શ્રીદેવીના પરિવારજનોને સુપરત કર્યો હતો. ત્યારબાદ શ્રીદેવીના પાર્થિવ શરીર પર લેપ લગાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને દુબઈ એરપોર્ટ લઈ જવામાં આવશે અને ત્યાંથી ખાસ વિમાન દ્વારા મુંબઈ લઈ જવાનું નક્કી કરાયું હતું.

ભારતીય સમય મુજબ સાંજે લગભગ 6 વાગ્યે શ્રીદેવીના પાર્થિવ શરીર સાથેનું ચાર્ટર્ડ વિમાન ત્યારબાદ દુબઈથી મુંબઈ માટે રવાના થયું હતું.