પ્રિયંકા વાડરા-ગાંધીને પ્રચારનો જૂનો અનુભવ છે

પ્રિયંકા વાડરા-ગાંધીનો સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ થયો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ હિસ્સાનો હવાલો હવેથી પ્રિયંકા ગાંધી સંભાળશે, જેમને કોંગ્રેસના મહામંત્રી પણ બનાવવામાં આવ્યા છે. સાથે જ બીજું પણ એક નામ હતું – જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. જોકે ચર્ચા માત્ર પ્રિયંકાના રાજકારણના પ્રવેશની થઈ છે, સિંધિયાને ભાગ્યે જ કોઈએ યાદ કર્યા. નવાઈની વાત નથી, કેમ કે પ્રિયંકા ક્યારે અથવા ક્યારેય સત્તાવાર રીતે રાજકારણમાં આવશે કે કેમ તે લાંબા સમયથી પૂછાઈ રહેલો પ્રશ્ન હતો.

ક્યારેય રાજકારણમાં આવશે ખરા તેવો પ્રશ્ન બહુ મહત્ત્વનો નહોતો, કેમ કે પરદા પાછળ તેઓ સક્રીય હતા અને ઉત્તર પ્રદેશની પરિવારની બે બેઠકો પર પ્રચાર પણ કરતા આવ્યા છે. 2009 અને 2014માં પણ રાયબરેલી અને અમેઠીમાં તેમણે સોનિયા ગાંધી માટે અને રાહુલ ગાંધી માટે પ્રચાર કર્યો હતો તે સૌના જાણમાં છે. પરંતુ બધાના જાણમાં એ નથી કે પ્રિયંકા ગાંધીને ચૂંટણીમાં પ્રચારનો અને તે પણ અસરકારક પ્રચારનો જૂનો અનુભવ છે. જૂનો એટલે ઘણો જૂનો અનુભવ છે.

પ્રિયંકાનો ચૂંટણી પ્રચારનો 20 વર્ષ જૂનો અનુભવ છે તે ઘણા જૂના કોંગ્રેસી નેતાઓ યાદ કરી રહ્યા છે અને તેના કારણે જ કદાચ ખુશ થઈ રહ્યા છે. વાત છે 1999ની ચૂંટણીની. અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને જયલલિતાએ ટેકો પાછો ખેંચી લીધો હોવાથી નવેસરથી ચૂંટણી આવી પડી હતી. ભાજપે કોંગ્રેસના એક એવા નેતાને પોતાના પક્ષમાં પ્રવેશ આપ્યો હતો કે ભવાં ખેંચાય. અરુણ નહેરુને ભાજપે રાયબરેલીમાં ઊભા કર્યા. નહેરુની અટક અને રાયબરેલીમાં તેમની ઉમેદવારીથી ગાંધી પરિવાર સાવધ થઈ ગયો હતો. સોનિયા ગાંધી હજી એકાદ વર્ષથી જ કોંગ્રેસના અધ્યક્ષા તરીકે સક્રીય થયા હતા.

અરુણ નહેરુ

અરુણ નહેરુ ફરી એકવાર રાયબરેલી જીતી જાય તો કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે સોખમણ થાય તેમ હતી. 1980માં ઇન્દિરા ગાંધીએ પોતાના કુટુંબના અરુણ નહેરુને કોર્પોરેટ જૉબ છોડાવીને રાયબરેલીમાં ટિકિટ આપી હતી. 1984માં પણ તેઓ ફરીથી રાયબરેલીથી જીત્યા હતા અને કોંગ્રસ સરકારમાં પ્રધાન પણ હતા. ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીના નીકટના સલાહકાર પણ બની રહ્યા. દરમિયાન 1988માં તેમની સામે પિસ્તોલની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યો. બાદમાં બોફર્સના મામલો ઊભો કરીને કોંગ્રેસથી જુદા પડેલા વી. પી. સિંહ સાથે તેઓ જોડાઈ ગયા. બંનેએ મળીને જનમોરચો ઊભો કર્યો હતો. તે પછીની ચૂંટણી અરુણ નહેરુ જનતા દળની ટિકિટ પર બિહારમાં લડ઼યા હતા. પણ હવે ફરીથી 1999માં ચૂંટણી આવી અને કોંગ્રેસનું સુકાન સોનિયાના હાથમાં હતું ત્યારે ભાજપે અરુણ નહેરુને રાયબરેલીની ટિકિટ આપી.

