વીસ વર્ષ પહેલાં મસૂદને છોડી મૂકવાની ભૂલ…

ભારતમાં આતંકવાદી હુમલો થાય ત્યારે મોટા ભાગે જૈશે મોહમ્મદનું નામ આવે છે. જૈશે મોહમ્મદ નામની ત્રાસવાદી ટોળકી બનાવનારો છે મસૂદ – મૌલાના મસૂદ અઝહર. ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો, સપ્ટેમ્બર 2016માં પઠાણકોટમાં અને ઉરીમાં હુમલો અને આ વખતે પુલવામામાં હુમલો, જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા. આ દરેક હુમલા પાછળ જૈશે પેદા કરેલા ત્રાસવાદીઓનો હાથ હતો. બીજા નાના મોટા હુમલા કાશ્મીરમાં થતા રહ્યાં છે તે જુદા.
પાકિસ્તાનમાં જન્મેલો આ એ જ મૌલાના મસૂદ છે, જે ભારતને હાથ લાગી ગયો હતો. ભારતની જેલમાં તે કેદ હતો, પણ તેને છોડી મૂકવો પડ્યો. ડિસેમ્બર 1999માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814નું અપહરણ થયું હતું. કાઠમંડુથી દિલ્હી આ ફ્લાઇટ આવી રહી હતી, જેનું અપહરણ મસૂદના ભાઈએ કર્યું હતું. વિમાનમાં કેટલાક વિદેશી સહિત 178 મુસાફરો હતા. મસૂદને છોડી મૂકવાની મસમોટી ભૂલ ભારતે કરી હતી, પણ તે પહેલાં ભારતીય વિમાનનું અપહરણ રોકવાની કેટલીક તક પણ ભારતે ગુમાવી હતી. સમગ્ર ઘટના પર 20 વર્ષ પછી વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે નાનકડી ભૂલ ક્યારેય કેવી મોટી મુસીબત લાવી શકે છે.
કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લાએ પણ ત્યારે ચેતવણી આપી હતી કે મૌલાના મસૂદ અને બીજા ત્રણ ત્રાસવાદીઓને છોડશો નહિ. 178 મુસાફરોના જીવ અગત્યના હતા, પણ થોડી વધારે સાવધાની સાથે કામ લેવાયું હોત તો કદાચ બધા મુસાફરોનો ભોગ ના પણ લેવાયો હોત. થોડા મુસાફરોના ભોગે અપહરણ નિષ્ફળ બનાવી શકાયું હોત અને મસૂદને પાકિસ્તાન જઈને જૈશે મોહમ્મદ ઊભી કરવાની તક ના મળી હોત.
ભારત દાયકાઓથી ત્રાસવાદનો સામનો કરતું આવ્યું છે, પણ તેની સામે કેવી રીતે કાર્યવાહી કરવી તેની ચોક્કસ રીત કેળવી શકાય નથી તે હકીકત છે. ઇઝરાયલને યાદ કરીને પ્રજા એટલે જ અફસોસ વ્યક્ત કરે છે. ઇઝરાયલે પોતાનું વિમાન કેવી રીતે અપહરણ કરનારાઓ પાસેથી છોડાવ્યું હતું તેની દાસ્તાન જગપ્રસિદ્ધ છે. એવી દાસ્તાન લખવાની તક ભારતે ગુમાવી હતી તેનો અફસોસ 20 વર્ષ પછી વધારે અકળાવનારો છે.
