ગંભીર સવાલ – ન્યાયાધીશોનો ન્યાય કોણ તોળશે?

સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો જાહેરમાં આવ્યાં અને પત્રકાર પરિષદ કરી. તેમણે કેટલીક ચિંતા વ્યક્ત કરી. તેની વિગતોમાં ન પડીએ, પણ એટલું ચોક્કસ કે આ ઘટના ચિંતા જગાવે તેવી છે. લોકતંત્રમાં બંધારણીય સંસ્થાઓની ભૂમિકા અગત્યની છે. સંસદ સૌથી સર્વોચ્ચ છે, પણ સંસદની સત્તાને બેલેન્સ કરવા માટે બીજી સંસ્થાઓ દેશમાં હોય તેમ ડાહ્યાં માણસો ઇચ્છે છે.સંસદમાં બેસનારાં નક્કી થાય છે ચૂંટણીથી. ચૂંટણી સમગ્ર પ્રક્રિયા અને તેની ધાંધલને કારણે ચિંતા થાય તેવી સ્થિતિમાં હતી ત્યારે ટી. એન. શેષન નામના માથાફરેલા માણસે રોન કાઢી હતી. તે પછી ચૂંટણી પંચ કેવી સ્વતંત્ર સંસ્થા છે અને તેની કામગીરી નિષ્પક્ષ રહે તે કેટલી જરૂરી અને ઉપયોગી છે તે આપણને સમજાયું હતું. તે પછી એક પછી એક ચૂંટણી ઓછી ચિંતા થાય તે રીતે થતી આવી છે. આ વખતે ગુજરાત અને હિમાચલની ચૂંટણી વખતે તારીખો ક્યારે જાહેર કરવી તે અંગે વિવાદો થયાં હતાં. ગુજરાતની તારીખો થોડી મોડી અને અલગથી જાહેર થઈ ત્યારે ચૂંટણી પંચની ટીકા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. સાથોસાથ ઇવીએમનો મામલો એવો ચગ્યો કે ભલભલાને શંકા થવા લાગે. આખરે બંને ચૂંટણીઓ શાંતિથી પૂર્ણ થઇ અને ઇવીએમનો મામલો પણ હાલ પૂરતો શાંત પડી ગયો. પણ ધારી લો કે પરિણામો વધારે અણધાર્યા આવ્યાં હોત તો શું થાત?

લોકશાહીમાં કોઈ જૂથમાં અસંતોષ ઊભો થાય ત્યારે તેને વ્યક્ત કરવાના બે માર્ગ છે. એક છે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો. બીજો માર્ગ છે અદાલતનો આશરો લેવાનો. વિરોધની રીતે ક્યારે આડી ફંટાય તે કહી શકાય નહીં, પણ અદાલતમાં તો વાત આડી નહીં ફંટાય તેવી ખાતરી આજેય નાગરિકોને છે.

આ ખાતરી અને આ વિશ્વાસ ટકાવી રાખવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટ સુધીમાં બીજી અદાલતોમાં હજી પણ હોંશિયાર વકીલોની દલીલો અને ઓછા નિષ્ણાત અને અનુભવી જજથી નાનકડી ચૂક થઈ શકે, પણ સર્વોચ્ચ અદાલતમાં વડેરા ન્યાયાધીશો કાચું ન કપાય તેનો ખ્યાલ રાખશે તેવી ખાતરી હોય છે.

