સંકલ્પ યાત્રા અને ધર્મસભાઃ રામ રામ કરો

9 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં વિશાળ ધર્મસભાનું આયોજન કરવાની જાહેરાત થઈ હતી, ત્યારે ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધર્મસભા મળે તે પહેલાં રાબેતા મુજબ એક યાત્રા કાઢવાનું નક્કી થયું હતું. આ વખતે નામ રખાયું હતું સંકલ્પ યાત્રા. સંકલ્પ શેનો એ કહેવાની જરૂર નથી. પહેલી ડિસેમ્બરથી સંકલ્પ યાત્રાની શરૂઆત દિલ્હીના ઝંડેવાલાથી શરૂ થઈ હતી. ઝંડેવાલામાં જ આરએસએસનું કાર્યાલય કેશવ કુંજ આવેલું છે. પહેલી તારીખથી શરૂ થયેલી યાત્રામાં હજારો લોકો ઉમટી પડશે તેવી ધારણા ખોટી પડી અને માંડ સોએક લોકો એકઠા થયા હતા તેવા અહેવાલો આવ્યાં હતાં.જોકે દેશભરમાં સંકલ્પ યાત્રાઓ યોજાઈ હતી અને 9 ડિસેમ્બરે ભીડ એકઠી કરવાનું આયોજન થયું તું. આખરે 9 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં તે પહોંચી ત્યાં સુધીમાં લાખોની સંખ્યા થઈ જશે એવો અંદાજ હતો તે સાચો પાડવામાં આવ્યો. સંકલ્પ યાત્રાનું આયોજન સ્વદેશી જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થયું હતું. વિશ્વ હિન્દુ પરિષદનું સમજ્યા, પણ સ્વદેશી જાગરણ મંચને ધાર્મિક સંકલ્પોમાં કેમ રસ પડ્યો તે સમજવું મુશ્કેલ છે. ધર્મનું પણ સ્વદેશીકરણ, હં… સ્વદેશી નહિ, દેશીકરણ કરવાનો હશે.

પાંચ રાજ્યોની ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા હશે અને ઉત્સાહનો માહોલ હશે તે ધારણા સાચી પડી નહોતી. ઉલટાનો ભાજપના કાર્યકરોનો પ્રતિસાદ મોળો પડી ગયો હોય તેવું લાગ્યું. પરંતુ સંઘ પરિવારની બધી જ સંસ્થાઓના પ્રયત્નોથી રામલીલા મેદાનમાં છેલ્લા દિવસે ભીડ એકઠી થઈ શકી હતી. ધર્મ સભામાં સંકલ્પ લેવાયો કે સરકારે હવે રાહ જોયા વિના રામમંદિરના નિર્માણ માટે વટહુકમ લાવવો.

સંકલ્પ યાત્રાની જાહેરાત વખતથી જ એવો માહોલ બનાવવાની કોશિશ થઈ હતી કે 1992ની રથયાત્રા જેવો ઉત્સાહ દેશમાં ઊભો થશે. એક તરફ પાંચ રાજ્યોમાં ભાજપની અને ભાજપના સાથી પક્ષોની સરકાર આવવાનો ઉત્સાહ હશે અને બીજી તરફ રામમંદિરના નામે 2019ની ચૂંટણીમાં પણ ઝંડો ફરકાવી દેશું એવો થનગનાટ હશે. રામલીલા મેદાનમાં હકડેઠઠ મેદની વચ્ચે રામમંદિર માટે સંકલ્પ થશે અને સરકારને ફરજ પડશે કે 11 ડિસેમ્બરે રામમંદિરના નિર્માણ માટે તત્કાલ વટહુમક બહાર પાડી દે. સંકલ્પ થઈ ગયો છે, પણ હવે વટહુકમની રાહ જોવાની છે.