24 ડિસેમ્બર 1999ના રોજ ઇન્ડિયન એરલાઇન્સનું એરબસ 300 વિમાન કાઠમંડુથી ઉપડ્યું. ફ્લાઇટ હતી આઇસી-814. કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓ ભેદી શકવામાં સફળ થયા હતા. વિમાનમાં સવાર આ પાંચ પાકિસ્તાનીઓએ અડધા કલાક પછી વિમાનનો કબજો લઈ લીધો. પાઇલટ કેપ્ટન દેવી શરણને વિમાન દિલ્હીના બદલે લાહોર લઈ જવાનો આદેશ અપાયો.વિમાન લાહોર તરફ આગળ વધવા લાગ્યું, પણ લાહોરમાં ઉતરાણ માટે મંજૂરી અપાઇ નહિ. કેપ્ટને જણાવ્યું કે બહુ દૂર જઈ શકાય તેવી સ્થિતિ નથી. વિમાનમાં બળતણ ઓછું છે અને નજીકમાં આવેલા અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ કરવું જરૂરી છે. હવામાં જોખમ વચ્ચે ઊડી રહેલા કેપ્ટનની સમજદારીનો લાભ જમીન પર રહેલા ભારતીય સુરક્ષા નિષ્ણાતો લઈ શક્યા નહોતા. વિમાનનું અપહરણ થયું અને લાહોર સુધીનું ચક્કર મારીને અમૃતસર આવવા લાગ્યું ત્યાં સુધીમાં વિચારી લેવાની તક મળી હતી, પણ તેવી કોઇ ત્વરા દાખવાઈ નહોતી.
અમૃતસરમાં વિમાન લેન્ડ તો થયું, પણ વિમાન પર હુમલો કરીને, થોડા મુસાફરોના ભોગે ત્રાસવાદીઓને ખતમ કરવાની કોઈ કાર્યવાહી ના થઈ. એકવાર વિમાન અમૃતસરમાં ઉતરી ગયું તે પછી તેને ફરી ત્યાંથી ઊડી જવા દેવાયું તે મહામૂર્ખામી હતી. કોઈ દેશ આવી મૂર્ખામી ના કરે. વિમાન હવામાં ના હોય અને જમીન પર હોય ત્યારે તેના પર હુમલો કરવાની તક વધારે હોય. હવામાં રહીને વિમાન ફૂંકી મારવામાં આવે તો મોટી જાનહાની થાય, પણ જમીન પર ઊભેલા વિમાનમાં મુસાફરો પર ગોળીબાર થવા લાગે ત્યારે અંધાધૂંધીમાં મરણીયા થયેલા મુસાફરો પણ સામો વાર કરી શકે. એવા જો અને તો આજે 20 વર્ષે ફક્ત અફસોસ સાથે વિચારવાના જ રહ્યા છે.
દિલ્હીથી કમાન્ડોની ટીમ દોડાવવામાં મોડું થયું હતું. અમૃતસરમાં સ્થાનિક ધોરણે પણ ખાસ કોઈ કાર્યવાહીનું આયોજન થઈ શક્યું નહોતું. દિલ્હીના અધિકારીઓએ એવો દાવો કરેલો કે વિમાનના ટાયરને પંક્ચર કરીને કે અન્ય કોઈ પણ રીતે વિમાનને રોકવું. તેના બદલે ટેન્કરને રન વે પર આડે ઊભું રાખીને વિમાનને રોકવાનો પ્રયાસ થયેલો જે નિષ્ફળ ગયેલો.વિમાનમાં નવું બળતણ ભરી આપવાની માગણી અપહરણકર્તાઓએ કરી હતી. પંજાબના અધિકારીઓએ બાદમાં કહેલું કે વિમાનમાં બળતણ ભરી આપવામાં મોડું કરવાનો આદેશ દિલ્હીથી મળ્યો હતો અને તે માટે પ્રયાસો થયા હતા. દરમિયાન વિમાનમાં ધમાલ મચી ગઈ હતી અને મુસાફરોની ચીસાચીસ વધી પડી હતી. પંજાબના અધિકારીઓએ બાદમાં એવો દાવો કર્યો હતો કે તે પછી ફ્યુઅલ ટેન્કરને વિમાન તરફ રવાના કરાયું હતું. ગણતરી એવી હતી કે ટેન્કર આગળ વધીને વિમાનની આડે ઊભું રહી જાય.
