દિલ્હી અને ઓડિશામાં ભાજપને ફાયદો કરનારી ઘટનાઓ

0
8221

મ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું નહિ. સોમવારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના નિવાસસ્થાને વધુ એક વાર બેઠક મળી હતી. શીલા દિક્ષિતની હાજરીમાં બેઠક મળી અને તે પછી જાહેરાત થઈ કે કોંગ્રેસ દિલ્હીની સાતેય બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ પણ પોતાની રીતે તૈયારીઓ કરી રાખી હતી. છ બેઠકો પરના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા હતા. આમ છતાં કોંગ્રેસ સાથે કોઈ જોડાય થાય તે માટે આખરી પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફારો થયા હતા. શીલા દિક્ષિતને ફરી એક વાર પક્ષપ્રમુખ બનાવાયા છે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો વિરોધ કરી રહેલા જૂથને શાંત પાડવા માટે તેમને પરત લવાયા હતા. ચર્ચા એવી જ હતી, પણ હવે દિક્ષિતે પોતે જ જોડાણનો સૌથી વધુ વિરોધ કર્યો હોય તેમ લાગે છે.

સ્વાભાવિક છે કે નારાજ થયેલી આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓએ કોંગ્રેસ પર સીધો ભાજપને મદદ કરવાનો જ આરોપ લગાવ્યો. બંને વચ્ચે ખાનગીમાં સમજૂતિ થઈ છે તેવી વાતો પણ કરી. માથામેળ વિનાની વાતો કરવા માટે ભારતીય નેતાઓ પ્રખ્યાત છે એટલે કોઈને નવાઈ ના લાગી, પણ કોંગ્રેસે શા માટે ગઠબંધન ના કર્યું તેની નવાઈ ચોક્કસ લાગી શકે છે.

દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. દિલ્હી ઉપરાંત પડોશી રાજ્યો પંજાબ અને હરિયાણામાં પણ આપની થોડી હાજરી દેખાવા લાગી છે. ગયા વખતે પંજાબમાંથી ચાર બેઠકો આપને મળી હતી. આપની ગણતરી હતી કે દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ તેમને જોડાણમાં સ્થાન મળશે. કમ સે કમ પંજાબની ચાર બેઠકો તેને મળે તેવી ગણતરી હતી. તેની સામે દિલ્હીમાં આપ ત્રણથી ચાર બેઠકો કોંગ્રેસને આપવા માટે તૈયાર હતી. આપની ગણતરી એવી હતી કે વિધાનસભાની ચૂંટણી વખતે પોતાને વધારે બેઠકો મળે, જેથી રાજ્ય સરકાર પોતાની યથાવત રહે. હાલ પૂરતી તે ગણતરી ખોટી પડી છે. જોકે હજી પણ એકાદ મહિના જેટલો સમય બાકી છે. તેથી છેલ્લી ઘડીએ વધુ એક વાર જોડાણ માટે પ્રયાસો થાય તેવું બની શકે છે.

મમતા બેનરજી અને શરદ પવારે આગ્રહ કર્યો હતો કે દિલ્હીમાં કોંગ્રેસ અને આપનું જોડાણ થવું જોઈએ. આ સ્થિતિ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક પહેલાંની હતી. એર સ્ટ્રાઇક પછી એકતરફી વાતાવરણ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાનો કોઈ મુદ્દો જ રહ્યો નથી. આમ છતાં બદલાયેલી સ્થિતિમાં પણ કોંગ્રેસે વલણ બદલ્યું નથી તે મહત્ત્વનું છે.

ઓડિશામાં પણ કોંગ્રેસ તરફથી કોઈ હલચલ નથી. પશ્ચિમ બંગાળ, ઇશાન ભારત પછી ભાજપ ઓડિશા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ધારણા મુજબ જ ઓડિશાના શાસક પક્ષ બીજુ જનતા દળના એક નેતા બિજયંત પાંડા આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. એકાદ વર્ષ પહેલાં તેમણે બીજેડીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા પહેલાંથી જ તેઓ મોદીભક્તિમાં લાગી ગયા હતા. તેના કારણે ગમે ત્યારે ભાજપમાં જોડાશે તે ધારણા હતી જ.