પરંતુ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલે માહોલને ઠંડો પાડી દીધો છે. સાથે એ સવાલ પણ ગરમાયો છે કે રામમંદિરના નામે કેટલો સમય વોટ માગ્યા કરશો. રામ કા નામ, હો ગયા કામ એવા સૂત્રો સાથે સોશ્યલ મીડિયામાં પણ મજાકો થઈ રહી છે. જરા ગંભીર સ્વરે વિશ્લેષકો કહે છે કે રામના નામે મતો મળવાના હતા તે ભાજપને મળી ચૂક્યા છે અને મળતા રહે છે. ભાજપે નવા મતદારોને આકર્ષવા માટે નવી તરાહ અપનાવવી પડશે. તેના બદલે યોગી આદિત્યનાથ જેવા ઝેર ઓકતા નેતાને ચાર રાજ્યોમાં ફેરવીને 76 સભાઓ કરવામાં આવી. એક તરફ તેઓ સભાઓ કરી રહ્યા હતા ત્યારે બુલંદશહરમાં એક નિષ્ઠાવાન પોલીસ અધિકારીને બજરંગ દળ, વિહિપ, ભાજપના કાર્યકરોએ ટોળાની હિંસા કરીને મારી નાખ્યો. ગૌહત્યાના નામે ઉશ્કેરણી કરીને તોફાન કરવાની પેરવી કરી રહેલા ટોળાંને રોકવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહે કોશિશ કરી તો તેમને ઠાર કરી દેવાયા. તે પછી નિર્લજ્જ રીતે એવું કહેવાતું રહ્યું કે પોલીસ અધિકારી માર્યો ગયો એતો ઠીક છે હવે, પણ આ ગૌહત્યા કોણે કરી તે મહત્ત્વનું છે. ભાજપના ટેકેદારો પણ યોગીની આ રાક્ષસી મનોવૃત્તિથી હચમચી ગયા છે. ગૌરક્ષા જરૂરી છે, કોમી તત્ત્વોને કાબૂમાં લેવા પણ જરૂરી છે. પણ નકલી ગૌહત્યાનો મામલો ઊભો કરીને અને પછી નેસ્તનાબૂદ થવા આવેલા ‘પ્રામાણિક પોલીસ વર્ગ’ના ફરજપરસ્ત પોલીસ અધિકારીની હત્યા કરી દેવી, તેનાથી ભાજપના ટેકેદારોમાં પણ ભારે ટીકા થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ યોગીને તાત્કાલિક દિલ્હી મળવા બોલાવીને વારવા પડ્યા હોય તેમ લાગે છે.

રામના નામે આંદોલનનું નાટક કરીને મતો મેળવવાનો જમાનો હવે જતો રહ્યો છે તે કદાચ આ મધ્યયુગીય માનસ ધરાવતા નેતાઓને સમજાયું લાગતું નથી. રામમંદિર બનાવવાનો સમય હવે આવ્યો છે અને ચૂપચાપ મંદિર બનાવવાનું છે. રામમંદિરના નામે મતો અપાઇ ચૂક્યા છે. વારંવાર અપાઇ ચૂક્યા છે અને હવે પહેલાં રામમંદિર બનાવો પછી મતો આપીશું તેવો રોષ ભાજપના ટેકેદારોમાં પણ દેખાવા લાગ્યો છે. રામમંદિરના નામે પોતે વારંવાર મતો આપ્યા કરે છે તેના કારણે બીજાની નજરમાં પોતે મૂરખ ઠરી રહ્યા છે તે રોષ પણ ભાજપના ટેકેદારોમાં દેખાઈ રહ્યો છે.સંઘની સંસ્થાઓને પણ કદાચ આ વાત સમજાઈ લાગે છે, તેથી હવે સંકલ્પ યાત્રા જેવા કાર્યક્રમો દ્વારા એવું દેખાડવાની કોશિશ થઈ રહી છે કે ભાજપ સરકાર પર રામમંદિરનું નિર્માણ કરવા અમે દબાણ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના અમે ભાજપ સરકાર પર વટહુકમ લાવવાનું દબાણ કરી રહ્યા છે તે મેસેજ આપવાની કોશિશ સંકલ્પ યાત્રા અને ધર્મસભાના આયોજન પાછળ હતી. જોકે લોકો સ્વંયભૂ યાત્રામાં ઉમટી પડશે તેવી ગણતરી ખોટી પડી તેથી આયોજકો પણ અકળાયા હતા. સ્વદેશી જાગરણ મંચના દિલ્હી પ્રાંતના સંયોજક સુશીલ પંચાલે ખુલાસા કરવા પડ્યા હતા. તેમણે કહ્યું કે યાત્રા વિશે પૂરતો પ્રચાર ના થઈ શક્યો તેથી યાત્રા વખતે ભીડ એકઠી થઈ નહોતી. પ્રચાર અને કુપ્રચાર બંનેમાં માહેર પરિવારની સંસ્થાઓ પ્રચાર ના કરી શકે તે પણ નવાઈની વાત છે. વિહિપ જેવી સંસ્થાઓ પણ સાથે જોડાઈ છે, કેમ કે ગૌમાતા અને રામમંદિરની વાત લઈને વિહિપના કાર્યકરો લોકો વચ્ચે જાય છે ત્યારે ટોણાં સાંભળવા પડે છે. રામ રામ કરો ભાઈ એવું સાંભળવા મળે છે.