કોંગ્રેસ તરફથી ટિકિટ કેપ્ટન સતીષ શર્માને મળી હતી, પણ પોતાના પિતાને દગો આપનારા અરુણ નહેરુને હરાવવાનું બીડૂ પ્રિયંકાએ ઉપાડી લીધું હતું તેમ જૂના કોંગ્રેસીઓ યાદ કરે છે. કુટુંબી કાકા સામે પડવાનું હતું ત્યારે પ્રિયંકાએ જે રીતે પ્રચાર કર્યો તેને ઘણા કોંગ્રેસીઓ યાદ કરે છે. જોકે સોનિયા ગાંધીએ સલાહ આપી હતી કે ટીકા ના કરવી. આ વાત પ્રિયંકાએ જાતે જ જણાવી હતી. પોતાની સભાઓમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારી માતાએ મને કોઈની બૂરાઈ ના કરવા કહ્યું છે, પણ હું યુવાન છું. મારા દિલમાં જે વાત હોય તે હું તમારી સમક્ષ ના કરું તો કોની જોડે કરું?’
આવી રીતે મતદારો સાથે લાગણીના સંબંધો જોડવાની વાત કરીને પ્રિયંકાએ ચાચા નહેરુનો બરાબરનો ઉધડો લીધો હતો. ‘હું તમને કહેવા માગું છું કે મારા પિતાના પ્રધાનમંડળમાં રહીને જેમણે ગદ્દારી કરી, ભાઇ કે પીઠ મેં છૂરા મારા, તેવા માણસને તમે અહીં કેમ ઘૂસવા દીધો તે મને કહો…’ એવી રીતે પોતાના ચાચા અરુણ નહેરુને ગદ્દાર ઠરાવીને પ્રિયંકાએ જોરદાર પ્રચાર કર્યો હતો. આ આપણો ઇલાકો છે અને તેમાં રાજીવ ગાંધીના ગદ્દારને ઘૂસવા ના દેશો એવો મુદ્દો પ્રિયંકાએ બરાબરનો ચલાવ્યો હતો.

અરુણ નહેરુને બચાવવા માટે હવે ભાજપે ફાંફા મારવા પડ્યા, કેમ કે નહેરુ પરિવારમાં તૂટ પાડવાની ભાજપની એ પ્રથમ કોશિશ હતી. આગળ જતા સંજય ગાંધી કે જેને સંઘ અને જન સંઘે સૌથી વધુ ટીકા કરી હતી તેમના પત્ની મેનકા અને પુત્ર વરુણને પણ ભાજપમાં લઈ લીધા હતા. પ્રિયંકા જે રીતે પ્રચાર કરતાં હતા અને રાયબરેલીને પોતાનો ઇલાકો કહેતા હતા તેની સામે વાજપેયી પોતાની અદામાં ટોણો પણ માર્યો હતો. વાજપેયી ખુદ પ્રચાર કરવા આવ્યા ત્યારે તેમણે જાહેર સભામાં એવો ટોણો માર્યો હતો કે આ તો કોઈનો ઇલાકો છે એટલે ત્યાં પ્રવેશતા મને તો ડર લાગે છે.

જોકે વાજપેયીનો આવો ટોણો બહુ અસર કરી શક્યો નહિ અને પ્રિયંકાએ કુટુંબીભાઈએ જ રાજીવની પીઠમાં છૂરો માર્યો હતો તેવો જોરદાર પ્રચાર ચાલુ રાખ્યો હતો. તેના કારણે અરુણ નહેરુ માટે રાયબરેલીમાં જીતવું મુશ્કેલ બની ગયું હતું. ચૂંટણીના મેદાનમાં લોકોમાં કેવા મુદ્દા ચાલે અને તેને કેવી રીતે ચગાવાઈ તેનો નમૂનો આ રીતે પ્રિયંકાએ 20 વર્ષ પહેલાં જ દેખાડ્યો હતો.

આ જ રીતે સોનિયા ગાંધીએ બેલ્લારીમાં ઉમેદવારી કરી અને તેમની સામે ભાજપે સુષ્મા સ્વરાજને ઉતાર્યા ત્યારે પણ પ્રિયંકા ગાંધીએ છેલ્લી ઘડીએ કોંગ્રેસી કાર્યકરોનો જોશમાં લાવી દીધા હતા. બેલ્લારીના રેડ્ડી બંધુઓ સુષ્માની વહારે આવ્યા હતા. કોલસાની દાણચોરીને કારણે કુખ્યાત રેડ્ડી બંધુઓ પોતાની વગ વધારી રહ્યા હતા અને સુષ્માને જીતાડીને છવાઈ જવા માગતા હતા. પરંતુ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ કહે છે કે છેલ્લા દિવસોમાં પ્રિયંકા સ્વંય બેલ્લારીમાં ફરી વળ્યા હતા. તેમણે કોંગ્રેસી કાર્યકરોને છેક સુધી લડી લેવા પાનો ચડાવ્યો અને આખરે સોનિયા ગાંધી જીતી ગયા.

2004ની ચૂંટણી વખતે ભાજપનું શાઇનિંગ ઇન્ડિયા છવાયેલું હતું. એવું લાગતું હતું કે કોંગ્રેસ ટક્કર આપી શકવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસના નેતાઓ લાગતું હતું કે પ્રિયંકાને કારણે પક્ષનું સંગઠન બચી ગયું છે અને કોંગ્રેસ ફરી એક થઈ છે, પણ ચૂંટણીના મેદાનમાં હિન્દી બરાબર ના બોલી શકતા સોનિયા ગાંધીથી પ્રચાર થઈ શકે તેમ નહોતો. એવું મનાય છે કે પ્રોફેશનલ માર્કેટિંગ એજન્સીઓએ પણ સલાહ આપી હતી કે સોનિયાના બદલે રાહુલ અથવા પ્રિયંકા ગાંધીને આગળ કરવા જરૂરી છે. પ્રિયંકા રાહુલથી બે વર્ષ નાની હોવા છતાં રાયબરેલી અને બેલ્લારીમાં પ્રચારના મેદાનમાં ઉતરી હતી અને કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક પણ તેમનો વધારે હતો. રાહુલ ગાંધી યુકેમાં જૉબ કરતા હતા.