અહીં પણ કોઈક કારણસર ભૂલ થઈ. ટેન્કર આગળ તો વધ્યું પણ ડ્રાઇવરે અચાનક વચ્ચે તેને થોડીવાર અટકાવી દીધું. ત્રાસવાદીઓને કશીક શંકા જાગી એટલે તેમણે કેપ્ટનને ફરીથી વિમાન ઉડાવવાની ફરજ પાડી. વધારાનું ફ્યુઅલ ભર્યા વિના જ વિમાન ફરીથી ભારતની સરહદની બહાર જતું રહ્યું. ટેન્કર આડે આવ્યું હતું ખરું, પણ એવી રીતે નહિ કે વિમાનને અટકાવી શકે. વિમાન તેની સાથે ટકરાતા ટકરાતા રહી ગયું હતું અને ટેક ઓફ્ફ કરી શક્યું હતું. આટલો સમય વીત્યો પણ હજીય દિલ્હીમાંથી એનએસજીની ટીમ રવાના થઈ નહોતી. બાદમાં તેના માટે બહાનાબાજી ચાલી હતી. હેલિકોપ્ટર તરત મળ્યું નહિ, ભારે ટ્રાફિકના કારણે ટીમના સભ્યો ઝડપથી ભેગા થઈ શક્યા નહિ વગેરે.
પૂરતું ફ્યુઅલ ના હોવા છતાં વિમાન હવે ઉપડ્યું તેના કારણે જોખમ ઉલટાનું વધ્યું હતું. ભારતે હવે સામે ચાલીને પાકિસ્તાનને વિનંતી કરવી પડે કે વિમાનને લાહોરમાં લેન્ડ થવા દેજો. સાથે જ એવી વિનંતી કરી હતી કે લાહોરમાં ઉતરાણ પછી વિમાનને અટકાવી રાખજો. પણ અમૃતસરમાં ભારત જે ના કરી શક્યું તે પાકિસ્તાન શા માટે કરે? પાકિસ્તાની સત્તાવાળાઓએ એવા કોઈ પ્રયાસો કર્યા નહોતા. ઉલટાનું બળતણ ભરી આપ્યું અને વિમાનને પોતાની ધરતી પરથી ઊડી જવા દીધું.
વિમાનને હવે દુબઈમાં લેન્ડ કરાયું. ત્યાં સુધીમાં રૂપેલ કાત્યાલ નામના એક પેસેન્જરની ત્રાસવાદીઓએ હત્યા કરી દીધી હતી. તેનું શબ અને 27 જેટલા મુસાફરોને દુબઈમાં નીચે ઉતારી દેવાયા. ભારતે હવે દુબઈમાં સત્તાધીશોને વિનંતી કરી હતી કે વિમાનને અટકાવો, પણ કશું વળ્યું નહિ. દુબઈ પર દબાણ લાવવા બીજા દેશોની મદદ પણ મંગાઈ હતી, પણ કોઈ ફાયદો થયો નહિ.દુબઈથી વિમાનને રવાના કરી દેવાયું અને વિમાન પહોંચ્યું અફઘાનિસ્તાનના કંદહારમાં. અફઘાનિસ્તામાં ત્યારે તાલીબાનોનું જોર હતું. કંદહારની આસપાસનો વિસ્તાર તેના કબજામાં જ હતો. પાકિસ્તાને મદદ ના કરી, દુબઈને મદદ ના કરી ત્યાં તાલીબાનો મદદ કરશે એવી આશામાં ભારતના અધિકારીઓ બેઠા હતા. તાલીબાન શા માટે ભારતને મદદ કરે? તાલીબાનના કમાન્ડોએ વિમાનને ઘેરી લીધું હતું. દેખાવ એવો હતો કે મુસાફરોનો જીવ બચાવાઈ રહ્યો છે, પણ સરવાળે મદદ તો જેહાદી ત્રાસવાદીઓને મળી રહી હતી. ભારત કંદહાર કમાન્ડો મોકલે અને વિમાન પર હુમલો કરે તેવી ચર્ચા પણ થઈ હતી. પરંતુ અમૃતસરમાં ભારત તે તક ચૂકી ગયું હતું. હવે કંદહારમાં તાલીબાન સાચા અર્થમાં મદદ કરે તો જ તે વાત શક્ય હતી.
થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે તાલીબાનો ભારતીય કમાન્ડોને એવી કોઈ કામગીરી નહી કરવા દે.આ તરફ ભારતમાં મુસાફરોને બચાવી લેવા માટે ભાવનાત્મક દબાણ ભારત સરકાર પર વધવા લાગ્યું હતું. ત્રાસવાદીઓની માગણી પણ હવે સ્પષ્ટ થઈ ગઈ હતી. મૌલાના મસૂદ સહિતના 36 જેટલા જેહાદી ત્રાસવાદીઓને છોડી મૂકવાની માગણી હતી. કરોડો રૂપિયાની ખંડણી પણ ખરી. તાલીબાનની મધ્યસ્થી સાથે ત્રાસવાદીઓ સાથે વાતચીત ચાલતી રહી અને દેશમાં વાતાવરણ તંગ થવા લાગ્યું હતું. મુસાફરોના જીવ બચાવવાની માનવતા ખાતર માગણીઓ સ્વીકારવાનું દબાણ હતું, પણ કેટલાક નેતાઓ હજીય ત્રાસવાદીઓને તાબે ના થવું જોઈએ તેમ માનતા હતા. કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે ત્યારે ફારૂક અબ્દુલ્લા હતા. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભૂલ ના કરશો. ત્રાસવાદીઓને છોડી મૂકશો તો ભવિષ્યમાં દેશને ભારે પડશે. તેમની ચેતવણી 20 વર્ષ પછી સાબિત થઈ રહી છે. પાકિસ્તાની મૌલાનાની સાથે કાશ્મીરી મુસ્તાક ઝરગરને પણ છોડી મૂકવાનો હતો. અબ્દુલ્લાએ ઝરગરને છોડવાનો વધારે વિરોધ કર્યો હતો. આ હત્યારાને હું કાશ્મીરની જેલમાંથી બહાર નહી આવવા દઉં તેવી જીદ અબ્દુલ્લાએ પકડી હતી.
અમૃતસરમાં સમયસર કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર પાસે હવે વિકલ્પો ખૂટવા લાગ્યા હતા. દેશભરમાં પ્રવાસીઓના કુટુંબીજનોનું દબાણ વધી રહ્યું હતું. મૌલાના મસૂદ, ઝરગર અને પત્રકાર ડેનિયર પર્લની હત્યા કરનારા અહમદ ઓમર સઈદ શેખને પણ ભારતે છોડી મૂકવો પડ્યો. ભાજપના નેતા જશવંત સિંહ પોતે કંદહાર ગયા, મૌલાના મસૂદને સોંપ્યો અને સામે ભારતીય મુસાફરોને સલામત પાછા લાવ્યા. મુસાફરોને સલામત પરત લાવવા માટે પોતે કંદહાર સુધી ગયા હતા તેવો ખુલાસો તેમણે કરેલો, પણ જીવનભર તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
કાઠમંડુ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું હતું. ત્રાસવાદીઓ વિમાનમાં ચડી શક્યા હતા. તે વાત સાચી, પણ અપહરણ થયું છે તેની જાણ થયા પછી જે ઝડપથી કામગીરી થવી જોઈતી હતી તે થઈ નહોતી. વિમાન અમૃતસર લેન્ડ થયું તે સૌથી મોટી તક હતી. કોઈ પણ ભોગે તેને અટકાવવું જરૂરી હતું. દિલ્હીથી કમાન્ડોની ટીમ મોકલવામાં વિલંબ થયો. તેના કદાચ વાજબી કારણો હશે, પણ અમૃતસરમાં ઉપલબ્ધ પોલીસ કે નજીકમાં ઉપલબ્ધ અન્ય સુરક્ષા નિષ્ણાતોનો કશોક ઉપયોગ થઈ શક્યો હોત. અમૃતસરમાં વિમાન ઊભું હતું ત્યારે જ વાટાઘાટો શરૂ કરીને સરકાર માગણીઓ સ્વીકારી રહી છે તેવો દેખાવ કરી શકાયો હોત. 1999 સુધીમાં ભારતે કાશ્મીર ઉપરાંત દેશના અનેક ભાગોમાં ત્રાસવાદી હુમલા જોયા હતા. ઈશાન ભારતમાં ભાંગફોડ જોઈ હતી. દુનિયામાં કેવી રીતે વિમાનોના અપહરણ થાય છે અને તેમાં શું કરી શકાય છે તે જોયું હતું. થોડો બોધપાઠ તેમાંથી લેવાયો હોત તો કશીક તૈયારી દેખાઈ હોત. અફસોસ એ વાતનો પણ છે કે બીજા 20 વર્ષ ગયા પછી અને બીજા કૂડીબંધ હુમલાઓ પછી સલામતી તંત્રે શું બોધપાઠ લીધો તેવા સવાલો પૂછવા પડે છે? –