ગાંધીબાપુને પાકિસ્તાન સહિત 124 દેશોની સંગીતમય શ્રદ્ધાંજલિ…

0
6351

ભારતને અંગ્રેજોના સકંજામાંથી મુક્ત કરાવી મીઠીમધુર આઝાદી અપાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીને ભારતભરમાં આજે એમની 149મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી જ રહી છે ત્યારે દેશના બીજા દેશો પણ પાછળ રહ્યા નથી. તેમણે પણ આમાં ભારત સાથે હાથ મિલાવ્યા.

124 દેશોના કલાકારોએ મહાત્મા ગાંધીનું ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ગાયું છે જે ગાંધીજીનું ફેવરિટ હતું. આ કલાકારોએ આ ગીત ગાઈને બાપુના વૈશ્વિક શાંતિના આદર્શ-સંદેશને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

આ ગીત વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની આગેવાની હેઠળ ભારતના વિદેશ મંત્રાલયે તૈયાર કરાવ્યું છે.

આ ગીતને વડા પ્રધાન મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ઈન્ટરનેશનલ સેનિટેશન કોન્ફરન્સ વખતે રિલીઝ કર્યું હતું.

આ ગીતનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વિટર પેજ પર એને શેર કર્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા પરિષદમાં એ વખતે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટીરેઝ, સુષમા સ્વરાજ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગાંધીજીને પસંદ આ ખાસ ગુજરાતી ભજનની રચના 15મી સદીના કવિ નરસિંહ મહેતાએ કરી હતી.

ગાંધીજીની સભાઓના આરંભે આ ભજન વગાડવાનો એક નિયમ બનાવવામાં આવ્યો હતો.

આ ગીતમાં સામેલ થયેલા ગાયકો-કલાકારોની પસંદગી વિદેશ સ્થિત ભારતીય દૂતાવાસોએ કરી હતી.

આ ગીતમાં આર્મેનિયાથી અંગોલા, શ્રીલંકાથી સર્બિયા તેમજ પાકિસ્તાનને પણ આવરી લેવામાં આવ્યું છે.

આ વિડિયો પાંચેક મિનિટ જેટલો છે. આ સંગીતમઢ્યું ભજન વિવિધ કલાકારોએ રેકોર્ડ કરાવ્યું હતું.

આ ભજન માટે યુનાઈટેડ નેશન્સ સંસ્થા દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ દેશોએ યોગદાન આપ્યું છે.

વિડિયોમાં નાઉરુ દેશના પ્રમુખ બેરોન દિવાવેસી વાકાએ પણ પરફોર્મ કર્યું છે.

આ ભજન વિદેશ મંત્રાલયના યૂટ્યૂબ પેજ ઉપર પણ ઉપલબ્ધ છે.

‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ભજનનો અર્થ સમજાવતો વિડિયો પણ જુઓ…