સુપ્રીમ કોર્ટમાં પણ માત્ર એક જજ કેસ સાંભળતો નથી. બેન્ચ શબ્દ આપણે સાંભળીએ છીએ. બેન્ચનો અર્થ એ કે કોઈ પણ કેસ જે વધારે સંકુલ હોય તો એકથી વધારે જજ તેને સાંભળે. બેન્ચમાં બે, ત્રણ, પાંચ કે સાત જજ હોઈ શકે છે. તેની પાછળનો ઇરાદો એ છે કે જજ પણ મનુષ્ય હોવાથી માનવીય ચૂક થઈ શકે. પરંતુ વ્યાપક અસર ધરાવતા કેસો પર એક જ જજની ચૂકથી નુકસાન ના થાય તે માટે જરૂર પ્રમાણે સાત જજ સુધીની બેન્ચ બની શકે છે.આપણે બ્રિટીશ પદ્ધતિનું ન્યાયતંત્ર સ્વીકાર્યું છે. રાજાશાહીમાં ન્યાયની અલગ પ્રણાલી હતી. મુસ્લિમ શાસનમાં કાજી રહેતાં હતાં. કાજી ક્યું દુબળે તો કહે સારે ગાંવ કી ફિકર. સારે ગાંવ કી ફિકર કરે તે જ કાજી થાય. યુરોપના ઘણા દેશોમાં અને અમેરિકામાં જ્યુરી પ્રથા છે. કોર્ટમાં માત્ર જજ બંને પક્ષોને સાંભળે એટલું નહીં, પણ એક જ્યુરી બેઠી હોય તે પણ સાંભળે. જ્યુરીમાં જુદા જુદા વર્ગના લોકો હોય. તેમાં વિદ્વાન પણ હોય અને સામાન્ય કામદાર પણ હોય. વિદ્વાન અર્થશાસ્ત્રી જરુર ના હોય તે માણસને નોકરીમાંથી છૂટાં કરવા જોઈએ તે સિદ્ધાંતને સાચો માનતો હોય છે. કામદાર વાતને જુદી રીતે સમજે છે. વર્ષો સુધી એક જ કંપનીમાં, એક જ પ્રકારનું કામ કર્યા પછી કોઈને છૂટો કરવામાં આવે તો તેના જીવનની શી હાલત થાય તે અર્થશાસ્ત્રી નહીં, કામદાર સારી રીતે સમજી શકે.

સિદ્ધાંત અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે કોઈ માર્ગ કાઢવાનો હોય છે. રીત કોઈ પણ હોય, એકથી વધુ જજની બેન્ચ હોય, જ્યુરી હોય કે આપણી દેશી પદ્ધતિનું પંચ બેસાડવાનું હોય – ઇરાદો સારે ગાંવ કી ફિકર કરવાનો હોય છે. સારે ગાંવ કી ફિકર કરવા સાથે વ્યક્તિનો પણ વિચાર કરવાનો હોય છે. આખરે ન્યાય તોળાયો કે નહીં તે અગત્યનું હોય છે.
તેથી ચાર ન્યાયાધીશોએ ઊભા કરેલા મુદ્દામાં આખર સાર સારો નીકળ્યો કે નહીં તે સૌથી અગત્યનું રહેશે. આ વિવાદમાં પણ સૌ પોતાનો લાભ લણી લેશે. અહીં પેલી એકથી વધુ જજની બેન્ચ બનાવવાનો મુદ્દો મુખ્ય છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા દ્વારા છેલ્લા કેટલાક સમયમાં અમુકતમુક કેસ જે તે જજોની બેન્ચને સોંપાયા તેનો મુદ્દો ઉપસ્થિત થયો છે. તેની પાછળ ઇશારો એ છે કે કેસ કેવા પ્રકારનો છે તે ધ્યાનમાં રાખીને બેન્ચની ફાળવણી થાય છે. ન્યાયનો પહેલો સિદ્ધાંત જ અહીં તૂટી પડે છે – ન્યાય નિષ્પક્ષ રીતે તોળાવા જોઈએ એવું નહીં, પણ તોળાયો છે તેવું લાગવું પણ જોઈએ. શંકાથી પર સમગ્ર કાર્યવાહી હોવી જોઈએ.

ચાર ન્યાયાધીશોએ ઊભી કરેલી શંકા દૂર થઈ શકશે? રાહ જોવી પડશે, કેમ કે હાલમાં સરકારે સાવચેતી રાખીને આ મામલો ન્યાયતંત્રનો પોતાનો છે અને ન્યાયતંત્ર સ્વતંત્ર હોવાથી પોતાની રીતે ઉકેલે તેવું વલણ લીધું છે. આ વલણ યોગ્ય છે, પણ પોતાની રીતે ન્યાયતંત્ર આ મામલો ઉકેલી ના શકે તો શું? આ સવાલ ઊભો જ છે. રાહ જોઈએ શું થાય છે, પણ આ મામલો દેશના દરેકેદરેક નાગરિકોનો છે એટલે હવે પછીનો ઘટનાક્રમ શું થાય છે તેના પર સૌએ ઝીણી નજર રાખવી જોઈએ – નાગરિક તરીકેની ફરજ બજાવવાનો સમય આવ્યો છે. દેશ સાથે નાગરિકો પણ પ્રૌઢ થયા છે તે ભારતના નાગરિકોએ બતાવવું રહ્યું.