જોકે આખરે નિર્ણય તે વખતે રાહુલ ગાંધીને આગળ કરવાનો લેવાયો હતો. તેથી યુકેની જોબ છોડીને રાહુલ ગાંધીને સક્રીય કરવામાં આવ્યા અને ત્યારથી પ્રિયંકા ગાંધી બેકગ્રાઉન્ડમાં જ રહ્યા. તે પછી 10 વર્ષ કોંગ્રેસની સત્તા રહી એટલે પક્ષ સજીવન થઈ ગયો અને રાહુલ ગાંધીને તૈયાર કરાતા રહ્યા, પણ 2014માં પરિસ્થિતિ બદલાઈ ગઈ. કોંગ્રેસના ઇતિહાસની સૌથી ઓછી બેઠકો માત્ર 44 બેઠકો કોંગ્રેસને મળી. એક પછી એક રાજ્યોમાં પણ કોંગ્રેસની સત્તા આથમવા લાગી અને રાહુલ ગાંધી વારસો સંભાળી શકે તેમ નથી તેઓ એકમત ઊભો થવા લાગ્યો હતો.
આવી સ્થિતિને કારણે જ પ્રિયંકા લાવો, કોંગ્રેસ બચાવો તેવા નારા પણ લાગતા રહ્યા હતા. કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા ગુમાવે તે પછી આવા નારા લાગતા હતા. જોકે તે વખતે પ્રિયંકાને લાવવામાં આવે તો પડકાર વિપક્ષ સામે નહિ, પણ રાહુલ ગાંધી સામે ઊભો થાય.

પરંતુ હવે રાહુલ ગાંધીને ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સત્તા ફરી અપાવવાનો જશ મળ્યો છે ત્યારે પ્રિયંકાને લાવી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ગાંધી પરિવારે કેલ્યુકેટેડ રિસ્ક લીધું છે અને બાકી રાખેલું પત્તું પણ મેદાનમાં ઊતારી લીધું છે. હવે પડકાર ભાજપ માટે રહેશે કે પૂર્વાંચલમાં કેવી સ્ટ્રેટેજી અપનાવવી. પૂર્વાંચલ વિસ્તાર યોગી આદિત્યનાથનો મનાય છે. આ વિસ્તારમાં હાલમાં કોંગ્રેસ નબળી પડી છે તે પણ હકીકત છે. આ જ વિસ્તારમાં વારાણસીની વડાપ્રધાનની બેઠક પણ આવેલી છે. પ્રિયંકાને માત્ર મર્યાદિત વિસ્તાર સોંપાયો છે, જેથી બહુ બેઠકો ના મળે તો પણ મોટી નિષ્ફળતા નથી મળી એમ કહી શકાય. બીજી બાજુ પ્રિયંકા ગાંધીના બદલે પ્રિયંકા વાડરા બોલીને ભાજપનું કામ ચાલી શકે તેમ છે. વાજબી રીતે પરિવારવાદનો મુદ્દો પણ ભાજપ વધારે અસરકારક રીતે ચલાવી શકશે.

પરંતુ પ્રિયંકા નવી નિશાળિયણ નથી અને પ્રચારની અનુભવી છે. કાર્યકરો સાથે કનેક્ટ વધારે સારી છે. કેવા મુદ્દા ચાલે અને કેવી રીતે ચગાવાય તે પણ જાણે છે એટલે અનુભવીની અદાથી પૂર્વાંચલમાં મહેનત કરશે એમ કોંગ્રેસ માને છે. બીજી બાજુ ભાજપ પાસે કુંભનો મુદ્દો પણ છે એ ના ભૂલાય, કેમ કે પૂર્વાંચલના પ્રયાગરાજમાં આ વખતે બહુ ધામધૂમથી યોગીએ અર્ધ કુંભનું આયોજન કર્યું હતું. 4200 કરોડથી વધુ રૂપિયા વપરાયા હતા. ગોરખપુરની પેટાચૂંટણીમાં હાર મળી તે પછી કઈ નવી ગણતરીઓ કરવી પડશે તે યોગી સમજી શક્યા હશે. બીજું એસપી-બીએસપીનું ગઠબંધન થયું છે અને કોંગ્રેસ સાથે નથી ત્યારે ભાજપના ઉમેદવારો સામે બબ્બે ઉમેદવારો હશે તેનો ફાયદો અમુક બેઠકોમાં, ખાસ કરીને ઓછા માર્જિનવાળી બેઠકોમાં ભાજપને પણ થઈ શકે છે.