કેન્દ્રમાં સત્તાના સાડા ચાર વર્ષ પૂરા કર્યા પછી હવે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે લોકોને હિસાબ આપવાનો છે. હિસાબ આપવાના બદલે સતત ‘કોંગ્રેસનું 60 વર્ષનું શાસન’ એવો જ જુમલો સાંભળવા મળે છે. લોકો કહે છે કે હા, ભઈ હા, કોંગ્રેસે નખ્ખોદ કાઢ્યું એટલે તમને બેસાડ્યા હતા, પણ તમે શું કર્યું એ કહોને. પરંતુ ભાજપના નેતાઓની પીન કોંગ્રેસનું 60 વર્ષનું શાસન અને ગાંધી પરિવાર પર જ ચોંટી ગઈ છે. લોકો કાન પર હાથ દાબીને આ કર્કશ ધ્વનીથી બચવા કોશિશ કરી રહ્યા છે. તેથી જ તેમને વિકલ્પે હવે રામધૂન સંભળાવવાની પેરવી પરિવારની છે.નોટબંધી અને જીએસટીમાં નિષ્ફળતા, ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવામાં નિષ્ફળતા, પૂરતા પ્રમાણમાં રોજગાર ઊભો કરવામાં નિષ્ફળતા, શિક્ષણ અને આરોગ્યમાં કશું જ નવું ના કરી શકવામાં નિષ્ફળતા, એર ઇન્ડિયાને વેચવા જેવી સામાન્ય બાબતમાં પણ નિષ્ફળતાના જવાબો ના આપવા પડે તે માટે રામમંદિરનો રાગ આલાપી લઈશું તો ભૂતકાળની જેમ ચાલશે તે વાત બેસૂરી સાબિત થઈ રહી છે. એક્ઝિટ પોલના તારણોમાં એક વાત એ પણ બહાર આવી છે કે પ્રથમ વાર મતદાન કરી રહેલા યુવા વર્ગમાં ભાજપ કરતાં થોડા ટકા વધારે ટેકો કોંગ્રેસને કર્યો છે. ખેડૂતો, દલિતો અને આદિવાસીઓએ પણ ભાજપ કરતાં થોડા ટકા વધારે મતો કોંગ્રેસને આપ્યા છે. યુવા વર્ગને રાતોરાત ભારતમાં સ્વર્ગ આવી જશે એવી કલ્પના 2014માં દેખાડાઈ હતી. તારા તોડી લાવવાના આવા વચનો માનવાના ના હોય તે જૂની, અનુભવી, પ્રૌઢ પેઢી જાણતી હોય છે, પણ યુવાપેઢીને સપના ગમે છે. જૂની પેઢી સપના જોતો જ નથી, તેથી નિરાશ પણ ના થાય, પણ યુવાપેઢી સપનું પૂરું ના થાય એટલે તરત નારાજ થાય. યુવાપેઢીની ધીરજ ઓછી હોય છે, તે બીજો ચાન્સ આપવા માગતી નથી હોતી. આ મુદ્દો આગામી ચૂંટણીમાં અગત્યનો સાબિત થઈ શકે છે.