ભાજપ અને નરેન્દ્ર મોદીના વખાણ તેઓ કરતાં રહ્યા હતા તેના કારણે પાંડાને બીજેડીએ નોટીસો આપી હતી. તેમને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ પક્ષમાંથી દૂર કરાયા હતા. જોકે આમ પણ તેઓ પક્ષ છોડીને જતા રહેશે તેમ લાગતું જ હતું. ઓડિશામાં 2014માં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. 21માંથી 20 બેઠકો નવીન પટનાયાક પોતાના પક્ષ માટે જીતી શક્યા હતા. 2000ની સાલથી મુખ્ય પ્રધાન તરીકે રહેલા નવીન પટનાયક હજી પણ અડિખમ લાગી રહ્યા છે. કોંગ્રેસનો તેમણે ઑલમોસ્ટ સફાયો કરી દીધો છે અને ભાજપ રાજ્યમાં ઊભો ના થાય તે માટે પ્રયાસો કરતા રહ્યા છે. પરંતુ ભાજપે ધીમે ધીમે સ્થાન જમાવવાનું શરૂ કરી દીધું છે.

ભાજપે ઇશાન ભારતમાં જે રીત અપનાવી હતી તે અહીં પણ અપનાવી છે. બીજેડીની જ તોડી પાડવાની કોશિશ કરી છે. પાંડા પછી બીજેડીના એકાદ બે બીજા નેતા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસમાંથી પણ નેતાઓને આવકાર મળી કહે છે.

ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારમાં પાંડા ભાજપને ફાયદો કરાવી શકશે તેમ માનવામાં આવે છે. જોકે પાંડાની સૌથી વધુ ઉપયોગીતા તેમની ન્યૂઝ ચેનલ છે. ઓડિશામાં તેમના પત્નીની માલિકીની ટીવી ચેનલ સૌથી મોટી છે. તેના પર ભરપુર ભાજપતરફી પ્રચાર થાય છે અને નરેન્દ્ર મોદીની આરતી આખો દિવસ ચાલતી હોય છે. 2019ની ચૂંટણી ટીવી પર ભરપુર ભ્રામક પ્રચારના આધારે જીતવાની છે તે નક્કી થઈ ગયું છું. લગભગ બધી જ ટીવી ચેનલો પર એકધારો એક જ પ્રકારના પ્રચારનો મારો ચાલી રહ્યો છે. એક સમાન વિષય, એક સમાન વલણ આખો દિવસ ચાલ્યા કરે છે અને તેના કારણે વિપરિત વિચારને ક્યાં સ્થાન જ રહેતું નથી.

પાંડા કેન્દ્રાપાડામાંથી બે વાર લોકસભામાં જીત્યા હતા. એક વાર તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. દિલ્હીમાં બીજેડીના પ્રવક્તા તરીકે તેમનું સ્થાન મહત્ત્વનું હતું. નવીન પટનાયક ચૂપચાપ કામ કરનારા છે. દિલ્હીમાં કે રાષ્ટ્રીય સ્તરે પોતાની હાજરી બહુ વર્તાઇ તેવી કોશિશ કરતા નથી. ભાજપનો એટલો વિરોધ પણ તેઓ કરતા નથી. મહત્ત્વના કેટલાક મુદ્દે સંસદમાં પટનાયકે ભાજપને સમર્થન પણ આપેલું છે. વિપક્ષના એક પણ મોરચામાં તેઓ જોડાયા નથી. જોકે તેમને ચિંતા એ છે કે ભાજપની વધતી લોકપ્રિયતાને પોતાના રાજ્યમાં કેટલી ખાળવી.

દિલ્હીની સામે ઓડિશામાં કોંગ્રેસને વધારે જરૂર પટનાયકની છે. આમ છતાં ઓડિશામાં પણ હજી સુધી કોંગ્રેસ સાથે કોઈ જાતની વાતચીત પણ થઈ નથી. તે જ રીતે દિલ્હીમાં પણ આમ જુઓ તો હવે કોંગ્રેસને પણ આમ આદમી પાર્ટીની જરૂર હતી. એ વાત સાચી કે આમ આદમી પાર્ટી પોતે પણ મુશ્કેલીમાં છે. વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે અગાઉ જેવો દેખાવ કરવો મુશ્કેલ છે. તે સંજોગોમાં લોકસભામાં તે કોંગ્રેસને મદદ કરે, જ્યારે વિધાનસભામાં કોંગ્રેસ સાથ આપે તે ફોર્મુલા પરસ્પર સ્વાર્થની યોજના હતી. હાલ પૂરતી તે યોજના આગળ વધી નથી. વિપક્ષે હજી લાગે છે કે એકાદ અઠવાડિયું રાહ જોવી પડશે. લગભગ 9 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પછી માહોલ થોડો ઘણો બદલાય છે ખરો, તે પછી વિપક્ષની અન્ય યોજનાઓ સ્પષ્ટ થઈ શકે છે. ભાજપને હવે કોઈ નવીન યોજનાની જરૂર નથી. તેમણે પોતાની યોજનાને જાળવી રાખવાની છે…